નરસિંહ (આશરે પંદરમી સદી) : પ્રસિદ્ધ ગુજરાતી ભક્તકવિ. નરસિંહનો જીવનકાળ નક્કી કરવા માટેનો મુખ્ય આધાર ‘હારમાળા’ની આ કડી છે : ‘‘સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિંનિ આપ્યો હાર રે.’’ એ કડીવાળું પદ જો નરસિંહનું રચેલું હોય તો માંડળિકવાળો હાર-પ્રસંગ સં. 1512(ઈ. સ. 1456)માં બન્યો એમ કહી શકાય.
નરસિંહની આત્મચરિત્રાત્મક રચનાઓ, એમના જીવનના જાણીતા પ્રસંગોને વિષય બનાવી રચાયેલી અન્ય મધ્યકાલીન કવિઓની કૃતિઓ પરથી એમના જીવન વિશે ઠીક-ઠીક જાણકારી મળે છે. અલબત્ત, એમાંથી કેટલાક આધારો શંકાસ્પદ છે; પરંતુ ઈ. સ. 1650થી 1700ના ગાળામાં રચાયેલી કૃષ્ણદાસ, ગોવિંદ, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ વગેરેની કૃતિઓમાં મળતું નરસિંહચરિત નીચે મુજબ છે :
નરસિંહ જૂનાગઢના વતની હતા. જ્ઞાતિએ નાગર, અટક મહેતા. એમનો કુલધર્મ શૈવ હતો. પણ એમણે પોતે કૃષ્ણભક્તિ સ્વીકારી હતી. નાની ઉંમરમાં માતાપિતા ગુમાવવાને લીધે તેમને ભાઈ-ભાભીના આશ્રયે રહેવું પડેલું. નાગરકુલને અનુરૂપ કોઈ વિદ્યા કે આવડતનો તેમનામાં અભાવ હોવાથી એક વાર ભાભી મહેણું મારી તેમને મૂર્ખ કહે છે ને તેઓ ઘર છોડી વનમાં જઈ સાત દિવસ ઉપવાસ કરી શંકરની સ્તુતિ કરે છે. પ્રસન્ન થયેલા શિવજી તેમને કૃષ્ણની રાસલીલાનું દર્શન કરાવે છે. કૃષ્ણ તેમને વાણીનું, કીર્તનભક્તિનું વરદાન આપે છે.
આ પ્રસંગ પૂર્વે જ નરસિંહનાં લગ્ન માણેક સાથે થયાં હતાં. હવે તે ભાઈભાભીથી અલગ ઘરસંસાર માંડે છે. તેમનાથી એક પુત્ર અને એક પુત્રી થાય છે. પુત્ર સામળદાસનાં લગ્ન વડનગરના મદન મહેતાની પુત્રી સુરસેના સાથે અને પુત્રી કુંવરબાઈનાં લગ્ન ઊના/માંગરોળના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે થાય છે. કુંવરબાઈના સીમંત પહેલાં માણેક મહેતી અને સામળદાસનાં મૃત્યુ થાય છે. આનાથી કવિનો વૈરાગ્ય તીવ્ર બને છે. કુંવરબાઈના મામેરાનો પ્રસંગ કૃષ્ણની કૃપાથી જ પાર પડે છે. આ ઉપરાંત પિતાના શ્રાદ્ધ તથા દ્વારકાના શેઠ ઉપર તેમણે રૂ. 700ની લખેલી હૂંડીના પ્રસંગે પણ ભગવાન તેમને મદદ કરે છે. જૂનાગઢના રા’માંડલિકે નાગરોની ચડવણીથી કવિની ભક્તિની કસોટી કરી ત્યારે પણ ભગવાન એમને ગળામાં હાર પહેરાવી રાજાના રોષમાંથી બચાવે છે.
નરસિંહના જન્મ-મૃત્યુની કે અન્ય જીવનઘટનાઓની વિશેષ વિગતો તેમની કૃતિઓમાંથી મળતી નથી. ‘મામેરું’માં નરસિંહ પોતાનો જન્મ તળાજામાં થયો હતો એમ કહે છે. નરસિંહના જીવનવૃત્તની વિગતોની ઐતિહાસિકતા ગમે તેવી હોય, ગુજરાતી પ્રજામાનસમાં એની પરમ ભાગવત તરીકેની છબી નિર્મિત થઈ ચૂકી છે. પરમ રસેશ્વર શ્રીકૃષ્ણ એમના આરાધ્ય હતા અને શ્રીકૃષ્ણની રાસલીલામાં એમની ભક્તિની પ્રેરણા રહેલી છે. તે માત્ર વીર નહિ, ધીરવીર અને આત્મનિષ્ઠ હતા. ભક્તિમાર્ગનું અનુસરણ કરતાં તેમનો સંસારભાવ સાવ છૂટી ગયેલો. ગુજરાતી પ્રજા માટે નરસિંહ સરલ, શાંત, સંસારવિરક્ત, અચલ ઈશ્વરશ્રદ્ધાવંત, વાણીનું વરદાન પામનાર આદર્શ ભક્તકવિ છે.
નરસિંહની કૃતિઓને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય : આત્મચરિત્રાત્મક કૃતિઓમાં (1) સામળદાસનો વિવાહ, (2) હૂંડી, (3) કુંવરબાઈનું મામેરું, (4) ‘હારમાળા’ કે હારસમેનાં પદ, (5) ઝારીનાં પદ તથા (6) પ્રકીર્ણ પદોનો સમાવેશ કરી શકાય.
અન્ય દીર્ઘ કૃતિઓમાં : (1) સુદામાચરિત્ર, (2) શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ, (3) દાણલીલા અને (4) ચાતુરીઓ મૂકી શકાય.
‘ગોવિંદગમન’ અને ‘સુરતસંગ્રામ’નો પણ આ ગુચ્છમાં સમાવેશ થઈ શકે, પણ તે અર્વાચીન સરજત હોવાનું પુરવાર થઈ ગયું છે.
નરસિંહની કાવ્યસૃષ્ટિમાં પદોનો વિભાગ સૌથી મોટો છે. તેના બે પેટાવિભાગો પાડી શકાય : (1) કૃષ્ણલીલાનાં પદો અને (2) જ્ઞાનભક્તિનાં પદો. કૃષ્ણલીલાનાં પદો મોટી સંખ્યામાં મળે છે. એ પદોને પણ રાસનાં પદ, શૃંગારનાં પદ, વસંતનાં પદ, હીંડોળાનાં પદ, ઝાંઝરનાં પદ, નેત્રકટાક્ષનાં પદ એમ કૃષ્ણલીલાનાં વિવિધ અંગોને અનુલક્ષીને વિભાજિત કરી શકાય.
નરસિંહનાં પદોની સંખ્યા 1,500 જેટલી છે. હજુ કેટલાંય પદો હસ્તપ્રતોમાં દટાયેલાં હોઈ શકે. નરસિંહનાં કેટલાંક પદો કાળપ્રવાહમાં લુપ્ત થયાં હશે તો કેટલાંક પદો પાછળથી એમના નામે ચડ્યાં પણ હશે. નરસિંહનાં પદોની અધિકૃતતાનો નિર્ણય કરવાનું કામ કપરું છે.
નરસિંહની આત્મકથનાત્મક કૃતિઓ પૈકી ‘સામળદાસનો વિવાહ’ કે પુત્રનો વિવાહ નામની ઝૂલણાનાં 34 પદની સુબદ્ધ અખંડ રચનામાં કવિએ આરંભિક આઠ પદોમાં આત્મચરિત્રાત્મક બયાન કરી પછી પુત્ર સામળના વિવાહને સંક્ષેપમાં પણ સચોટતાથી નિરૂપ્યો છે. 237 કડીઓ સુધી વિસ્તરેલી આ રચનાનું સ્વરૂપ આખ્યાનકલ્પ છે. ઝૂલણાની દેશીનાં આઠ પદની લઘુ રચના ‘હૂંડી’માં નરસિંહના જીવનમાં બનેલો હૂંડીનો પ્રસંગ નિરૂપાયો છે. આત્મચરિત્રના અંશો કરતાં પ્રસંગકથન આલેખતી આ કૃતિમાં નરસિંહનો ત્રીજા પુરુષમાં ઉલ્લેખ થયો છે. ‘કુંવરબાઈનું મામેરું’માં કવિએ પોતાની પુત્રીના સીમંત પ્રસંગે ભગવાને દામોદર દોશીનો વેશ લઈ કુંવરબાઈનું મામેરું પૂરીને કેવી રીતે નાગરી નાતમાં નરસિંહની હાંસી થતી અટકાવી એ પ્રસંગ વર્ણવ્યો છે. આ કથનાત્મક પ્રકારના કાવ્યના અંતે નરસિંહના કર્તૃત્વનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. ‘હારમાળા’ કે ‘હારસમેનાં પદ’માં નરસિંહને ભગવાને પોતાના કંઠનો હાર પહેરાવી જૂનાગઢના રા’માંડલિકની કસોટીમાંથી પાર ઉતાર્યા એ પ્રસંગ વર્ણવ્યો છે. આ કૃતિનાં કેટલાંક પદો નરસિંહનાં રચેલાં હશે અને પછી જુદા જુદા સમયે એમાં અન્ય પદો ઉમેરાતાં ગયાં હશે એવું જણાય છે. ‘ઝારીનાં પદ’ અંતર્ગત ચાર પદ મળે છે. એમાં ભજન કરતી વખતે નરિસંહને ભગવાને સ્ત્રીસ્વરૂપે પાણી પાયું એવી ઘટનાનું આલેખન થયું છે. પહેલાં ત્રણ પદો તો મુખ્યત્વે નારીરૂપના વર્ણનનાં, પ્રશંસાનાં છે.
નરસિંહની અન્ય દીર્ઘ કૃતિઓ પૈકી ઝૂલણાનાં નવ પદનું ‘સુદામાચરિત્ર’ કેદારા રાગમાં ગવાવાના નિર્દેશને લીધે ‘સુદામાજીના કેદારા’ નામે પણ જાણીતું થયું છે. નરસિંહે આ આખ્યાનકલ્પ રચનામાં ભાગવતઆધારિત સુદામાની કથાનાં મુખ્ય ભાવબિંદુઓને ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરી છે. કવિ સુદામાને મનુષ્ય તરીકે ચીતરે છે. પણ એની ભક્તિમયતાને ઉપસાવે છે. કાવ્યનું નાટ્યાત્મક આયોજન આકર્ષક છે અને પ્રસંગગ્રથનની સઘનતા અસરકારક છે. શ્રીકૃષ્ણજન્મસમાનાં 11 પદ વાસ્તવમાં એક કથનાત્મક કૃતિ છે. ‘દાણલીલા’ નરસિંહની કાવ્યશક્તિનો સુભગ પરિચય કરાવતું 39 કડીનું કથનાત્મક કાવ્ય છે. આ રચનાની હસ્તપ્રત પણ આજે મળતી નથી અને ભાષાકીય અભિવ્યક્તિમાં પ્રાચીનતાનો ભાસ થતો નથી.
‘ચાતુરી છત્રીસી’ અને ‘ચાતુરી ષોડશી’માં કૃષ્ણ-રાધાના વિરહ અને મિલનના પ્રસંગ છે. કૃષ્ણે રાધા સાથે જે રીતે વિહાર કર્યો તે ચાતુરીયુક્ત હતો. જયદેવકૃત ‘ગીતગોવિંદ’નો પ્રભાવ પ્રગટ કરતી આ રચના સ્થૂળતાની છાપ પાડે છે અને રતિક્રીડાનાં વર્ણનો વાચ્ય બનીને રહી જાય છે.
નરસિંહની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં કૃષ્ણલીલાનાં પદો વિપુલ માત્રામાં મળે છે. ‘શ્રીકૃષ્ણજન્મ વધાઈનાં પદ’ અંતર્ગત શ્રીકૃષ્ણના જન્મના આનંદોત્સવને વર્ણવતાં દસેક પદો પ્રાપ્ત થાય છે. આ ગુચ્છનું ઉત્તમ પદ છે નાગદમનનું, એમાં કૃષ્ણના પરાક્રમપ્રસંગનું વ્યવસ્થિત વર્ણન વિસ્તારથી થયું છે. નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે. ‘બાળલીલા’માં કવિએ કૃષ્ણની બાળલીલા દ્વારા માનવીય માધુર્ય અને પરમાત્મમહિમાને સુપેરે પ્રગટ કર્યાં છે.
નરસિંહનાં અધઝાઝેરાં પદ શૃંગારરસપ્રધાન છે. સંયોગ અને વિપ્રલંભ ઉભય પ્રકારના શૃંગારનાં પદોમાં નરસિંહની રસિકતા ખીલી ઊઠી છે. શૃંગારપ્રીતિનાં પદોમાં કવિનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક પદો તો ભાવ, લય, શબ્દભંગિ એ બધાંને કારણે ગુજરાતી ભાષાનાં આભૂષણરૂપ બની શક્યાં છે. ‘રાસસહસ્રપદી’, ‘શૃંગારમાળા’, ‘વસંતનાં પદ’, અને ‘હીંડોળાનાં પદ’ શીર્ષક અંતર્ગત પ્રાપ્ત થતાં શૃંગારવિષયક પદોમાં ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં વિભિન્ન રીતે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો રતિભાવ પ્રગટ થયો છે. ‘રાસસહસ્રપદી’નાં 189 પદો મુખ્યત્વે વર્ણનાત્મક છે. તો ‘શૃંગારમાળા’નાં 541 પદો મુખ્યત્વે ગોપીની ઉક્તિ રૂપે છે. પણ વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ તો મોટાભાગે ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો જ હોય છે. શૃંગારનાં આ પદોમાં વાંસળી, ઝાંઝર, વસંત વગેરે ઉદ્દીપનવિભાવની સામગ્રી બને છે. અનેક સ્થળે સ્થૂળ શૃંગારક્રીડાને પ્રગલ્ભપણે વર્ણવતાં આ પદો પર જયદેવનો પ્રભાવ હોવા છતાં નરસિંહના શૃંગારને જે સાધ્ય છે તે ‘યોગ-વિયોગ’થી ઉપર ઊઠતો સંયોગ, ગોપીકૃષ્ણનો અર્થાત્ ભક્ત અને ભગવાનનો–જીવ અને શિવનો સંયોગ. નરસિંહ કર્મજડ તાપસ નથી પણ રસિક ભક્ત છે. તેથી તે આ પદોમાં મહદંશે ભક્તિને કવિતામાં રૂપાંતરિત કરી શક્યા છે. નરસિંહના શૃંગારનિરૂપણમાં અનુભવી ભક્ત અને રસિક કવિનો સુભગ સમન્વય થયેલો અનુભવાય છે.
કૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીકાત્મકતા અર્પી નરસિંહે પ્રેમભક્તિનાં પદો આપ્યાં છે. તેમ અધ્યાત્મ જીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપતાં અને પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવતાં જ્ઞાનભક્તિવૈરાગ્યનાં પણ 66 જેટલાં પદો આપ્યાં છે. કવિના જીવનના ઉત્તરાર્ધમાં રચાયાં હોવાની સંભાવના ધરાવતાં આ પદોમાં એમણે જ્ઞાન અને ભક્તિમહિમાને પ્રશસ્ય પ્રૌઢિથી નિરૂપ્યાં છે. કવિનું જ્ઞાન સ્વાનુભૂતિનો સ્પર્શ પામ્યું હોઈ એની અભિવ્યક્તિમાં મૌલિકતા અને પરિપક્વતા દૃષ્ટિગોચર થાય છે. નરસિંહનાં કેટલાંક પદોમાં વેદાંતવિચારનો સ્પષ્ટ પ્રભાવ પણ પડેલો છે. ભક્તિજ્ઞાનનાં આ પદોમાં નરસિંહનું કવિત્વ ઊંચી કોટિનું છે. શબ્દે શબ્દે સહૃદયતા ટપકે છે અને લયમાં આરતનો તાર ગુંજે છે.
ઝૂલણા, ચોપાઈ, સવૈયા, દુહા વગેરે દેશીઓમાં રચાયેલાં ને વસંત, કેદાર, મલ્હાર, માલવ, રામગ્રી, સામેરી, પંચમ, ભૈરવ વગેરે સંગીતના રાગના નિર્દેશવાળાં નરસિંહનાં પદોમાં ભજન, ગરબી થાળ જેવા પ્રકારો જોવા મળે છે. ઝૂલણાબંધ પર કવિનું વિશેષ પ્રભુત્વ જણાય છે. આ છંદ કવિને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે એમની કૃતિઓમાં યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને અનાયાસ ગોઠવાઈ જાય છે. નરસિંહની શબ્દસૃષ્ટિ વારંવાર રસઘનતા અને ભવ્યતાનો અનુભવ કરાવે છે. કવિ પાસે લયસૂઝ પણ ખૂબ ઊંડી છે. લય-વૈવિધ્યવાળી કર્ણગોચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવપંક્તિઓ, પ્રાસાનુપ્રાસયુક્ત સમુચિત શબ્દવિન્યાસથી નિષ્પન્ન થતું શબ્દમાધુર્ય, લલિત કે ભવ્ય ભાવોને લીલયા મૂર્ત કરી શકે એવું અનવદ્ય ભાષાકૌશલ ઇત્યાદિથી કવિનાં અનેક પદો ઊંચા કાવ્યગુણવાળાં અને આસ્વાદ્ય બન્યાં છે. નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બન્યો છે. નરસિંહનાં શૃંગારપ્રીતિનાં અને ભક્તિજ્ઞાનનાં પદોમાં સરળ રસઘનવાણીનો આહલાદક પરિચય થાય છે અને આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયા કરે છે.
નરસિંહનું અનેક પાસાંવાળું કવિવ્યક્તિત્વ એકંદરે સંતર્પકતાનો અનુભવ કરાવે છે. નરસિંહ પૂર્વેની સંખ્યાબંધ કૃતિઓ આજે ઉપલબ્ધ થવાથી સમયદૃષ્ટિએ એમને ‘આદિ કવિ’ કહી શકાય એમ નથી, પણ ગુણદૃષ્ટિએ ‘ઉત્તમ’ના અર્થમાં તો તેઓ મધ્યકાળના આદિકવિ રહે છે જ.
પ્રસાદ બ્રહ્મભટ્ટ