નરગિસ મોહમ્મદી (જ. 21 એપ્રિલ, 1972, ઈરાન) : 2023ના વર્ષનાં શાંતિ નોબેલ પારિતોષિકવિજેતા દ્વિતીય ઈરાની મહિલા.
પશ્ચિમ એશિયામાં ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ ઈરાન સૌથી મોટો દેશ છે. આર્યાની એવો ઈરાન ચર્ચામાં છે. ઈરાનની ફારસી ભાષા તેના લાલિત્ય માટે જાણીતી છે. આ પ્રાચીન દેશને 1963ની શ્ર્વેત-ક્રાંતિ હેઠળ આધુનિક બનાવવાનો પ્રયાસ તેના શાસકો દ્વારા કરવામાં આવ્યો. લાંબા પ્રયાસો છતાં આધુનિકતા તેને માફક ન આવી. 1979માં ત્યાં ઇસ્લામિક ક્રાંતિ હેઠળ ત્યાં સત્તાપલટો થયો. ઈરાનને ઇસ્લામિક પ્રજાસત્તાક ઘોષિત કરવામાં આવ્યું. પરિણામે વાણી અને લેખનસ્વાતંત્ર્ય નહિવત્ છે. દેશનો કાનૂની વ્યવહાર ઇસ્લામિક કાયદા શરિયત પર આધારિત છે. ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન 1975થી 79 સુધી ન્યાયમૂર્તિના પદ પર પહોંચેલાં ઈરાનનાં પ્રથમ મહિલાન્યાયમૂર્તિ શીરીન એબાદીને આ હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી, તેનું એકમાત્ર કારણ એ હતું કે તેઓ મહિલા હતાં. આ પડકારને કારણે તેમને એક વિશેષ કાર્યક્ષેત્ર સૂઝેલું અને તે કાર્યક્ષેત્ર હતું માનવઅધિકારોનું. શીરીનની નજરે સમાજનો સૌથી અવગણાયેલો વર્ગ બાળકો અને મહિલાઓનો છે. આ ક્ષેત્રે અપાર મુશ્કેલીઓ અને યાતનાઓ વેઠી તેમણે કામ કરેલું, જેને કારણે તેઓ ઈરાનનાં પહેલાં એવાં મહિલા છે કે જેમને 2003માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.
ઑક્ટોબર, 2023માં – બરાબર એક વીસી પછી – તેમને યાદ કર્યા વગર રહી શકાય તેમ નથી. આ જ ઘટનાનું આજે પુનરાવર્તન થયું છે. 2023ના વર્ષનું શાંતિનું નોબેલ પારિતોષિક અન્ય એક ઈરાની મહિલા – નરગિસ મોહમ્મદીએ પ્રાપ્ત કર્યું છે. નોબેલ પારિતોષિકની આ સિદ્ધિ બીજી એક દુ:ખદ ગવાહી પણ પૂરી પાડે છે. ઈરાનનો સમાજ અને મહિલાઓ ક્યાં છે ? કટ્ટરવાદી ઇસ્લામિક સરકારે શરિયતના કાયદાઓ અનુસાર રાજકીય વ્યવસ્થા ગોઠવી છે. તદનુસાર હિજાબ(પરદા કે પડદાપ્રથા)ની પ્રથા પુખ્ત મહિલાઓ માટે ફરજિયાત છે; પરંતુ આ પ્રથાનો અમલ નાની વયની મહિલાઓ માટે પણ કરવામાં આવે છે. હિજાબ ન પહેરવો તે ગુનાહિત કૃત્ય માનવામાં આવે છે. આથી ત્યાં હિજાબના વિરોધમાં આંદોલનો ચાલે છે. આ આંદોલનમાં 500થી વધુ મહિલાઓનાં મોત નીપજ્યાં છે. હિજાબના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઊતરી આવી છે. ત્યાંની મોરલ પોલીસ આ માટે ઇજાજત આપતી નથી. હિજાબ વગરની મહિલાઓને શોધી શોધીને જાહેરમાં માર મારવામાં આવે છે. આવી કટ્ટરવાદી શાસનવ્યવસ્થા ચલાવી લેવાની વૃત્તિનો મહિલાઓ ભારે વિરોધ કરે છે. મહસા અમિની નામની યુવતીએ તેનો વિરોધ કરતાં તેને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવેલી. અન્ય એક યુવતી અર્મિતા ગ્રાવડાને પણ હિજાબ ન પહેરવા બદલ સખત માર મારવામાં આવતાં તે કોમામાં જતી રહી છે. નસરીન સોતેદેહ નામની એક યુવતીની એક બાળકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેનું મોત તહેરાન મેટ્રોમાં હિજાબ નહીં પહેરવાના કારણે વિવાદાસ્પદ સ્થિતિમાં થયું હતું. મોરલ પોલીસ નામનું વહીવટી એકમ હિજાબ વગરની મહિલાઓને શોધતું રહે છે અને તેમને બેરહમીથી માર મારી તેમનું જીવન હરામ કરી દે છે.
