નરક : ધર્મશાસ્ત્ર અનુસાર મનુષ્યે કરેલાં પાપકર્મોની સજા ભોગવવાનું સ્થળ. ક્યારેક આ જગતમાં ખરાબ કાર્ય કરવા પીડા સહેવી પડે તો તે પીડાને પણ નરક કહે છે. ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્ય પુણ્યકાર્યો કરે તો સ્વર્ગનાં સુખો મળે છે; પરંતુ પાપ કરે તો નરકનાં દુ:ખો ભોગવવાં પડે છે. ધર્મશાસ્ત્ર અને પુરાણો માને છે કે પાપી મનુષ્યનો સૂક્ષ્મદેહ જુદાં જુદાં પાપો કરવા બદલ જુદાં જુદાં નરકોમાં જઈ તેની પીડા ભોગવે છે; દા. ત., વિષ્ણુપુરાણના બીજા અંશના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે કે જે શિષ્ય પોતાના આચાર અને વિદ્યાના અભિમાનથી છકી જઈને ગુરુનું અપમાન કરે છે તે મૃત્યુ પછી ક્ષાર નામના નરકમાં જાય છે.

નરકનો પ્રદેશ 30 હજાર યોજનનો છે અને તે પાતાળની નીચે અને ગર્ભોદક નામના પાણીની ઉપર આવેલો છે. આ પ્રદેશમાં મનુસ્મૃતિના મતે 21 અને પુરાણોના મતે 28 નરકો આવેલાં છે. આ નરકમાં પાપીને કરેલાં પાપોની સજા તરીકે હજારો વર્ષો સુધી રહેવું પડે છે. યમલોકમાં પાપીને સજા કરવા (1) તામિસ્ર, (2) અંધતામિસ્ર, (3) રૌરવ, (4) મહારૌરવ, (5) કુંભીપાક, (6) કાલસૂત્ર, (7) અસિપત્રવન, (8) સૂકરમુખ, (9) અંધકૂપ, (10) કૃમિભોજન, (11) સંદંશ, (12) તપ્તસૂચિ, (13) વજ્રકંટક શાલ્મલિ, (14) વૈતરણી, (15) પૂયોદ, (16) પ્રાણરોધ, (17) વિરાસન, (18) લાલાભક્ષ, (19) સારનેયાદન, (20) અવીચિ, (21) અય:પાન, (22) ક્ષારકર્દમ, (23) રક્ષોગણભોજન, (24) શૂલપ્રોત, (25) દંદશૂક, (26) અવટનિરોધન, (27) પર્યાવર્તન અને (28) સૂચિમુખ નામનાં 28 નરકો ભાગવતપુરાણમાં (5/26) આપવામાં આવ્યાં છે. ગરુડપુરાણના પ્રેતોદ્વારકલ્પમાં પણ નરકયાતના વર્ણવાઈ છે.

બ્રાહ્મણ ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ નરકને સ્વીકારે છે, પરંતુ નરકના (1) અર્બુદ, (2) નિરર્બુદ, (3) અબબ, (4) અહહ, (5) અટટ, (6) કુમુદ, (7) સૌગંધિક, (8) ઉત્પલક, (9) પુંડરીક અને (10) પદ્મ – એ દસ જ ભેદો માને છે.

જૈન ધર્મ નરકને સ્વીકારે છે, પરંતુ નરકના (1) રત્નપ્રભા, (2) શર્કરાપ્રભા, (3) વાલુકાપ્રભા, (4) પંકપ્રભા, (5) ધૂમપ્રભા, (6) તમ:પ્રભા અને (7) મહાતમ:પ્રભા  એ સાત ભેદોને માને છે. આ સાત નરકોમાં અનુક્રમે 30 લાખ, 25 લાખ, 15 લાખ, 10 લાખ, 3 લાખ, 99,995 અને પાંચ હજાર વરસો સુધી પીડા ભોગવવી પડે છે એમ પણ જૈન ધર્મ જણાવે છે.

અંતે, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મો પણ નરકને માને છે. પરંતુ નરકના કોઈ ભેદો ગણાવતા નથી. ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ નરકનું સ્વરૂપ એવું કલ્પે છે કે તે નીચે રહેલું છે અને તેમાં આગ બળતી હોય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી