નર્સ પૉલ એમ. (જ. 25 જાન્યુઆરી 1949, ગ્રેટ બ્રિટન) : 2001ના વર્ષના નોબેલ પુરસ્કારનો સહવિજેતા કોષવિજ્ઞાની. તેમણે 1973માં યુનિવર્સિટી ઑવ્ ઈસ્ટ ઍન્જલિયા, નૉર્વિચ, ઇંગ્લૅન્ડમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર પછી ICRF (Imperial Cancer Research Fund) સેલ સાઇકલ્ લૅબોરેટરીના 1984–87 સુધી અધ્યક્ષ રહ્યા અને 1987–93 સુધી ફૅકલ્ટી ઑવ્ ધ યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાં સેવા આપી. 1996માં ICRFના મુખ્ય નિયામક અને ફરી પાછા સેલ સાઇકલ્ લૅબોરેટરીના અધ્યક્ષ બન્યા.
નર્સે યીસ્ટનો સજીવ મૉડલ તરીકે ઉપયોગ કર્યો. 1970ના દસકાના મધ્ય ભાગમાં તેમણે cdc2 નામનું જનીન શોધી કાઢ્યું, જે કોષચક્રની વિવિધ ઘટનાઓના સમયનું નિયમન કરતી મુખ્ય સ્વિચ છે. 1987માં નર્સે મનુષ્યમાં અનુરૂપ જનીનને અલગ તારવ્યું, જેને સાઇક્લિન-આધારિત કાઇનેઝ 1 (cdk1) તરીકે ઓળખાવવામાં આવ્યું. આ જનીન ચાવીરૂપ ઉત્સેચકો સાઇક્લિન-આધારિત કાઇનેઝીસ-(CDKs)ના પ્રોટીનનું સંકેતન કરે છે. આ ઉત્સેચકો કોષનાં ઘણાં કાર્યોમાં ભાગ લે છે. મનુષ્યમાં લગભગ અડધો ડઝન જેટલા બીજા CDKs ઓળખાયા છે.
![](http://gujarativishwakosh.org/wp-content/uploads/2021/09/nurse-paul-m.jpg)
નર્સ પૉલ એમ.
પૉલ એમ. નર્સને લેલૅન્ડ એચ. હાર્ટ્રવેલ અને ટિમોથી હંટ સાથે સંયુક્તપણે કોષચક્રમાં ચાવીરૂપ જનીનો અને ઉત્સેચકોના સંશોધન બદલ 2001ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 1999માં ‘Sir’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને 2005માં રૉયલ સોસાયટીનો કોપ્લે મેડલ પ્રાપ્ત થયો હતો. તેઓ 8 જુલાઈ, 2010થી રૉયલ સોસાયટીના અધ્યક્ષ છે.
બળદેવભાઈ પટેલ