બીજી તરફ યુનિવર્સિટી શિક્ષણનાં દ્વાર મહિલાઓ માટે ખુલ્લાં છે. આમ આધુનિક ઢબનું શિક્ષણ અને રૂઢિચુસ્ત મહિલા-જીવન ત્યાંની મહિલાઓના જીવનમાં કરુણ સંઘર્ષ ઊભો કરે છે. શીરીન એબાદી પછી વીસ વર્ષે સામાજિક જીવનમાં સક્રિય બનેલાં નરગિસ મોહમ્મદીને પણ આ કરુણ જીવનસંઘર્ષ વેઠવાનો આવ્યો ત્યારે તેમણે પણ વિરોધનો સૂર વ્યક્ત કર્યો. તેમનો આ સૂર એકલપંથી ન રહેતાં ઈરાનના સમગ્ર મહિલાસમાજનો સૂર બન્યો અને શરૂ થઈ સંઘર્ષની આ કહાણી, જે સાર્વત્રિક બની.
આવી પરિસ્થિતિમાં 21 એપ્રિલ, 1972માં ઈરાનના જંજાન શહેરમાં જન્મેલાં નરગિસ મોહમ્મદી મહિલાઅધિકારો માટે લડત ચલાવવા કટિબદ્ધ હતાં. તેમના પિતા ખેડૂત હોવા સાથે ભોજન બનાવવાનું કામ કરતા હતા. જોકે માતાનું કટુંબ રાજકારણ સાથે જોડાયેલું હતું. 1979માં ઇસ્લામિક ક્રાંતિ વેળા તેમના મામા અને મામાના બે પુત્રોને ગિરફતાર કરવામાં આવ્યા હતા. તેઓ કૉલેજમાં ન્યુક્લિયર ફિઝિક્સનો અભ્યાસ કરતાં હતાં. તેઓ મહિલા છાત્રા સંગઠનમાં જોડાવાની ઇચ્છા ધરાવતાં હતાં પણ તેમાં તેઓ જોડાઈ શક્યાં નહોતાં. આથી તેઓ સ્વયં મહિલા લડત માટે સક્રિય બન્યાં. એકાવન વર્ષની વય ધરાવતાં નરગિસે 31 વર્ષ જેલમાં વિતાવ્યાં છે. કુલ મળીને તેમને 154 કોરડાની સજા થઈ છે. તેમની પર હજુ બીજા ત્રણ કેસ પેન્ડિંગ છે, જેમાં તેમને વધુ કારાવાસ ભોગવવાનો આવશે. મહિલાઓનાં જીવનના વિવિધ સંઘર્ષો ઘટે અને મહિલાઓને સમાનતા મળે તે માટે તેમણે કૉલેજકાળથી ઝુંબેશનો આરંભ કરેલો. પ્રારંભે અખબારોના માધ્યમથી મહિલાઓને જાગૃત કરીને અખબારોમાં નિયમિત કૉલમો લખીને અલગ અલગ મુદ્દાઓ દ્વારા તેમણે મહિલા-અધિકારોના પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. આ ત્રુટક છૂટક પ્રયાસો દેશવ્યાપી બન્યા, મહિલા-આંદોલનો થવા લાગ્યાં. મહિલાઓની સ્થિતિ સુધારવાની જરૂરિયાત ધીમે ધીમે અનિવાર્ય બનવા લાગી. આ અવિરત મહિલાસંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. ઈરાનનું મોરલ પોલીસ નામનું વહીવટી એકમ (અને તે દ્વારા તેના શાસકો) મહિલાઓને રૂઢિચુસ્ત જીવન જીવવાની ફરજ પાડે છે. બીજી તરફ જનજીવનમાં સુધારાવાદી પુરુષો સાથે પણ આ પોલીસ કટ્ટરતાથી પેશ આવે છે અને તેમના પર આરોપો મૂકી, ઝડપથી કેસ ચલાવી તેમને મૃત્યુદંડની સજાની હિમાયત કરે છે. મહિલાઓના માનવઅધિકારો અને મૃત્યુદંડની નાબૂદી — એ બે તેમનાં મુખ્ય કાર્યક્ષેત્ર છે. તહેરાનની એવીન જેલમાં દસ વર્ષની સજા ભોગવી રહેલાં નરગિસને વારંવાર ધરપકડ વહોરવી પડેલી.
1999માં તેમણે સુધારાવાદી વિચારો ધરાવનાર યુવક તઘી રહેમાની સાથે લગ્ન કર્યાં અને તે બે જોડિયાં બાળકોની માતા છે. લગ્ન પછીના બીજા જ વર્ષે પહેલી જ વાર તઘી રહેમાનીની ધરપકડ કરી સુધારાવાદી લેખો બદલ શાસકોએ તેમને 14 વર્ષની જેલની સજા ફટકારી. આ સજાઓથી મુક્ત થતાં તઘી રહેમાની તેમનાં બે જોડિયાં બાળકો સાથે ફ્રાંસમાં સ્થાયી થયા છે. વાસ્તવમાં નરગિસને થતી વારંવારની જેલને કારણે તેમણે સ્વૈચ્છિક દેશવટો ભોગવી, ફ્રાંસમાં રહી બાળકોના સ્વસ્થ ઉછેરને પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂત પિતાની પુત્રી નરગિસને માતાના નવી શૈલીના વિચારો પસંદ હતા. આથી 1979ની ઇસ્લામિક ક્રાંતિ વેળાથી અભ્યાસ સાથે જાહેરજીવનમાં સક્રિય રહેવાનું બનેલું. કૉલેજજીવનમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં શીરીન એબાદી સ્થાપિત Defenders of Human Rights Centre(DHRC)નાં સભ્ય બની તેઓ જાહેરજીવનમાં સક્રિય થતાં ગયાં અને આગળ જતાં આ સંગઠનનાં ચૅરમૅન શીરીન એબાદી સાથે તેઓ સંગઠનનાં ઉપપ્રમુખ બન્યાં.
ઇસ્લામધર્મી રૂઢિચુસ્તતા સાથે તેમણે મહિલાસંગઠનો, માનવઅધિકારો અને જાહેરજીવનનાં નવાં ધોરણોના વિચારો ઈરાનના જનજીવનમાં સ્થાપિત અને પ્રચલિત કરવાની હિમાયત કરી. તેમનું આ આંદોલન ‘નૂતન શેરિયતવાદ’ તરીકે જાણીતું બનેલું છે. સ્વાભાવિક છે કે દેશની રૂઢિચુસ્ત સરકારને આ નવા વિચારો અનુકૂળ ન આવે. તેમના અને સરકાર વચ્ચેના સંઘર્ષનું આ મૂળભૂત કારણ છે. વધુમાં રૂઢિચુસ્ત સરકાર ધાર્મિક શાસનની દુહાઈ દઈને દેશના સજ્જન, સાચાબોલા, ઈમાનદાર નાગરિકોને ખોટી રીતે ફાંસીની સજા ઘોષિત કરતી હોવાથી નરગિસ મૃત્યુદંડની સજાની નાબૂદીનાં પ્રખર પ્રવક્તા છે. સત્તા સામે માથું ઊંચકનાર આવાં મહિલાનાગરિકોને નસિયત જ કરવાં જોઈએ એમ માનનાર સરકાર ખુદની માન્યતાને સાચી ઠેરવવા શેષ જગત સામે મિથ્યા પ્રયત્નો કરી રહી છે. તે એટલે સુધી કે નરગિસના નૂતન શેરિયતવાદના પ્રયાસોને ઈરાનના વિદેશ મંત્રાલયે દોષિત ઠેરવી તેમને એનાયત થયેલા 2023ના નોબેલ શાંતિ પારિતોષિકને પોંખવાને બદલે તેની ટીકા કરી છે.
