નરનસબંધી અને તેની પુનર્રચના : કુટુંબનિયોજન માટે પુરુષોની શુક્રપિંડનલિકા(vasdeferance)ને કાપવી તથા પાછળથી જરૂર પડ્યે સાંધીને ફરીથી કાર્યક્ષમ કરવી તે. કુટુંબનિયોજન કરીને કુટુંબને નાનું રાખવા માટે કાયમી વંધ્યીકરણ (sterilization) કરવાનું સૂચવાય છે. તે માટેની શસ્ત્રક્રિયા સ્ત્રીઓ તથા પુરુષો બંનેમાં થાય છે. સ્ત્રીઓની અંડનલિકા અથવા અંડવાહિની(fallopian tube)ને કાપવાની ક્રિયાને અંડનલિકા-પૂર્ણછેદન (tubectomy) કહે છે. પુરુષોમાં શુક્રપિંડનલિકા પર કરાતી તેવી શસ્ત્રક્રિયાને શુક્રનલિકા-પૂર્ણછેદન (vasectomy) કહે છે. આ બંને શસ્ત્રક્રિયાઓને સાદી ભાષામાં અનુક્રમે સ્ત્રી-નસબંધી અને પુરુષ-નસબંધી પણ કહે છે. નરનસબંધી તકનીકી દૃષ્ટિએ સ્ત્રીનસબંધી કરતાં સરળ છે. આ બંને પ્રક્રિયાઓ કાયમી વંધ્યીકરણ કરતી હોવાથી વધુ અને વધુ પ્રચલિત કરતા રહેવાય છે. જો પાછળથી બાળક જન્મે તેવી જરૂરિયાત ઉદ્ભવે તો કેટલાક કિસ્સામાં કપાયેલી નલિકાઓને ફરીથી સાંધી શકાય છે. તેને તેમની પુનર્રચના (reconstruction) કહે છે.
કાયમી વંધ્યીકરણ ઉપરાંત પુરુષોની પુર:સ્થ (prostate) ગ્રંથિને પૂરેપૂરી કાઢી નાંખતાં પહેલાં પણ શુક્રનલિકાને કાપી કાઢવાનું સૂચવાય છે. તેનાથી શુક્રપિંડ અને અધિશુક્રપિંડ(epididymis)માં ચેપ પ્રસરતો અટકે છે તેવું મનાય છે. આ પ્રકારના ચેપને અધિશુક્રપિંડ-શુક્રપિંડશોથ (epididymo-orchitis) કહે છે. પુર:સ્થ ગ્રંથિની શસ્ત્રક્રિયા પછી આ પ્રકારનો ચેપ ફેલાવાની સંભાવના ફક્ત 6 % ગણાય છે અને શુક્રનલિકાનું પૂર્ણછેદન કરવાથી તે ઘટીને 3 % થાય છે. તેથી ઘણા સર્જ્યન પ્રૉસ્ટેટ ગ્રંથિને કાપીને કાઢી નાંખતાં પહેલાં નસબંધી કરવાની જરૂરિયાત સ્વીકારતા નથી.
કુટુંબનિયોજન માટે કરવાની નરનસબંધી કરતાં પહેલાં તેને વિશે પતિપત્ની બંનેને સંપૂર્ણ માહિતી આપવી સલાહભર્યું ગણાય છે. શક્ય હોય તો લખેલું/છાપેલું ફૉર્મ ભરવામાં આવે છે. લગભગ બધા જ કિસ્સામાં વંધ્યીકરણ કરે છે, પરંતુ તેની પુનર્રચના હંમેશ સફળ રહેતી નથી. તે એક સરળ ઉપચારપદ્ધતિ છે અને તેથી તેને કારણે કોઈ ખાસ મહત્ત્વની આનુષંગિક તકલીફો થતી નથી. નરનસબંધી કરાવવા માંગતા પુરુષ/દંપતીની માનસિક સ્થિતિ અંગે પૂરેપૂરી જાણકારી મેળવવી જરૂરી ગણાય છે. દર્દી સાથે કરાતી ચર્ચા, તેને અપાતાં માહિતી તેમજ સલાહસૂચનમાં કેટલાંક પાસાં આવરી લેવાં જરૂરી ગણાય છે; કેમ કે વિવિધ કાયદાકીય વિવાદના કિસ્સાઓમાં તે સમસ્યાઓ ઊભી થયેલી જણાયેલી છે. તેને નીચેની સારણી 1માં સમાવેલી છે :
સારણી 1
નરનસબંધી સાથે સંબંધિત કાયદાકીય વિવાદો રોકવા માટે પુરુષ/દંપતીને અગાઉથી જણાવી દેવાલાયક મુદ્દાઓ
1. | નરનસબંધી પુરુષ/દંપતીની ઇચ્છા અને વિનંતીને આધારે જ કરવામાં આવે છે. |
2. | શક્ય હોય ત્યાં સુધી પતિ-પત્ની બંનેની જાણકારીપૂર્વકની સંમતિ હોય તો વધુ સારું, પરંતુ પુરુષની પોતાની જાણકારીપૂર્વકની સંમતિ આવશ્યક છે. |
3. | તેનાથી થતું વંધ્યીકરણ મોટેભાગે કાયમી પ્રકારનું હોય છે. તેથી પાછળથી ફલિનીકરણ (fertilization) કરવાની કોઈ જરૂરિયાત ઊભી થાય તો તે પહેલાં, જ્યાં શક્ય હોય ત્યાં, શુક્રકોષ બૅન્ક(sperm bank)નો લાભ લેવો જરૂરી છે. |
4. | કપાયેલી શુક્રગ્રંથિનલિકાને ફરીથી જોડવાની પ્રક્રિયા 90 % કિસ્સામાં સફળ થાય છે પરંતુ તેનાથી પત્નીમાં સગર્ભાવસ્થા ઉત્પન્ન કરવાની શક્યતા 50 % જેટલી જ રહે છે. |
5. | ક્યારેક ટૂંકા ગાળાની આનુષંગિક તકલીફ રૂપે લોહી વહે કે ચેપ લાગે છે. મોટે ભાગે લાંબા ગાળાની કોઈ વિશિષ્ટ તકલીફ થતી નથી, પરંતુ મેદજન્ય ધમનીકાઠિન્ય (atherosclerosis) અને શુક્રપિંડનું કૅન્સર વધુ થાય છે એવું મનાય છે. |
6. | નસબંધી કર્યા પછી બે વખત સુધી વીર્યની તપાસમાં શુક્રકોષો દેખાતા બંધ થાય ત્યાં સુધી કોઈ અન્ય ગર્ભનિરોધક પદ્ધતિ પણ વાપરવી પડે છે. |
7. | નસબંધી કર્યા પછી વીર્યક્ષેપ(ejaculation)માં બહાર નીકળતું વીર્ય માંડ 10 % જેટલું જ ઓછું થાય છે. |
8. | નસબંધીને કારણે કામોત્તેજના (libido) કે શિશ્નોત્થાન (erection) વધતાં કે ઘટતાં નથી. |
9. | દર 1000 કિસ્સામાંથી 3થી 5 જણામાં નરનસબંધી વખતે કપાયેલી અને બંધાઈ ગયેલી શુક્રનલિકા ફરીથી ખૂલીને વીર્યનું વહન કરે છે. |
શરીરરચના : પુરુષનો જનનમાર્ગ (genital tract) શુક્રપિંડ અથવા વૃષણ(testis)માંની શુક્રકોષપ્રસર્જન કરતી નલિકાઓથી શરૂ થાય છે. શુક્રપિંડની ઉપર અધિશુક્રપિંડ (epididymis) આવેલું છે. શુક્રપિંડમાંની નલિકાઓ એકઠી થઈને અધિશુક્રપિંડ અને તેમાંથી નીકળતી શુક્રપિંડનલિકા (vas deferance) બનાવે છે. શુક્રપિંડ અને અધિશુક્રપિંડ પેટની બહાર, શિશ્નની પાછળ વૃષણકોશા અથવા સંવૃષણા (scrotum) નામની ચામડી અને સ્નાયુઓની કોથળીમાં હોય છે. શુક્રપિંડનલિકા વૃષણકોશામાંથી નીકળીને પેટમાં જાય છે અને તે મૂત્રાશયની નીચે અને પાછળ આવેલી વીર્યસંગ્રહિકા (seminal vesicle) સાથે જોડાય છે.
