નટમંડપ / નટમંદિર : ઉત્તર ભારતની નાગર શૈલીમાં બનેલો ઓરિસાનાં મંદિરોનો એક મંડપ. આ મંદિરોમાં મુખ્ય દેઉલ અર્થાત્ ગર્ભગૃહની આગળ જગમંડપ અને પછી નટમંદિર તથા ભોગમંદિર બનાવાતાં. એક જ ધરી પર બનાવાયેલા આ મંડપોમાંના નટમંદિરનો ઉપયોગ ભગવાન સમક્ષ કરાતાં નૃત્ય વગેરે માટે અને ભોગમંદિરનો ઉપયોગ ભગવાનને ભોગ ધરાવવા માટે કરાતો, જ્યારે જગમોહન પૂજાસ્થાન ઉપરાંત ક્યારેક સભામંડપ તરીકે વપરાતું. નટમંદિરનો ઓટલો ઘનાકાર રહેતો અને તેના પર પિરામિડ આકારનો ઘૂમટ બનાવાતો. ભુવનેશ્વરમાં આઠમી સદીથી શરૂ થયેલ અને તેરમી સદીમાં પૂર્ણતા પામેલ મંદિરશૈલીમાં નટમંદિર તથા અન્ય મંડપો મુખ્ય દેઉલની ધરી પર બનાવાયેલાં હતાં. ઓરિસાના મંદિરસ્થાપત્યમાં નિર્માણના જુદા જુદા વિભાગોનું નામકરણ, (ઉત્તર) ભારતીય મંદિરસ્થાપત્ય કરતાં જુદું છે. પરિણામે નૃત્યમંડપને બદલે ત્યાં નટમંડપ વધારે પ્રચલિત લાગે છે.

રવીન્દ્ર વસાવડા