નલવિલાસ : આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રે 12મી સદીમાં લખેલું સાત અંકનું નાટક. તેમણે મહાભારતની નલકથાને આ નાટ્યકૃતિમાં આલેખી છે. કવિએ ‘નાટ્યદર્પણ’માં 13 જગ્યાએ તેમાંથી ઉદ્ધરણો આપ્યાં છે. તેમની પ્રિય કૃતિઓમાં ‘રઘુવિલાસ’ પછી ‘નલવિલાસ’ છે.
પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે રામ અને કૃષ્ણની વાર્તા જેવી નળની વાર્તા પણ આકર્ષક છે. પ્રથમ અંકમાં વિહાર-ઉદ્યાનમાં નળ રાજા પ્રાત:કાળે આવેલા સ્વપ્નમાં ‘હાથમાં આવેલી મુક્તાવલી પડી ગઈ; ફરી પાછી હાથમાં લઈ પોતે પહેરી’નું અર્થઘટન જ્યોતિષીને પૂછતાં કન્યા-લાભ, વિરહ અને પુનર્ગ્રહણ એવો ભાવ્યર્થ બતાવે છે. ત્યાં કાપાલિક ચંદ્રશેખર પાસેથી આવેલા લંબોદર કાપાલિક સાથેના વિદૂષક ખરમુખના કલહમાં નીચે પડેલા ચિત્રપટમાં આલેખેલી સુંદરીનું ચિત્ર મેષમુખ નામના મિત્રે ચિત્રસેન રાજા માટે વિદર્ભના રાજમહેલમાંથી મેળવેલું હતું. આ સુંદરી દમયંતી હોવાનું કહેતાં કલહંસ અને મકરિકાને દમયંતીના દિલમાં પોતાના માટે અનુરાગ ઉત્પન્ન કરવા કુંડિનપુર મોકલ્યાં. એટલી ઘટના પ્રથમ અંકમાં છે. બીજા અંકમાં કન્યાન્ત:પુરમાં જઈ વૈદ્યના બહાને કલહંસને બોલાવી નળનું ચિત્ર જોઈ આકર્ષાયેલી દમયંતી વિશે નળને વૃત્તાન્ત જણાવી ઉભયને અનુરાગી બનાવ્યાં, સ્થૂલસ્તનીને દમયંતી મેળવી આપવાનું કામ સોંપાયું. રાજા, લંબોદર કાપાલિકની સંગતિમાં ફસાયેલા પોતાના પુત્ર કૂબર માટે ચિંતિત થયો એટલી કથા છે. ત્રીજા અંકમાં દમયંતીના સ્વયંવરમાં આવેલા નળ અને વસંતઋતુમાં કામદેવની પૂજા નિમિત્તે ઉદ્યાનમાં આવેલી દમયંતીની મુલાકાત, તેની માતા પુષ્યવતીના આગમનથી અંતરાય, ભોજપત્ર ઉપર તે વખતે લખાયેલા પ્રેમપત્રનું વાચન, સ્વયંવર પૂર્વે સંવનનકાળ બને છે એ રીતે કથા આગળ વધે છે. ચોથા અંકમાં સ્વયંવરમાં સૂર્યાસ્ત દ્વારા દમયંતી અને નળના ભાવિવિરહનું સૂચન થાય છે. પાંચમા અંકમાં નળનું પુષ્કર દ્વારા દ્યૂતમાં હારવું, દમયંતી સાથે વનગમન, સૂતેલી પરિશ્રાન્તા દમયંતીનો ત્યાગ, સમગ્ર ઘટનામાં છદ્મવેષે કાપાલિકની પ્રેરણા, પક્વણવાસી દ્વારા દમયંતીને લઈ જવી, એટલી ઘટનાઓ નિરૂપાઈ છે. છઠ્ઠા અંકમાં તેના પિતા દ્વારા ભુજંગ રૂપે ડસાતાં નળનું કુરૂપ થવું, બાહુક વેષે દધિપર્ણ સાથે ત્યાગ પછી દમયંતીની સ્થિતિ વિશે નાટક જોવું, ગર્ભાંકદૃશ્યમાં નળનું થતું પ્રાય: અભિજ્ઞાન, અચાનક આવી પડેલો સિંહ પાછો ફરતાં દમયંતીનો બચાવ, દમયંતીનો ભીમરથ દ્વારા પુન:સ્વયંવર રચાતાં નિમંત્રણ અનુસાર દધિકર્ણને લઈ બાહુક રૂપે નળનું જવું એટલી ઘટનાઓ નિરૂપાઈ છે. સાતમા અંકમાં દમયંતીના ચિતાધિરોહણનો સાક્ષી બનતા નળનું પ્રાગટ્ય થતાં અંતે બંનેનું પુનર્મિલન સધાય છે.
સમગ્ર ‘નલવિલાસ’ ઉપર કાલિદાસ, ભવભૂતિ, શ્રીહર્ષ વગેરે પૂર્વસૂરિઓની અસર, કવિનું નળકથામાં નવીન પ્રદાન અને પરિવર્તન, નાટ્ય વિશેની સૂઝ અને સુંદર સુભાષિતો જોવા મળે છે.
મહાભારતના નલોપાખ્યાન ઉપર આધારિત કૃતિઓ ‘નલચંદ્ર’, ‘નૈષધ-ચરિતમ્’ પ્રતિતૌષધ, ‘નલોદય’ જેવી કૃતિઓમાં ‘નલવિલાસ’નું આગવું સ્થાન છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા