નરેન્દ્રપ્રભસૂરિ (. .ની તેરમી સદી) : હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. ‘કાકુત્સ્યકેલિ’ નામનું સંસ્કૃત નાટક, ‘અલંકારમહોદધિ’ નામનો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ અને પ્રાકૃત ભાષામાં ‘સદગુરુપદ્ધતિ’ નામની રચના તેમણે કરેલ છે. તેઓ સુપ્રસિદ્ધ જૈન લેખક હેમચંદ્રની શિષ્યપરંપરાના જૈન સાધુ હતા. હર્ષપુરીયગચ્છના જયસિંહસૂરિના શિષ્ય અભયદેવસૂરિ હતા. આ અભયદેવસૂરિના શિષ્ય હેમચંદ્ર જાણીતા જૈન લેખક હતા. હેમચંદ્રસૂરિના શિષ્ય ચંદ્રસૂરિ અને ચંદ્રસૂરિના શિષ્ય મુનિચંદ્રસૂરિ અને મુનિચંદ્રસૂરિના શિષ્ય નરચંદ્રસૂરિ નરેન્દ્રપ્રભસૂરિના ગુરુ હતા. નરેન્દ્રપ્રભસૂરિ પોતાના ગુરુઓની જેમ ‘મલધારી’ એવું બિરુદ ધારણ કરતા હતા.

નરેન્દ્રપ્રભસૂરિ ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ બીજાના મહામાત્ય અને વિદ્વાન મહાકવિ વસ્તુપાળના પ્રીતિપાત્ર હતા. આથી મહામાત્ય વસ્તુપાળને બિરદાવતી ત્રણ પ્રશસ્તિઓ સંસ્કૃત ભાષામાં તેમણે રચી છે; એટલું જ નહિ, મહામાત્ય વસ્તુપાળની વિનંતીથી જ 1225માં તેમણે ‘અલંકારમહોદધિ’ નામનો ગ્રંથ ઘણું કરીને ધોળકામાં રચ્યો હતો. પોતાના ગુરુના વડગુરુ હેમચંદ્રાચાર્યના ‘કાવ્યાનુશાસન’ અને ધારાનગરીના રાજા ભોજના ‘શૃંગારપ્રકાશ’ તથા ‘સરસ્વતીકંઠાભરણ’  એ કાવ્યશાસ્ત્રના ગ્રંથોને અનુસરીને તેમણે રચેલો ‘અલંકારમહોદધિ’ ગુજરાતી જૈન લેખકોએ રચેલા ગ્રંથોમાં માનભર્યું સ્થાન ધરાવે છે. પ્રશસ્તિઓ નરેન્દ્રપ્રભસૂરિના કવિત્વની ઝાંખી કરાવે છે. તેમણે રચેલું નાટક તેમની નાટ્યકાર તરીકેની કુશળતા સિદ્ધ કરે છે. ગુજરાતના સોલંકી રાજાઓના સુવર્ણયુગમાં થઈ ગયેલા આ ઉત્તમ વિદ્વાન કવિ અને વિવેચક છે.

પ્ર. ઉ. શાસ્ત્રી