નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા)

January, 1998

નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા) : મહેન્દ્રસૂરિએ 1131માં પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલી કથા. આમાં नम्मया એટલે નર્મદાસુંદરીના ચરિત્રનું વર્ણન છે. આનો ગદ્ય-પદ્ય ભાગ સરલ અને રોચક છે. જૈન ધર્મમાં અત્યંત શ્રદ્ધાશીલ શ્રેષ્ઠી સહદેવની પત્ની સુંદરીએ નર્મદાસુંદરીને જન્મ આપ્યો હતો. નર્મદાસુંદરીના સૌન્દર્યથી આકર્ષિત થઈ મહેશ્વર દત્તે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શેઠે મહેશ્વરને જૈન સમજીને તેની સાથે નર્મદાસુંદરીનો વિવાહ કરી દીધો. એક વાર નર્મદાસુંદરીને લઈને મહેશ્વર દત્ત ધન કમાવા માટે ભવનદ્વીપ ગયો. માર્ગમાં પોતાની પત્નીના ચરિત ઉપર શંકા જવાથી તેને એક દ્વીપમાં ઊંઘતી છોડીને જતો રહ્યો. એકલી પડેલી નર્મદાસુંદરી અપાર દુ:ખનો અનુભવ કરવા લાગી. થોડો સમય વીત્યા પછી તેના કાકા વીરદાસ મળ્યા અને તેને બબ્બરકુળ લઈ ગયા. ત્યાં નર્મદાસુંદરી વેશ્યાના ચક્કરમાં આવી જાય છે. શીલરક્ષા માટે તેને અનેક કષ્ટ સહન કરવાં પડે છે. જિનદાસ શ્રાવકની સહાયથી તે ઘરે પાછી ફરે છે. અંતમાં નર્મદાસુંદરી સંસારથી વિરક્ત થઈ સાધ્વી બની જાય છે.

આ ગ્રંથમાં કવિએ કથાવસ્તુના ગઠન અને ચરિત્રચિત્રણ બંનેમાં અપૂર્વ કુશળતા દર્શાવી છે. વાર્તાલાપ સજીવ છે. આ ગ્રંથ કાવ્યતત્વથી ભરપૂર છે. તેમાં મનોરંજન અને કથારસ પણ છે. તેમાં 1117 પદ્ય છે. ગ્રંથનું કદ 1750 શ્લોક જેટલું છે.

1960માં આ કૃતિ (સંપા. પ્રતિભા ત્રિવેદી) મુંબઈના ભારતીય વિદ્યાભવનને ઉપક્રમે સિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠ શ્રેણીમાં પ્રકાશિત થયેલી છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા