નચિકેતા : ગુજરાતી ભાષાનું સાહિત્યિક માસિક પત્ર. માલિક-તંત્રી કરસનદાસ માણેક. સ્થાપના 1953. ધ્યેય ‘જગતના અમર સર્જકોનો સત્સંગ કરાવતું સ્વાધ્યાય અને રસબ્રહ્મ આરાધનાનું માસિક.’ જગતનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં આપવાના આશય સાથે કરસનદાસ માણેકે આ માસિકપત્ર શરૂ કર્યું હતું. તેમાં મુખ્યત્વે અનુવાદો છપાતા અને તંત્રી તરીકે માણેક ઉપરાંત હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષી તથા શિવકુમાર જોશી જેવા મોટા ગજાના સાહિત્યકારો વિવેચકોએ પોતાની સેવાઓ આપી હતી. રવીન્દ્રનાથ ઠાકુરની કાવ્ય-રચનાઓ તથા મિર્ઝા ગાલિબની શાયરીના ભાવાનુવાદ તેમાં નિયમિત પ્રકાશિત થતા. હરિવલ્લભ ભાયાણીએ ‘નચિકેતા’ માં તે સમયે પંચતંત્રની કથાઓ આધુનિક સ્વરૂપે આપવાનો એક સફળ પ્રયોગ કર્યો હતો અને તેમાં પ્રકાશિત થયેલી વાર્તાઓનું પાછળથી પુસ્તક પણ થયું હતું.
અલકેશ પટેલ