નવભારત ટાઇમ્સ : ભારતનું હિંદી ભાષાનું નોંધપાત્ર દૈનિક વર્તમાનપત્ર. બેનેટ કોલમૅન ઍન્ડ કંપનીના ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથનું પ્રકાશન. 1950માં દિલ્હીમાંથી તેનું પ્રકાશન શરૂ કરાયું. સમય જતાં સબળ સંસ્થાની વ્યવસ્થા તથા અદ્યતન મુદ્રણતંત્ર આદિનો તેને લાભ મળ્યો. જયપુર, પટણા, લખનૌ અને મુંબઈ જેવા દેશનાં અન્ય શહેરોમાંથી તેની આવૃત્તિઓ શરૂ કરાઈ. એમાંથી કેટલીક આવૃત્તિઓ પાછળથી બંધ કરી દેવાઈ. ‘નવભારત ટાઇમ્સ’ની ગણના દેશના અગ્રગણ્ય હિંદી દૈનિક તરીકે થાય છે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સમાચારો, સમાચારસમીક્ષા, વૈવિધ્યપૂર્ણ લેખવિભાગો વગેરેના કારણે તે ખૂબ જ લોકપ્રિય બન્યું. તેની આ લોકપ્રિયતા તથા ઉચ્ચ ગુણવત્તા માટે એના ભૂતપૂર્વ તંત્રી રાજેન્દ્ર માથુરને યશ આપવો ઘટે. રાજેન્દ્ર માથુરનો પ્રમાણમાં યુવાનવયે હૃદયરોગથી દેહાંત થતાં હિંદી પત્રકારત્વને અને વિશેષ કરીને ‘નવભારત ટાઇમ્સ’ને મોટી ખોટ પડી.
મહેશ ઠાકર