નજર ઔર નજરિયા

January, 1998

નજર ઔર નજરિયા (1973) : ઉર્દૂ વિવેચક અલ-એ-અહેમદ સુરૂર (Ale Ahmed Suroor) (જ. 1912-2002)નો વિવેચનગ્રંથ. વિવિધ સાહિત્ય-વિષયો પરના કુલ 13 વિવેચનલેખો આ સંગ્રહમાં છે. ‘કવિતાની ભાષા’ તથા ‘ગદ્યશૈલી’ ઉર્દૂ સાહિત્યવિષયક વિવેચના માટે તદ્દન નવો ચીલો પાડનારા છે. એમાં ઉર્દૂ ભાષાની અભિવ્યક્તિક્ષમતા વિશે સૌપ્રથમ વાર તલસ્પર્શી વિચારસરણી આલેખાઈ છે. ‘વિવેચનની સમસ્યા’ વિવેચકો માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. ‘ભાષાંતર અને પારિભાષિક શબ્દોની સમસ્યા’, ‘સાહિત્યમાં અર્વાચીનતાના અર્થસંકેત’ તથા ‘નવલકથાની આંટીઘૂંટી’ જેવા લેખો લખાયા છે. ઉર્દૂ ભાષા તથા સાહિત્યના સંદર્ભમાં, પરંતુ અન્ય ભાષાના અભ્યાસીઓને માટે પણ તે ખૂબ માહિતીપ્રદ બન્યા છે. ગ્રંથના પ્રથમ લેખ ‘કવિતામાં પ્રતિભા’માં મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો નવતર અભિગમ છે. બીજા કેટલાક લેખો કેવળ ઉર્દૂ ભાષા-સાહિત્યના વિદ્યાર્થીઓ માટે રસપ્રદ નીવડે તેવા છે.

આ વિવેચનગ્રંથને સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી