નવરસનામા : ભારતીય સંગીત વિશે સોળમા સૈકામાં પ્રાચીન ઉર્દૂ ભાષામાં રચાયેલો ગ્રંથ. તેનું મૂળ નામ ‘કિતાબે નવરસ’ હતું, પરંતુ તે ‘નવરસનામા’ના નામે વિશેષ ઓળખાય છે. તે દખ્ખણી કવિતામાં છે. તેની રચના 1598–99માં દક્ષિણ ભારતના બીજાપુર શહેરમાં થઈ હતી. તેના કર્તા બીજાપુરના આદિલશાહી વંશના સમ્રાટ ઇબ્રાહીમ આદિલશાહ બીજા (1580થી 1628) છે.
સમ્રાટ પોતે લલિતકલાઓના શોખીન હતા. સંગીત ઉપરના પ્રભુત્વના પરિણામે તેમણે આ ગ્રંથ રચ્યો હતો. તેમાં કોઈ એક વિષયનું નિરૂપણ નથી, પરંતુ લેખકે જુદા જુદા રાગો વડે સ્વરચિત કવિતામાં જુદા જુદા ભાવોને વ્યક્ત કર્યા છે. ભોપાલી, રામકલી, ભૈરવ, હજીઝ, પૂરિયા, મારુ, આસાવરી, દેસી, બરારી, ટોડી, મલાર, ગોરી, કલ્યાણ, ધનાસરી, કનરા, કેદાર અને નવરૂઝ એમ 17 રાગોમાં કુલ 59 ગીત અને 17 દોહરાનો તેમાં સમાવેશ થયો છે.
દરેક રાગ હેઠળ ક્યારેક બે, ક્યારેક ત્રણ અને ક્યારેક ચાર પંક્તિઓ રચાઈ છે. બધી પંક્તિઓ સપ્રાસ છે.
તેમાં સમાવેલાં ગીતોમાં ચાર પ્રકારના વિષયોનો સમાવેશ થયો છે : (1) શિવ, પાર્વતી, સરસ્વતી, ગણેશ, ઇન્દ્ર જેવાં દેવીદેવીઓનો ઉલ્લેખ કરીને તેમના આશીર્વાદ માગવામાં આવ્યા છે. (2) ગુલબર્ગના સૂફી સંત હઝરત મોહમ્મદ હુસેની ગૈસૂ દરાઝ પ્રત્યે આસ્થા વ્યક્ત કરવામાં આવી છે. (3) કેટલાંક કાવ્યોમાં કવિએ પોતાના ખાનગી જીવનના પ્રસંગોને વણી લીધા છે. (4) કેટલાંક કાવ્યો પ્રેમવિષયક છે.
આ ગ્રંથ 1955માં ઉર્દૂમાં પ્રગટ થયો છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી