નર્મદા (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 38´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.ની આજુબાજુનો 2755.5 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લાના ઉત્તર ભાગમાંથી નર્મદા નદી પસાર થતી હોવાથી જિલ્લાને ‘નર્મદા’ નામ અપાયું છે. તેની ઉત્તરે વડોદરા જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્યની સીમા, દક્ષિણે સૂરત જિલ્લો તથા પશ્ચિમે ભરૂચ જિલ્લો આવેલાં છે. જિલ્લામથક રાજપીપળા જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર પહાડી છે. આ પહાડી વિભાગ સાતપુડા અને સહ્યાદ્રિ હારમાળાઓ વચ્ચે સરહદ રચે છે. અહીંની ટેકરીઓ સ્થાનભેદે 70–80 મીટરથી માંડીને 600 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ મુખ્ય ત્રણ કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલું છે : (i) નર્મદા-ખીણનું મેદાન, (ii) રાજપીપળાની ટેકરીઓનો તળેટીપટ્ટો અને (iii) રાજપીપળાની ટેકરીઓ.
જળપરિવાહ : નર્મદા અહીંની મુખ્ય નદી છે, તે જિલ્લાના મધ્ય ભાગમાંથી આગળ વધીને વાયવ્ય તરફ વડોદરા જિલ્લા સાથે સીમા બનાવે છે. નર્મદા નદી ફાટખીણના માર્ગે પૂર્વથી પશ્ચિમ તરફનો જળપરિવાહ ધરાવે છે, છેવટે તે ખંભાતના અખાતને મળે છે. કરજણ નદી દક્ષિણ ભાગમાંથી આવીને શિનોર અને કરનાળી વચ્ચે નર્મદા સાથે સંગમ પામે છે.
આબોહવા : જિલ્લાની આબોહવા ઉનાળામાં ગરમ અને શિયાળામાં પ્રમાણમાં ઠંડી રહે છે. ડેડિયાપાડા વિસ્તારની આબોહવા પ્રમાણમાં વિષમ રહે છે. અહીંનું મે માસનું મહત્તમ તાપમાન 41° સે.થી 45° સે. જેટલું અને જાન્યુઆરીનું તાપમાન ઘટીને 5.5° સે. જેટલું રહે છે. જિલ્લાના મધ્ય ભાગની આબોહવા વિષમ જ્યારે પહાડી પ્રદેશની આબોહવા સમોષ્ણ રહે છે. રાજપીપળા અને ડેડિયાપાડાના ભાગોમાં વરસાદનું સરેરાશ પ્રમાણ અનુક્રમે 925 મિમી. અને 1250 મિમી. જેટલું રહે છે.
જંગલો : આ જિલ્લાનો મોટો ભાગ જંગલથી આચ્છાદિત છે. અહીં સાગ, સીસમ, શીમળો, સાદડ, મોદડ, કાકડ, વાંસ, બિયો, આમળાં, બહેડાં, હરડે, ટીમરુ, ખાખરો, ખેર, મહુડો, રાયણ અને આંબા જેવાં વૃક્ષો થાય છે. આ ઉપરાંત બાવળ, બોરડી, આકડો, આવળ, કુંવાર, કૌચા, ગળો, ફાંગ, વાસન, અમરવેલ, ઊંટકટારી, ચિત્રક, તુલસી, ભોંયરીંગણી, ગોખરુ, નાગરમોથ, અરડૂસી, આકોલ, અરણી, લીમડો, ઇંગોરિયો, આસોતરો, એકલકંટો, નગોડ, કડાયો, દૂધલો, બોર, કરમદાં, કૂંવાડિયો જેવી વનૌષધિઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે, જે આર્થિક દૃષ્ટિએ જિલ્લાને આવક ઊભી કરી આપે છે.
ખેતી : રાજપીપળા અને સાગબારાની જમીનો પહાડી છે તેથી ત્યાં ખેતીનું પ્રમાણ મધ્યમ છે. અહીંના મુખ્ય ધાન્યપાકોમાં ઘઉં, ડાંગર અને જુવાર, બાજરી, મકાઈ તથા રોકડિયા પાકોમાં કપાસ, મગફળી, તલ, એરંડા, શેરડી, મરચાં, શાકભાજી, ફળો તથા ઘાસચારો છે. ધાન્યપાકોની ખેતી નહેર, કૂવા અને તળાવોનાં પાણીથી તથા બાકીના પાકોની ખેતી વરસાદથી થાય છે.
પ્રાણીજીવન : આ જિલ્લામાં વન્ય પ્રાણીઓનું પ્રમાણ વિશેષ છે. તેમાં વાઘ, દીપડા, રીંછ, જંગલી બિલાડી, વણિયર, નોળિયા, હસતું હરણ, શિયાળ, લોંકડી, જરખ, ચીતળ, સાબર, જંગલી કૂતરા, સાપ વગેરેનો સમાવેશ થાય છે. ડેડિયાપાડાના ડૂમખલ ખાતે રીંછનું અભયારણ્ય આવેલું છે. પાલતુ પશુઓમાં ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ખચ્ચર, ઊંટ, ડુક્કર તેમજ મરઘાંઉછેર મુખ્ય છે. પક્ષીઓની ઘણી જાતો અહીં જોવા મળે છે. યાયાવર પક્ષીઓ પણ નજરે પડે છે.
ઉદ્યોગો : આ જિલ્લામાં નાના પાયા પરના ઉદ્યોગો, વિશેષે કરીને ગૃહઉદ્યોગ–કુટિરઉદ્યોગો વિકસ્યા છે; કેટલીક ઔદ્યોગિક વસાહતો પણ સ્થપાઈ છે. અહીં ‘નર્મદા વેલી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ રાજપીપળા ખાતે કાર્યરત છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લામાં જિલ્લામાર્ગો, તાલુકામાર્ગો તથા ગ્રામીણ માર્ગો આવેલા છે. રાજપીપળા, તિલકવાડા, ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓ અન્યોન્ય તેમજ નજીકના જિલ્લાઓ સાથે માર્ગોથી સંકળાયેલા છે.
રાજપીપળા અગાઉના વખતમાં નાંદોદ (નાંદોટ) નામથી જાણીતું હતું. તે એક જાણીતું રજવાડું હતું. ત્યાંની ટેકરી પર એક કિલ્લો આવેલો છે. 1918–19માં આ સ્થળને સત્તાવાર રીતે ‘રાજપીપળા’ નામ અપાયું છે. આ ઉપરાંત અહીં ગરુડેશ્વર, નર્મદાબંધ અને તેની પાછળનું સરદાર સરોવર તથા પુન:સ્થાપિત સુરપાણેશ્વર જોવાલાયક સ્થળો છે.
વસ્તી–લોકો : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 5,90,379 જેટલી છે. તે પૈકી આદિવાસીઓનું પ્રમાણ વિશેષ છે. અહીંનાં નગરોમાં તેમજ મુખ્ય ગામડાંઓમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં પ્રૌઢશિક્ષણનાં કેન્દ્રો પણ આવેલાં છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 50 % જેટલું છે. રાજપીપળા મુખ્ય મથક હોઈ ત્યાં હૉસ્પિટલો અને દવાખાનાંની સુવિધા છે.
1997(2–10–1997)માં ભરૂચ જિલ્લાનું વિભાજન કરીને નર્મદાનો નવો જિલ્લો રચવામાં આવેલો છે. જિલ્લામાં 4 તાલુકા (રાજપીપળા, તિલકવાડા, ડેડિયાપાડા અને સાગબારા) તથા 613 ગામડાં આવેલાં છે. અહીં નવાગામ ખાતે નર્મદાબંધનું નિર્માણ થયું હોવાથી જિલ્લાનો વધુ વિકાસ થવાની શક્યતા છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી