નવરોઝ : ગુજરાતી ભાષાનું પારસી વર્તમાનપત્ર. પૂર્વ ભારત – કૉલકાતાથી ઈ. સ. 1913માં એદલજી નવરોજી કાંગા નામના પારસી ગૃહસ્થે ‘નવરોઝ’ નામનું અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં સંયુક્ત રીતે પ્રગટ થતું સાપ્તાહિક શરૂ કર્યું.

કૉલકાતાની ગુજરાતી પ્રજાનો સારો એવો સાથ અને સહકાર કાંગાને પ્રાપ્ત થયો. તેમને ‘નવરોઝ’ના સંપાદન અને સંચાલનમાં તેમનાં પત્ની બચુબાઈ તથા પુત્રો નવલ અને ફરામરોઝ (ફૂદી) તથા પુત્રવધૂ ભલુબહેનનો સારો એવો સહકાર પ્રાપ્ત થયો.

એદલજી કાંગાના અવસાન પછી ‘નવરોઝ’નું સુકાન તેમણે જ સંભાળ્યું. ભલુબહેન ગુજરાતી વિભાગ અને નવલભાઈ અંગેજી વિભાગ સંભાળતા.

‘નવરોઝ’નો તંત્રીલેખ તથા સાપ્તાહિક રાજકારણનું પહેલું પાનું ચંપકલાલ ઓઝા લખતા. આ બંને લખાણો વાચકોમાં પ્રિય થઈ પડ્યાં હતાં.

ચાંપશી ઉદેશી, રમણીક મેઘાણી, શિવકુમાર જોશી, ચન્દ્રકાન્ત બક્ષી, મધુ રાય, શ્યામ આશર, જયંતીલાલ મહેતા, અરવિંદ પારેખ, મૂળચંદ પારેખ વગેરે લેખકોનો સહકાર ‘નવરોઝ’ને મળતો રહેતો. તેના દિવાળી અંકો સમૃદ્ધ વાચન પીરસતા.

કૉલકાતામાં ગુજરાતી અસ્મિતાને જીવંત રાખવામાં ‘નવરોઝ’નું કામ આગળ પડતું રહેલું.

મુકુન્દ પ્રા. શાહ