નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier)

January, 1998

નવપરિવેષ્ટિત ખડક – નવવિવૃતિ (inlier-outlier) : ભૂસ્તરીય વયમાં નવા સમયના ખડકોથી બધી બાજુએ સંપૂર્ણપણે ઘેરાયેલા, પણ મર્યાદિત વિસ્તાર આવરી લેતા જૂના સમયના ઓછાવત્તા ગોળાકાર-લંબગોળાકાર સ્વરૂપવાળા વિવૃત ખડકોથી બનતી રચના.

જુદા જુદા પ્રમાણવાળા ઘસારાની, અસંગતિની, સ્તરભંગની કે ઊર્ધ્વવાંકમય ગેડીકરણની ક્રિયાથી તે તૈયાર થાય છે. નવપરિવેષ્ટિત ખડકભાગો સામાન્ય રીતે ખીણવિસ્તારોમાં, ગર્ત કે થાળાવિભાગોમાં જોવા મળે છે. આજુબાજુ નવા સ્તરોથી પરિવેષ્ટિત જૂના વયનું જો કોઈ અંતર્ભેદક ઘસારાનાં પરિબળો દ્વારા સપાટી પર વિવૃત થયેલું હોય ; કોઈ ભૂમિભાગ ક્રમશ: અવતલન પામતો પામતો અટકી જાય અને તેની આજુબાજુ નવા સ્તરો જામે પણ તે વિવૃત રહે અથવા નવા સ્તરોથી ઢંકાઈ જાય અને પછીથી ઘસારાનાં પરિબળોથી ખુલ્લો બને, તો આ પ્રકારની રચના તૈયાર થાય છે. નવપરિવેષ્ટિત ખડકને જીર્ણવિવૃતિ પણ કહે છે.

નવપરિવેષ્ટિત ખડક

જીર્ણવિવૃતિની રચના (1) ઘસારા દ્વારા, (2) સ્તરભંગ દ્વારા, (3) ગેડીકરણ દ્વારા.

નવા વયના ખડકસ્તરનો મર્યાદિત ભાગ જે સંપૂર્ણપણે જૂના વયના ખડકસ્તરોથી ઘેરાયેલો જોવા મળતો હોય એવી રચના નવવિવૃતિ કહેવાય છે. જુદા જુદા પ્રમાણવાળા ઘસારાની, સ્તરભંગની, અધોવાંકમય ગેડીકરણની ક્રિયાથી કે નવા વયનું અંતર્ભેદક જૂના ખડકો વચ્ચે વિવૃત થવાથી તેની રચના થતી હોય છે. નવવિવૃતિ સામાન્ય રીતે ઊંચાઈએ રહેલા ભૂમિભાગોમાં જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા