નરગિસ (જ. 1 જૂન 1929, અલ્લાહાબાદ; અ. 3 મે 1981, મુંબઈ) : ભારતીય રજતપટની યશસ્વી તારિકા. મૂળ નામ ફાતિમા રશીદ. પિતાનું નામ મોહનબાબુ. માતાનું  નામ જદ્દનબાઈ. પાંચ વર્ષની વયે ‘તલાશે હક’ ફિલ્મથી અભિનય શરૂ કરેલો. ફિલ્મ ‘તકદીર’માં મહેબૂબખાને મુખ્યપાઠમાં 1943માં ‘નરગિસ’ નામ સાથે રૂપેરી પરદે રજૂ કરી. નરગિસની અંતિમ ફિલ્મ હતી ‘રાત ઔર દિન’ જે 1967માં તૈયાર થઈ હતી. અભિનયક્ષેત્રને તિલાંજલિ આપ્યા બાદ પણ નરગિસ ત્રેવીસ વર્ષ સુધી તેના પતિ સુનીલ દત્ત (લગ્ન 1959) અને બાળકો દ્વારા ફિલ્મો સાથે સંકળાયેલી રહી.

નરગિસ

નરગિસની પહેલી ફિલ્મમાં બે નાયક હતા – મોતીલાલ અને ચંદ્રમોહન. તે જમાનામાં નાયિકાઓ અભિનયમાં અતિરેક કરતી હતી. અભિનય ઉપર પારસી થિયેટરનો પ્રભાવ હતો. નરગિસે સ્વાભાવિકતા ઉપર ધ્યાન આપ્યું, જે મોતીલાલે તેને શીખવ્યું. તેથી તે ભારતીય સિનેમાની પહેલી સ્વાભાવિક અભિનેત્રી ગણાઈ. નરગિસે પરંપરાગત ભૂમિકાઓની સરખામણીમાં આધુનિક – પાશ્ચાત્ય ભૂમિકાઓને વધારે પસંદગી આપી. તેના કારણે તે યુવાવર્ગમાં ખૂબ લોકપ્રિયતા મેળવી શકી.

નરગિસને ભારતીય સિનેમાના ત્રણ મહારથીઓ સાથે કામ કરવાની તક મળી. દિલીપકુમાર સાથે સાત ફિલ્મો કરી, જેમાં ‘અંદાઝ’, ‘મેલા’, ‘હલચલ’, ‘દીદાર’ અને ‘જોગન’ ખૂબ પ્રભાવશાળી પુરવાર થઈ. રાજકપૂર સાથે પંદર ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ‘અંદાઝ’, ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’, ‘અનહોની’, ‘ચોરી ચોરી’ આદિ મહત્ત્વપૂર્ણ ફિલ્મો હતી. મહેબૂબખાન સાથે ચાર ફિલ્મો કરી, જેમાં ‘તકદીર’, ‘હુમાયૂં’ અને ‘મધર ઇન્ડિયા’ મહાન ફિલ્મો સિદ્ધ થઈ. નરગિસના કારણે દિલીપ અને રાજકપૂરમાં વ્યક્તિગત પ્રતિસ્પર્ધા હતી, પરંતુ મહેબૂબખાન માટે તેમણે ‘અંદાઝ’માં સાથે કામ કર્યું. નરગિસે જ્યારે ‘આન’ ફિલ્મમાં કામ કરવા માટે મહેબૂબખાનને ના પાડી, ત્યારે મહેબૂબખાનને આઘાત લાગ્યો હતો.

અભિનય છોડ્યા પછી નરગિસે સમાજસેવાનાં ઘણાં કાર્યો કર્યાં. આ ક્ષેત્રમાં ઇંદિરા ગાંધી જેવા વ્યક્તિત્વનો તેને સહકાર સાંપડ્યો. સામાજિક સમારંભોમાં તે હંમેશાં સફેદ સાડી અને મોગરાનાં ફૂલો પરિધાન કરતી. સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા પછી તેણે સુનીલ દત્તને ફિલ્મનિર્માણની પ્રેરણા આપી, જેના કારણે સુનીલ દત્તે ‘મુજે જીને દો’ અને ‘રેશમા ઔર શેરા’ જેવી ફિલ્મો બનાવી.

નરગિસની માતા મુસલમાન અને પિતા હિંદુ હતાં. તે ક્યારેય સાંપ્રદાયિકતાનો શિકાર બની ન હતી. જવાહરલાલ નહેરુ પ્રત્યે તેને ભારે આદર હતો. નહેરુ પણ નરગિસની કલાના પ્રશંસક હતા. આ લોકપ્રિય અભિનેત્રીનું અવસાન કૅન્સરથી થયું. તેમને તેમની અભિનયકલા માટે વિવિધ ઍવૉર્ડ મળ્યા હતા. 1958માં ‘પદ્મશ્રી’નો ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમની સ્મૃતિમાં ‘નરગિસ ઍવૉર્ડ’ પણ આપવામાં આવે છે. મુંબઈમાં તેમની સ્મૃતિમાં  એક રોડ ‘નરગિસ દત્ત રોડ’ તરીકે ઓળખાય છે. તેઓ સાંસદ પણ હતાં.

નોંધપાત્ર ચિત્રો : 1935 : તલાશે હક, (બેબી રાની નામ સાથે), 1943 : તકદીર, (નરગિસ નામ સાથે), 1945 : હુમાયૂં, 1948 : આગ, મેલા, 1949 : અંદાઝ, બરસાત, 1950 : બાબુલ, જોગન, મીના બાઝાર, 1951 : આવારા, દીદાર, 1952 : અનહોની, પાપી, 1953 : આહ, 1955 : શ્રી 420, 1956 : ચોરી ચોરી, જાગતે રહો, 1957 : મધર ઇન્ડિયા, પરદેશી 1967 : રાત ઔર દિન.

પીયૂષ વ્યાસ