નવરંગ : ચાલુક્ય અથવા હોયસળ શૈલીનાં મંદિરોમાં (1050થી 1300) સામાન્ય રીતે મંદિરના ગર્ભગૃહ સાથે સાંકળવામાં આવેલ મંડપ. તે સ્તંભો દ્વારા રચાયેલ હોય છે. સ્તંભોની ગોઠવણી ઘણી વખત અત્યંત નજીક રખાયેલ હોવાથી મંડપનો ખ્યાલ ન આવે. દરેક સ્તંભની રચના અલગ અલગ કારીગરોને સોંપવામાં આવતી અને તેની કોતરણી અને શિલ્પ દાતાની ઇચ્છા પ્રમાણે કરાતાં. બેબુરના કેશવ મંદિરનો નવરંગ આ સમયનાં મંદિરોમાં કદાચ સૌથી વિશાળ ગણી શકાય. 28 મી. લાંબા અને 22 મી. પહોળા આ મંડપની રચના 46 સ્તંભો વડે થયેલ, જેમાં ચાર સિવાય બીજા બધાની રચના અલગ અલગ હતી. આને કારણે સમગ્ર મંડપની ભવ્યતા અને વૈવિધ્ય પ્રભાવક બનેલ. દરેક સ્તંભની રચના તેના કારીગરો દ્વારા ઉત્કૃષ્ટ બને તેવી હરીફાઈને લઈને જ આ પ્રકારનું સ્થાપત્ય પણ નિર્મિત થયું. આમ છતાં દરેક સ્તંભની મૂળભૂત રચનામાં ચાલુક્ય કળાના સિદ્ધાંતો અકબંધ જળવાયેલા છે. અને બધા સ્તંભોમાંનો એક જે નૃસિંહ સ્તંભ તરીકે વર્ણવાયેલ છે, તેની કલાત્મક રચના અપ્રતિમ રહેલ છે. તેની અંદર કોતરાયેલ ગોખલા અને નૃસિંહની મૂર્તિઓની રચના એટલી ચતુરાઈપૂર્વક કરાયેલ કે ગમે તે બાજુથી જોતાં તેની આગવી પ્રતિભા દૃષ્ટિગોચર થયા વગર ન રહે. સ્તંભોના માદળની રચના પણ આગવી પ્રતિભા દર્શાવે છે. તે દરેક કારીગરની પોતાની આગવી કળાનો હસ્તાક્ષરની જેમ પુરાવો પૂરો પાડે છે.
રવીન્દ્ર વસાવડા