નટ-નટી : નાટકના પાત્રનો અભિનય કરનાર, અભિનેતા – અભિનેત્રી. ‘નાટકના પાત્રના ભાવને પ્રેક્ષકો તરફ (अभि) લઈ જનાર ’. આચાર્ય શંકુક દર્શાવે છે તેમ, નટ નાટકના પાઠનું માત્ર પઠન નથી કરતો (એ માત્ર મિમિક્રી થાય) પણ પાઠનો અભિનય કરે છે. નટ-નટી આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનય તેમજ રીતિ, વૃત્તિ અને પ્રવૃત્તિથી નાટ્યના રસનો આસ્વાદ સહૃદયોને કરાવે છે.
અભિનવગુપ્ત નટના કાર્યને આમ વર્ણવે છે : નટ તાલીમને કારણે, તેમજ પોતાના વિભાવોને યાદ કરીને ચિત્તવૃત્તિના સાધારણીકરણ દ્વારા પાત્રના ભાવ સાથે હૃદયસંવાદ સાધી પાત્રના અનુભવોને પ્રદર્શિત કરતો નાટકના પાઠના શબ્દોને યોગ્ય વળાંકો-ઉચ્ચારણો સાથે બોલતો ચેષ્ટાઓ કરે છે. અર્થાત્, નાટકમાં પાત્રના રૂપને ધારણ કરી, તેના ભાવ સાથે તાદાત્મ્ય સાધી, તેનાં (નાટ્યકારે આલેખેલાં) કાર્યો-શબ્દોને પોતાનાં તાલીમ અને લોકાનુભવના બળ વડે પ્રગટ કરે તે નટ. એ અર્થમાં નાટ્યપ્રયોગ વખતે નટ ‘સ્વ-ભાવ’ છોડી ‘પર-ભાવ’માં પોતાનો સમાવેશ કરે છે. ભરતના મતે નટ બહુભાષાવિદ, સર્વ પ્રકારના અભિનયોને જાણનારો તથા પ્રયોજી શકનારો, મુખ-સજ્જા (‘મેક-અપ’) તથા ગાયનવાદન સમેત વિવિધ કલાઓમાં કુશળ, બુદ્ધિ, સ્મૃતિ, ગુણ પારખનારી દૃષ્ટિ, ભાવાવેશરહિતતા, સ્પર્ધાત્મકતા, ખંત, શારીરિક સૌષ્ઠવ, તીવ્ર ગ્રહણશક્તિ અને સૂત્રધાર પ્રત્યે અડગ વફાદારી તેમજ અનિર્બંધ આજ્ઞાપાલકતા વગેરે ગુણોથી યુક્ત હોવો જોઈએ. આવા ગુણોવાળો મહાનટ તે સૂત્રધાર અર્થાત્ નાટકનો દિગ્દર્શક હોય. મુખ્ય પાત્રનો અભિનય કરનાર નાયક કહેવાય, તે સિવાય પણ સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં પ્રતિનાયક, વિદૂષક, રાજા, અમાત્ય, સેનાપતિ, બ્રાહ્મણો, વ્યાપારીઓ, સાધુઓ, ગુપ્તચરો, સેવકો, કંચુકીઓ, વિટો, ન્યાયાધીશો, અલૌકિક પાત્રો (દેવો-ગાંધર્વો, વિદ્યાધરો વગેરે) એમ અનેક પ્રકારનાં પાત્રો હતાં
નટ શબ્દના ઘણા પર્યાયો છે : ભરત, નર્તક, લાસક, શૈલૂષ, કુશીલવ, કૃશાશ્વિન્, શૈલાલિન્ વગેરે. પ્રાકૃત રૂપ ગણાય છે, તેથી નટ તે જ નર્તક. ભરતનાટ્યમ્ નૃત્યનો એક પ્રશિષ્ટ પ્રકાર છે. એથી પ્રાચીન પરંપરામાં નાટકના પોતમાં નૃત્ય પણ અભિન્નપણે વણાયેલું હશે એમ સમજાય છે. નૃત્યનો એક કોમળ પ્રકાર લાસ્ય તેથી નટ = નર્તક = લાસક. નાટ્યશાસ્ત્રના પ્રવર્તક છે ભરતમુનિ, તેથી નટો પણ ભરતો કહેવાયા. જોકે શારદાતનય भृ ‘ધારણ કરવું’ પરથી પાત્રોનાં દેખાવ, વય, ચેષ્ટાઓ, કાર્યો વગેરેને વેશભૂષા, રંગભૂષા, વાણી, ક્રિયાઓ, વ્યક્તિગત સામગ્રી અને ઘણી વાર વ્યક્તિગત લાક્ષણિકતાઓ સમેત ધારણ કરતો હોવાથી નટને ‘ભરત’ કહ્યો એમ સમજાવે છે. કૃશાશ્વ તથા શિલાલિનનાં નટસૂત્રોનો ઉલ્લેખ પાણિનિ(ઈ. સ. પૂ. પાંચમી સદી)નાં વ્યાકરણસૂત્રોમાં છે, તેમના પરથી નટો શૈલાલિન્ – કૃશાશ્વિન્ કહેવાયા, પણ ઈ. સ.ના આરંભ પછી આ નામો જણાતાં નથી. ‘કુશીલવ’ નામનું એક અર્થઘટન ‘કુ (= ખરાબ) શીલ (= ચારિત્ર્ય)વાળાં’ એવું કરાય છે તેમાં નટોની આર્થિક-સામાજિક દશા કારણભૂત જણાય છે; કેમ કે, રાજાઓ અને ધનિકોનું મનોરંજન કરતા અને તેથી અવારનવાર તેમનો આશ્રય પામતા છતાં નટોની આર્થિક અવસ્થા દરિદ્ર જ હતી, તેથી નટમંડળીઓ ગામેગામ ફરતી રહેતી અને નાટ્યપ્રયોગો કરીને લોકાશ્રયે નભતી, એ કારણે તેમજ વિવિધ પાત્રોની ભજવણીને લીધે ઘડાયેલી માનસિકતાને કારણે તેમનામાં નૈતિક શિથિલતા હોવી કંઈક સાહજિક હતી, રામના પુત્રો કુશ અને લવના લોકોમાં વીણાવાદન સાથે ગાઈને આખ્યાનોનો પ્રચાર કરવાના વ્યવસાય સાથે આનો સંબંધ જોડાય છે એવો કીથનો મત વધારે યોગ્ય લાગે છે.
નાટકમાં સ્ત્રી-પાત્રનો અભિનય કરનાર સ્ત્રીને, નટની પત્નીને અને સૂત્રધારની પત્નીને પણ નટી કહે છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્ર અનુસાર નટી પૂર્વરંગના વિધાનમાં, આમુખ–પ્રસ્તાવનામાં, નાટકની ભૂમિકા બાંધવામાં અને આરંભમાં નાટ્યવસ્તુનો સંકેત કરવામાં સૂત્રધારની તેમ જ નટની ક્રિયાઓમાં એની સહાયક હોય છે. પ્રાચીન ગ્રીસમાં સ્ત્રીઓને નાટકમાં ભાગ લેવા અંગે પ્રતિબંધ હતો જ્યારે પ્રાચીન ભારતમાં તો નટી વિનાનું નાટક જ કલ્પી ન શકાય. નાટ્યશાસ્ત્રમાં (અધ્યાય 1) બ્રહ્મા પોતે ભરતાચાર્યને નાટકમાં કૈશિકી વૃત્તિ પ્રયોજવા કહી તે માટે આવશ્યક અપ્સરાઓને સર્જે છે. સમગ્ર નાટ્યશાસ્ત્રમાં નાટકમાં સ્ત્રીનું સ્થાન અને તેની ભાગીદારી સ્પષ્ટ દેખાય છે જે સ્ત્રીની બાબતમાં ભારતીય સમાજનું ઉદાર વલણ દર્શાવે છે. સાધારણ રીતે નાટકમાં સ્ત્રીનું પાત્ર સ્ત્રીઓ જ ભજવતી, પરંતુ સ્ત્રી-પુરુષો પ્રસંગાનુસાર એકબીજાનો વેશ ધારણ કરતાં. એ અંગેના નિયમો નાટ્યશાસ્ત્રમાં આપ્યા છે. (મહાભાષ્યમાં સ્ત્રીવેશધારી પુરુષ માટે ‘ભ્રૂકંસ’ શબ્દ પ્રયોજેલો છે.) ‘કુટ્ટનીમત’માં રત્નાવલી નાટિકાની ભજવણીમાં પુરુષોનાં પાત્રો પણ સ્ત્રીઓએ જ ભજવેલાં એવો નિર્દેશ છે; ‘માલતીમાધવમ્’માં સૂત્રધાર અને તેનો સહાયક બૌદ્ધ સાધ્વીઓના વેશ ધારણ કરે છે એમ સ્પષ્ટ નિર્દેશ છે. શારદાતનય બે પ્રકારનાં નટવૃન્દોનો ઉલ્લેખ કરે છે : એક ઉભયજાતિક તે ‘બાહ્ય’ અને બીજું કેવળ સ્ત્રીઓનું બનેલું તે ‘આંતર’.
અભિનય કરતી વેળા નટના રસાસ્વાદનની પણ ચર્ચા થઈ છે. આચાર્ય અભિનવગુપ્ત આદિ પારંપરિકોના મત અનુસાર નટ-નટી ‘પાત્ર’ છે, ‘પાત્ર’ બનીને માત્ર ‘અભિ-નય’નું (ભાવને સહૃદય સુધી લઈ જવાનું) કાર્ય કરે છે, ‘પાત્ર’ને આસ્વાદ ન હોય, (વસ્તુનો ‘સ્વાદ શું જાણે બરણી ?’) કોઈક અમેરિકન નટીનો પણ અભિપ્રાય હતો કે તે નાટકને માત્ર રિહર્સલો દરમિયાન જ માણી શકતાં, પ્રત્યક્ષ રજૂઆત વેળા અભિનય માત્ર યાંત્રિક બની રહેતો. આની સામે ‘નાટ્યદર્પણ’કાર રામચન્દ્ર–ગુણચન્દ્રનો મત છે કે સહૃદયોને માટે અભિનય કરતાં કરતાં નટ પોતે પણ ક્યારેક એ ભાવનો અનુભવ-આસ્વાદ કરી શકે છે. (જેમ બીજાના આનંદ માટે રતિનો પ્રપંચ-દેખાવ કરતી ગણિકા પોતે પણ ક્યારેક સ્વયં પરમ રતિને અનુભવે છે તેમ.) અર્થાત્, એ નિયમ બની શકે નહીં. ભરતાચાર્યનો સાત્વિક અભિનયનો પ્રકાર કદાચ આવી જ પરિસ્થિતિનો નિર્દેશ કરે છે.
રાજેન્દ્ર નાણાવટી