પૂર્વક્રિયાત્મક (pre-operative) વિધિ : નસબંધી કરવાની હોય તે પુરુષને તપાસીને તેની શરીરરચનાલક્ષી કે કોઈ રોગલક્ષી સમસ્યાઓ શોધી કાઢવામાં આવે છે, જેવી કે સર્પશિરાકોષ્ઠ (vericocoele) હોય કે જન્મથી શુક્રપિંડનલિકા જ ન હોય. સંપૂર્ણ જાણકારી આપ્યા પછી દર્દીની સંમતિપત્ર પર સહી કરાવાય છે. પુરુષની ઇન્દ્રિય(શિશ્ન)ના મૂળ પાસેના, પ્યુબિક વિસ્તાર પરના તથા શુક્રપિંડની કોથળી પરના વાળ કાપીને દૂર કરાય છે. શસ્ત્રક્રિયા માટે કાં તો સ્થાનિક નિશ્ચેતના(local anaesthesia)ની પ્રક્રિયા કરીને ચામડીને બહેરી કરાય છે અથવા વ્યાપક નિશ્ચેતનાની પ્રક્રિયા કરીને દર્દીને બેભાન કરાય છે. શસ્ત્રક્રિયામાં જ્યારે શુક્રપિંડનલિકાને ખેંચવામાં આવે છે ત્યારે પરાવર્તી ક્રિયા રૂપે દર્દીના હૃદયના ધબકારા ઘટી જાય છે અને તેથી કો’ક દર્દીમાં રુધિરાભિસરણતંત્ર બંધ પણ થઈ જાય છે. તેથી શસ્ત્રક્રિયા પહેલાં એટ્રોપિનનું ઇન્જેક્શન અપાય છે તેમજ શસ્ત્રક્રિયા સમયે પુનર્સંજીવની ક્રિયા (resuscitation) માટેની દવાઓ અને સાધનોવાળી નાની હાથગાડી (trolley) તૈયાર રખાય છે.
શસ્ત્રક્રિયા (જુઓ આકૃતિ) : શસ્ત્રક્રિયાનો પહેલો મહત્ત્વનો મુદ્દો શુક્રપિંડનલિકાના સ્થાનને નિશ્ચિત કરવા અંગેનો છે. જો ચામડી બહેરી કરીને શસ્ત્રક્રિયા થતી હોય તો તેને શોધીને પકડી રાખવા માટે અનુભવી સર્જ્યનની જરૂર પડે છે. શુક્રપિંડ-કોથળીને વૃષણકોશા (scrotum) કહે છે. શુક્રપિંડ-કોથળીમાં પાછળની બાજુએ શુક્રપિંડનલિકા આવેલી હોય છે. તેને આગળથી પહેલી બે આંગળીઓ અને પાછળથી અંગૂઠા વડે મજબૂત રીતે પકડીને વૃષણકોશાની આગળની દીવાલ પર આજુબાજુ ગગડાવવામાં આવે છે. તેને વૃષણકોશાની આગળની દીવાલ પાસે લાવીને ત્યાં 1 % લિગ્નોકેઇન નામની દવાની લગભગ 5 મિલિ. જેટલી માત્રાને ઇન્જેક્શન દ્વારા આસપાસની પેશીમાં નાંખવામાં આવે છે. બે આંગળીઓ અને અંગૂઠા વચ્ચે પકડી રાખેલી શુક્રપિંડનલિકાને કાટખૂણે એક 0.5 સેમી.નો છેદ મૂકવામાં આવે છે અને તેને એલિસના ચીપિયા વડે પકડવામાં આવે છે. શુક્રપિંડનલિકાની આસપાસ તંતુપડ(fascia)નું આવરણ હોય છે. તે શુક્રપિંડરજ્જુ (spermatic cord) બનાવે છે. શુક્રપિંડરજ્જુના તંતુપડને કાપી કાઢીને શુક્રનલિકાને શસ્ત્રક્રિયાના છેદમાંથી બહાર કઢાય છે. તેને 2થી 3 સેમી.ના અંતરે બે બાજુ પરથી સાધન વડે પકડાય છે અને વચ્ચેથી તેને 1 સેમી. જેટલી કાપી કઢાય છે. જરૂર પડ્યે તેને સૂક્ષ્મદર્શક વડે તપાસીને ખાતરી કરી શકાય છે. ત્યારબાદ બંને છેડાને અલગ અલગ બાંધી દેવાય છે. છેલ્લે સ્નાયુ તથા ચામડીને ટાંકા લઈને સાંધી દેવાય છે.
ઉત્તરક્રિયાત્મક (post-operative) વિધિ : દર્દીને એક અઠવાડિયા સુધી મજબૂત બંધબેસતો કચ્છ કે લંગોટ પહેરવાનું કહેવાય છે જેથી તેની વૃષણકોશા(વૃષણકોથળી)ને ટેકો મળે. તેને 48થી 72 કલાક માટે સખત પરિશ્રમ અને સ્નાન ન કરવા કહેવાય છે. શસ્ત્રક્રિયા પછી 6 અઠવાડિયે વીર્યપરીક્ષણ કરાય છે. જો સતત 2 પરીક્ષણોમાં શુક્રકોષો ન દેખાય તો શસ્ત્રક્રિયા સફળ રહી ગણાય છે.
આનુષંગિક તકલીફો (complications) : ક્યારેક થોડું લોહી વહે છે તો ક્યારેક થોડો ચેપ લાગે છે. સામાન્ય ઉપચારોથી તે બંને કાબૂમાં આવે છે. 25 % દર્દીઓમાં શુક્રકોષની ચિરશોથગડ (granuloma) થાય છે અને દર 3,000થી 4,000 કિસ્સાઓમાંથી એકમાં શુક્રનલિકાનું પુન:સંધાન (recanalization) થાય છે.
નરનસનું પુનર્ગઠન : ક્યારેક જરૂર પડ્યે કપાયેલી શુક્રપિંડનલિકાનું પુનર્ગઠન કરવાની વિનંતી કરવામાં આવે છે. જો શરૂઆતની શસ્ત્રક્રિયા વડે શુક્રપિંડનલિકા(નરનસ)નો મોટો ભાગ કાઢી ન નંખાયો હોય તો તેમાં સફળતા મળી શકે છે. તે માટે વૃષણકોથળીની એક બાજુ પર એક વાંકો છેદ મૂકીને તેને ઊરુપ્રદેશ (inguinal region) સુધી લંબાવવામાં આવે છે. કપાયેલી શુક્રપિંડનલિકાના ઉપરના અને નીચલા છેડાને ઓળખી કાઢવામાં આવે છે અને તેના પર ચોંટેલી પેશીને દૂર કરાય છે. બંને કપાયેલા છેડાની ટોચની નીચે એક બાજુ પર લાંબો છેદ મુકાય છે. બંને છેદને જોડે જોડે (side to side) મૂકીને તેમના છિદ્રની કિનારી પર સાંધા લેવાય છે જેથી કરીને બંને કપાયેલા છેડા એકબીજાની સાથે જોડાઈ શકે. આવા જોડાને જોડ જોડનું અથવા પાર્શ્વાનુપાર્શ્વ દ્વિછિદ્રસંધાન (side to side anastomosis) કહે છે. ક્યારેક બંને કપાયેલા છેડાઓની ટોચને કાપીને તેમનાં ટોચછિદ્રોને જ સીધાં જોડવામાં આવે છે. તેને અંતાનુઅંત (end to end) દ્વિછિદ્રસંધાન કહેવાય છે. આમ છિદ્રસંધાન(anastomosis)ના 2 પ્રકારો છે. 1,469 કિસ્સાઓની નોંધ દર્શાવતો એક અભ્યાસ પ્રસિદ્ધ કરાયેલો છે. તેમાં 3 વર્ષ પછી કરાતા પુનર્ગઠનને કારણે તેમની પત્નીઓમાં સગર્ભાવસ્થા થવાનો દર 76 % નોંધાયો છે, જેમાં 3થી 8 વર્ષ પછી પુનર્ગઠન કરાયું હોય તો 53 %, 9 થી 14 વર્ષ થયાં હોય તો 44 % અને 15 વર્ષ કે તેથી વધુ સમયગાળો વીતી ગયો હોય તો 30 % કિસ્સામાં સફળતા રહે છે. એકંદરે 50 % પુરુષોની ફલનક્ષમતા (fertility) પાછી આવે છે. નિષ્ફળતાનું કારણ કપાયેલી શુક્રપિંડનલિકાનું સંકીર્ણન (stenosis) અથવા તંતુઓ બની જવાથી સંકોચાઈ જવું તે છે. બીજું મહત્ત્વનું કારણ અધિશુક્રપિંડમાં ઉદ્ભવતો અવરોધ છે. તે અગાઉના ઉદ્ભવેલા દબાણને કારણે થયેલો હોય છે. તેવા કિસ્સામાં શુક્રનલિકા-શુક્રનલિકા જોડાણને બદલે અધિશુક્રપિંડ-શુક્રનલિકા જોડાણ કરવામાં આવે છે. જોકે તેમાં ફલનક્ષમતા ફરીથી સ્થપાતાં વાર લાગે છે.
શિલીન નં. શુક્લ
પ્રવીણ અ. દવે