નર્મ-મર્મ (wit and humour) : અનુક્રમે નર્મયુક્ત વાક્ચાતુર્ય અને સમર્મ હાસ્યરસનો નિર્દેશ કરતાં પદો. હાસ્યની નિષ્પત્તિમાં સામાન્યત: નર્મ અને મર્મનો પ્રયોગ થાય છે. વ્યંગ કે કટાક્ષ કે અવળવાણીનો આશ્રય લઈને નર્મોક્તિ હાસ્ય નિષ્પન્ન કરે છે. મજાક કે મશ્કરીમાં વિશિષ્ટ કાકુથી ઉચ્ચારાતાં વચનો પણ નર્મોક્તિ જ છે. સુદામાને જોઈને મજાક કરતી નાગર સ્ત્રીઓની વાત કરતાં પ્રેમાનંદ કહે છે :
‘‘નાગર સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે,
કીધાં હશે વ્રત, તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર.’’
સુદામાના લઘરવઘર દેખાવ ઉપર નાગર સ્ત્રીઓનો કટાક્ષ આ વચનોમાં પ્રગટ થાય છે. નર્મમાં બુદ્ધિચાતુર્ય વિશેષપણે પ્રવર્તે છે. દલપતરામની કવિતામાં આ પ્રકારનાં અનેક દૃષ્ટાંત મળે. એક કવિને રાજા એમ કહે છે કે, અમારા શહેરમાં તો કવિ ટકે શેર છે, ત્યારે પેલો કવિ તેને જવાબ આપે છે :
‘‘ખાજાં ભાજી હતાં એક શહેરમાં ટકે શેર,
આજ જાણ્યું, એવું બીજું આપનું આ શહેર છે.’’
શબ્દોની ચતુરાઈભરી રમત પણ નર્મનો એક પ્રકાર છે, જેમાં ઘણું-ખરું શ્લેષનો આશ્રય લેવાય છે. દરેક ભાષાના સાહિત્યમાં આનાં દૃષ્ટાંત જોવા મળે છે. સભારંજન અર્થે ઘણુંખરું તેનો ઉપયોગ થાય છે. ‘દીવાનથી દરબારમાં બધે અંધારું ઘોર’ એ દલપતરામની ઉક્તિ અહીં યાદ આવે.
મર્મ એટલે કે સમર્મ હાસ્યરસ નર્મ કરતાં ઊંડો અને ચડિયાતો ગણાય છે. વાણી ઉપર નભતો વિનોદ સપાટી પર પ્રગટીને વિલીન થઈ જાય છે. સમર્મ હાસ્યરસ પ્રસંગનિષ્ઠ હોય છે. કશીક ઘટના કે પ્રસંગ દ્વારા ઘણુંખરું તેનું પ્રવર્તન થાય છે. તેની અસર લાંબો વખત રહે છે. નર્મની પુનરુક્તિ કથનને વાસી બનાવે છે, મર્મયુક્ત હાસ્યનો પ્રસંગ જ્યારે યાદ કરો ત્યારે તાજો હોય એમ હસાવે છે. દમયંતીના સ્વયંવર પ્રસંગે તેને વરવા આવેલા દેવોનું બેહૂદું વર્તન જેટલી વાર યાદ કરો તેટલી વાર હસાવે છે. સમર્મ હાસ્ય (humour) શબ્દનિષ્ઠ નહીં, પણ અનુભવનિષ્ઠ હોવાથી સંતર્પક રહે છે. નર્મમાં દંશ હોય; મર્મ ઘણુંખરું નિર્દંશ હોય છે. દલપતરામનું ‘દરબારમાં કણબી’ કાવ્ય નર્મ અને મર્મ બંનેના સહપ્રવર્તનનો ઉત્તમ દાખલો છે. દરબારમાં ગયેલો કણબી બાદશાહને સલામ કર્યા વગર ઊભો રહે છે તેથી સજાને પાત્ર થાય છે. બીજો સલામ કરે છે, પણ બાદશાહની સાથે તેની દુંદને પણ સલામ કરે છે તેથી, ત્રીજો ‘દુંદ પર દેવતા મૂકવાની’ વાત કરે છે તેથી, ચોથો બાદશાહનો ‘મરી જાય પિતાય, પાદશાહની મા નાતરે જાય, પ્રસવે પુત્ર તેને ત્યાંય’ એમ કહીને આંગળિયાતની સમજૂતી આપે છે તેથી, પાંચમો બાદશાહને ‘ધણી’ અને બેગમને ‘અમારી ધણિયાણી’ એમ કહે છે તેથી સજાને પાત્ર થાય છે. અહીં કવિએ હસતાં હસતાં મનુષ્યસ્વભાવનું તેમજ જાતિખાસિયતનું દર્શન કરાવ્યું છે.
મનુષ્યની નબળાઈ, સમાજનો સડો, રાજકારણીનો ભ્રષ્ટાચાર, ધર્મની જડતા, શ્રીમંતનો દંભ, સાહિત્યકારનું મિથ્યાભિમાન એમ અનેક સ્તરે જોવા મળતાં આચારવિચારનાં છિદ્રો હાસ્યકાર પહોળાં કરીને પ્રગટ કરે છે. દરેક દેશમાં સમાજના સુધારામાં નર્મ અને મર્મયુક્ત હાસ્ય અગત્યનો ભાગ ભજવે છે. સમકાલીન સમાજની જડતા અને રૂઢિગ્રસ્તતા પર પ્રહાર રૂપે ચાર્લ્સ ડિક્ધસ, સર્વાન્તિસ અને કનૈયાલાલ મુનશી જેવા અનેક લેખકોએ હાસ્યકટાક્ષનો વેધક પ્રયોગ કરેલો છે. તેમાંથી ડૉન કિહોટી, ભદ્રંભદ્ર, ફૉલ્સ્ટાફ, શકાર કે જીવરામ ભટ્ટ જેવાં ચિરંજીવ પાત્રો સર્જાય છે. સમર્થ પ્રતિભા પ્રમાણ અને ઔચિત્યની મર્યાદામાં રહીને નર્મ-મર્મનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ કોટિનું સાહિત્ય સર્જી શકે છે.
મધુસૂદન પારેખ