નગોડ : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitex negundo Linn. (સં. निर्गुण्डी ;  હિં. शंबाऱु, शिवारी, निसिन्दा ; બં. નિસિન્દા, નિર્ગુન્ડી. મ. निसिन्दा, निगुडी, निर्गुण्डी, ગુ. નગોડ) છે. તે મોટું, સુરભિત (aromatic). 4.5 મી. ઊંચું ક્ષુપ છે. તેની ઉપશાખાઓ સફેદ ઘન રોમિલ (tomentose) હોય છે. કેટલીક વાર નાના પાતળા વૃક્ષ રૂપે પણ તે જોવા મળે છે. ભારતમાં લગભગ બધે જ તે થાય છે. બહારના હિમાલયમાં તે 1500મી.ની ઊંચાઈ પર થાય છે. તેની છાલ પાતળી, ભૂખરી, પર્ણો 3 થી 5 પર્ણિલ (foliate), પર્ણિકાઓ અખંડિત, ભાલાકાર અથવા ભાગ્યે જ કુંઠદંતી (crenate); અગ્રસ્થ પર્ણિકા 5 થી 10 સેમી. લાંબી અને 1.6 થી 3.2 સેમી. પહોળી, પાર્શ્વસ્થ પર્ણિકાઓ નાની; ઉપરની સપાટીએ અરોમિલ, નીચેની સપાટીએ સફેદ ઘન-રોમિલ, પુષ્પો વાદળી પડતાં જાંબલી, નાનાં સદંડી; પુષ્યવિન્યાસ ઘણે ભાગે સંયુક્ત, લઘુ પુષ્પગુચ્છ (panicle) પિરામિડ આકારનો; પ્રત્યેક શાખા પર પરિમિત પ્રકારનો. ફળ અષ્ઠિલ (drupe); પાકે ત્યારે કાળા રંગનાં, 5 થી 6 મિમી. વ્યાસ; મોટા વજ્ર દ્વારા તલભાગેથી આવરિત.

સપર્ણ નગોડ

તે ઘણી વાર જૂથોમાં થાય છે. નદીકિનારે, ભેજવાળી જમીનમાં, ખુલ્લી પડતર જમીનમાં અને પાનખરનાં જંગલોની નજીક તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. આવા વિસ્તારોમાં તે પુરોગામી (pioneer) તરીકે ઊગી નીકળે છે. રસ્તાની બંને બાજુએ અને ખેતરોની વચ્ચે વાડ તરીકે ઉગાડાય છે અને તેને ઢોર સામાન્યત: ચરતાં નથી. તેનું પ્રસર્જન કટકા રોપણ દ્વારા થાય છે અને તે અધોભૂસ્તારી મૂળ (root suckers) ઉત્પન્ન કરે છે. તેથી ભૂ-ક્ષરણ (soil-erosion) અટકાવવામાં અને વનીકરણ(afforestation)માં ઉપયોગી છે. ખાસ કરીને પૂરની અસર હેઠળ આવેલ વન-ભૂમિને નવસાધ્ય કરવા (reclamation) માટે તેનો ઉપયોગ થાય છે. ભૂમિ ભેજ સંરક્ષણ માટેની આડશો ઊભી કરવામાં અથવા માટી કે પથ્થરના કાચા બંધોને ટેકો આપવા માટેની જીવંત આડશ માટે તે ખૂબ ઉપયોગી છે.

આ વૃક્ષ પુષ્કળ ઔષધિયુક્ત ગુણો ધરાવતું હોવાથી ઘરઆંગણે પણ વાવવા લાયક ગણાય છે. તેનાં પર્ણો તથા કુમળી ડાળી વાતહર, પૌષ્ટિક, જ્વરઘ્ન, રક્તશોધક તેમજ તૃષાશામક ગુણ ધરાવે છે. તેથી તેને પ્લીહા-વૃદ્ધિ તેમજ તાવમાં ક્વાથ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનાં પર્ણો વાટીને ગડગૂમડ તથા સોજા પર ચોપડાય છે અને તેના રસનાં ટીપાં કર્ણરોગમાં ઉપયોગી ગણાય છે. વળી તેનાં પર્ણ સુવાવડી સ્ત્રીનું માથું ધોવા માટે ઉપયોગી ગણાય છે. પર્ણનો ઉકાળો સુવાવડી સ્ત્રીને પાવાથી આંતરિક બગાડ દૂર કરવામાં પણ અકસીર ગણાય છે. નગોડનાં પર્ણોનો તકિયો બનાવી વાપરતાં શરદી, માથાનો દુખાવો વગેરે ફરિયાદોમાં રાહત મળવા ઉપરાંત તે સારી  નિદ્રા લાવનાર પણ ગણાય છે. વાળ માટે ગુણકારી હોવાથી તેનાં પર્ણો તથા પુષ્પ સુંગધીયુક્ત તેલ બનાવવા માટે પણ વપરાય છે.

પર્ણો કીટનાશક (insecticidal) ગુણધર્મો ધરાવે છે અને કીટકોથી રક્ષણ આપવા સંગ્રહેલા દાણાઓ પર મૂકવામાં આવે છે. પર્ણો અને શાખાઓનો નિષ્કર્ષ Micrococcus pyogenes Var. aureus અને Escherichia coli સામે અવરોધક પ્રક્રિયા દર્શાવે છે.

પર્ણોનો નિષ્કર્ષ Ehrlich ascites અર્બુદ-કોષો (tumour-cells) સામે પ્રતિકૅન્સર પ્રક્રિયા દર્શાવે છે. તેનાં મૂળ પર થતી Alectra parasiticaની ગાંઠામૂળીની ભૂકી કુષ્ઠ(leprosy)ની ચિકિત્સામાં વપરાય છે. તેની વિષાળુ અસર હોતી નથી.

તાજાં પર્ણોના બાષ્પ-નિસ્યંદ(steam-distillation)થી આછા લીલાશ પડતા પીળા રંગનું તેલ (0.04 % થી 0.07 %) ઉત્પન્ન થાય છે. તેનું વિ.ગુ. 23°, 0.9215; ઍસિડ મૂલ્ય, 2.7; ઍસ્ટર મૂલ્ય, 24.9; એસિટાઇલ મૂલ્ય, 143.8 જેટલું હોય છે. તેના બંધારણમાં આલ્ડીહાઇડ્સ અને કિટોન્સ, 22.5 % ફીનોલિક વ્યુત્પન્નો 15 %, અને સિનિયોલ 10 % હોય છે.

પર્ણોમાં નિશિન્ડીન (C15 H21 ON, ગ. બિં 266°) અને હાઇડ્રોકોટીલીન (C22 H33 O8N) જેવા આલ્કલૉઇડ્સ હોય છે.

નગોડને મળતી આવતી બીજી જાતિ V trifolia Linn છે. તેને પણ નગોડ કહે છે. તેનું વિતરણ અને તેના ઉપયોગો લગભગ સરખાં છે. તેનાં પર્ણો 3 પર્ણિલ કે સાદાં હોય છે અને પર્ણિકાઓ અદંડી (sessile), ઉપવલયાકાર કે અંડાકાર હોય છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