એકાવન વર્ષની ઉંમરમાં એકત્રીસ વર્ષ જેલવાસ કરનાર નરગિસે જેલનાં 31 વર્ષોમાં ઘણાં વર્ષો એકાંત જેલવાસની સજા વેઠી છે, નેલ્સન મંડેલાની જેમ જ સ્તો. ‘એકાંત કેદની સજા ઘાતકી અને અમાનવીય છે અને તેને નાબૂદ કરાવ્યા વિના હું જંપવાની નથી એવા તેમના અંગત મંતવ્ય અંગે તેઓ દૃઢાગ્રહી છે. એકાંત જેલવાસની સજાને તેઓ ‘સફેદ યાતના’ ગણે છે. આ સંદર્ભે જેલમાં સાથી મહિલાઓ પર ગુજારવામાં આવતા ત્રાસને અનુલક્ષીને 2022માં તેમણે એક પુસ્તકની રચના કરી છે જેનું શીર્ષક જ ‘White Torture’ છે. આ સંદર્ભે એક આનંદભરી આડવાત પણ કરી જ લઈએ. ઉપર જણાવી તેવી બધી સજાઓના વિરોધમાં ઈરાનિયન નાગરિક મહેંદી યારાહીએ એક ગીતની રચના કરી છે. આ વિરોધગીત ‘રુસારીટો’ને નરગિસે પ્રબળ સમર્થન પૂરું પાડ્યું છે અને શાસકો ગીતરચનાકાર અને નરગિસ બંને પર ભારે ખફા છે.
ભૌતિકશાસ્ત્રમાં કારકિર્દીનો આરંભ કરનાર નરગિસે ‘તાશકોલ દાનેશજુયી રોશનગરાન’(Enlightened Student Group)ની કૉલેજકાળ દરમિયાન સ્થાપના કરેલી અને ભૌતિકશાસ્ત્રમાંથી પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશ કરી જીવનની કારકિર્દીને એક નવા જ ક્ષેત્રમાં સક્રિય કરી. આરંભે અખબારોમાં સુધારાવાદી લેખો પ્રકાશિત કરીને તેઓ ચીલો ચાતરી ગયાં. રાજકીય નિબંધોનું તેમનું પુસ્તક ‘The Reforms, the Strategy and the Tactics’ આ સંદર્ભે નોંધપાત્ર છે. આવા સરસ પ્રયાસોને ઈરાનની સરકાર ન આવકારે પણ દુનિયાના પ્રજાજનો તો તેને પોંખે જ ને ! એથી એલેકઝાંડર-લેંગર ઍવૉર્ડ, વાઇમર હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ, આંદ્રે સખારોવ પ્રાઇઝ, ગુલેરમો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ અને સાવ તાજેતરમાં નોબેલ શાંતિ પારિતોષિક-2023ની પ્રાપ્તિથી તેઓ વૈચારિક સમૃદ્ધિથી ધનવાન છે. નરગિસની આ અસાધારણ હિંમતને શીરીન એબાદીએ આ રીતે પોંખી છે. શીરીન એબાદીને 2010માં ‘ફેલીક્સ એરમાકોરા હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ’ એનાયત થયેલો ત્યારે શીરીને કહ્યું, ‘આ ઍવૉર્ડ મારા કરતાં આ હિંમતબાજ મહિલાને એનાયત થવો જોઈતો હતો.’ આ અનોખી શાંતિ પારિતોષિક વિજેતા મહિલાને અનેકાનેક સલામો. મહિલાઓની પ્રગતિ અને શાસકોની અગતિનો ક્યારે મેળ બેસે છે તે તો ઇતિહાસ જ કહી શકશે.
રક્ષા મ. વ્યાસ