નગર-વાહનવ્યવહાર (urban traffic) : નગરના માર્ગો તથા તેના પરના વાહનવ્યવહારનું આયોજન, નિર્માણ, વ્યવસ્થાપન તથા નિયંત્રણ. મોટરકાર, બસ, સ્કૂટર આદિ યાંત્રિક વાહનોના વિકાસ સાથે નગરોના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું. મધ્યમાં મૂળ નગર અને ફરતાં પરાં તથા સોસાયટીઓ એ પ્રકારની રચના વ્યાપક બની. સરળ માર્ગો નગરની રક્તવાહિનીઓ જેવા મહત્ત્વના બન્યા. તે વિના નગરનું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક જીવન અસંભવિત બન્યું.
નગરમાર્ગોના ત્રણ વર્ગો પાડી શકાય : મુખ્ય, ગૌણ અને શેરી. મુખ્ય માર્ગોમાં બે ઉપવર્ગ પાડી શકાય : પ્રમુખ માર્ગો અને શીઘ્રમાર્ગો (express ways) અથવા મુક્તમાર્ગો (free ways). ગૌણમાર્ગો ઘણી વાર સમાયોજનનું કાર્ય કરે છે.
વર્તમાન યુગમાં નવાં નગરો અલ્પ સમયમાં વસતાં નથી. મોટેભાગે જૂનાં નગરો સમય પ્રમાણે નવાં બનવા મથતાં જણાય છે. વિકસતાં નગરોમાં માર્ગોને વિકાસની માગને અનુરૂપ કરવાં એ મોટો પડકાર બન્યો છે. માર્ગ-આયોજન અથવા માર્ગસુધારણા માટે ઘણા મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડે છે; જેમ કે, ટ્રાફિકનું પ્રમાણ, ઇષ્ટ વાહનગતિ, વાહનોનાં પરિમાણ, હાંકવાની રીતભાત, વાહનોની કામગીરી, ભૂમિની સ્થિતિ અને સૌથી મહત્ત્વનું આ બધાં ક્ષેત્રોમાં સમયાંતરે થતાં પરિવર્તનો.
ટ્રાફિકનો અભ્યાસ : વાહનોની માત્રા તથા પ્રવાહના સ્વરૂપથી ટ્રાફિક ઇજનેર પરિચિત હોવો જોઈએ.
સારણી 1 : ભારતમાં વાહનોનાં માપ
વાહન-પ્રકાર | લંબાઈ
(મી.) |
પહોળાઈ
(મી.) |
વાહન-પ્રકાર |
ઊંચાઈ (વધુમાં વધુ મી.) |
બસ
સાઇકલ-રિક્ષા બે ધરીનું યુનિટ બેથી વધારે ધરી ટ્રૅક્ટર અર્ધ ટ્રેલર સાથે ટ્રૅક્ટર ટ્રેલર સાથે |
8.0 2.0 10.67 12.19 15.24 18.24 |
2.40 1.25 2.44 2.60 2.75 2.75 |
સિંગલ ડેકર
ડબલ ડેકર બંને માટે પહોળાઈ બંને માટે લંબાઈ
|
3.81 4.72 2.44 10.67 |
સારણી 2 : વાહનોના પ્રકાર અને ગણતરી માટે સરખામણી–આંક
અનુક્રમ | વાહનોનો પ્રકાર | સરખામણી-આંક |
1. 2. 3. 4. 5. 6. |
પૅસેંજર કાર, ટૅમ્પો, ઑટોરિક્ષા
સાઇકલ, મોટર-સાઇકલ, સ્કૂટર સાઇકલ-રિક્ષા ટ્રક, બસ, ટ્રેલર સાથે ટ્રૅક્ટર ઘોડાગાડી બળદ કે ઊંટગાડી |
1.0 0.5 1.5 3.0 4.0 7.0 |
સારણી 3 : માર્ગનો પ્રકાર અને તેની ક્ષમતા
અનુક્રમ | માર્ગનો પ્રકાર | ક્ષમતા |
1. | એક લેન 3.75 મી. પહોળો કૅરેજ-વે | 2,500 |
અને બંને બાજુ 1 મી. પહોળો ફૂટપાથ | ||
2. | 5.5 મી. પહોળા કૅરેજ-વેવાળો માર્ગ | 5,000 |
3. | બે લેન 7.0 મી. પહોળો કૅરેજ વે | 10,000 |
4. | ચાર લેન (બબ્બે લેનમાં વિભાજિત) | 20,000થી |
ધોરી માર્ગ | 30,000 |
સારણી 4 : વાહનોના પ્રકાર મુજબ સંગમ આગળ ઓછામાં ઓછી વળાંકરેખા
વાહનનો પ્રકાર | લંબાઈ | પહોળાઈ | માર્ગ પહોળાઈ | ઓવરહૅન્ગ | |
1. | કાર મી. | 6.10 | 2.10 | 2.60 | 0.40 |
2. | બસ કે ટ્રક મી. | 10.67 | 2.44 | 3.90 | 0.60 |
નોંધણી : જે માર્ગના પ્રવાહનું નિર્ધારણ કરવાનું હોય તે માર્ગ ઉપર જતાંઆવતાં વાહનોની સંખ્યાની ગણતરી કરનાર તથા નોંધણી કરનાર ઉપકરણો અત્યાર સુધી સરળ યાંત્રિક રચના ધરાવતાં ધીમાં અને ક્યારેક ચોકસાઈમાં ઊતરતાં એવાં વપરાતાં હતાં. હવે ત્વરા અને ચોકસાઈમાં ઘણાં ચડિયાતાં વીજાણુ-ઉપકરણો ઉપલબ્ધ થયાં છે. હવે વપરાતાં ચાર પ્રકારનાં ઉપકરણોમાં વાયુતરંગ-ગણક (air-impulse counter); ચુંબકીય નોંધકારક (magnetic recorder); પ્રકાશવીજ-નોંધકારક (photoelectric recorder) તથા રડાર-નોંધકારક (radar recorder). આ ઉપકરણો દ્વારા દર કલાકનાં પરિવર્તનો અને નિશ્ચિત બિંદુના એકત્ર દૈનિક પ્રવાહની નોંધ કરવામાં આવે છે. માર્ગતુલા નામનાં ઉપકરણો વડે ભારવાહકોના ભારની ચકાસણી કરવામાં આવે છે. આ રીતે વધારે પડતા ભારવાળાં વાહનોની નોંધ કરી શકાય છે. વાહનોના સરાસરી ભારની જાણ પણ થાય છે. માર્ગની પહોળાઈ જેવી બાબતોનો નિર્ણય આ માહિતીના આધારે લેવાય છે.
ઉદગમ અને ગંતવ્ય અભ્યાસ : સંપૂર્ણ માર્ગપ્રણાલીનું નવસંસ્કરણ કરવાનું હોય અથવા સાવ નવેસરથી માર્ગપ્રણાલીનું નિર્માણ કરવાનું હોય ત્યારે આવશ્યકતાઓની પૂરી સમજ મેળવવા વિશેષ ઉપકરણો તથા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે; જેમ કે, ઉદગમ અને ગંતવ્ય અભ્યાસ (origin and destination study), જેમાં ઘેર ઘેર ફરીને નિર્ધારિત પ્રશ્નોત્તરીના ઉત્તરો નોંધવામાં આવે છે. વિસ્તાર ઘણો મોટો હોય તો પૂર્વનિર્ધારિત ટકાવારી પ્રમાણે કાર્યને સીમિત કરવામાં આવે છે. આથી ખર્ચ પણ ઘટાડી શકાય છે. બીજી પદ્ધતિને ઘેરાપદ્ધતિ (cordon method) કહે છે. આમાં ઠરાવેલા દિવસે ઠરાવેલી સમયાવધિમાં તપાસ હેઠળના વિસ્તારનાં નક્કી કરેલાં નાકાં કે ખૂણાઓએથી પસાર થતા દરેક વાહનને થોભાવીને તેના ચાલક પાસેથી જોઈતી માહિતી મેળવીને નોંધ કરવામાં આવે છે. યાત્રાનો સમય, યાત્રાનો હેતુ, નિશ્ચિત કરેલો માર્ગ, ગંતવ્ય સ્થાને વાહન મૂકવાનો પ્રકાર, સૂચનો આદિની નોંધ સામાન્ય છે.
સારણી 5 : ગતિ–આધારિત યોગ્ય માર્ગ અને ઓળંગણ(crossing)નાં પ્રમાણો
અનુક્રમ | પરિસ્થિતિ | નિર્ધારિત કિમી. પ્રતિ કલાકે ગતિનાં પ્રમાણો |
1. | સીધા રસ્તા પર ગતિ | 30 40 50 65 80 95 |
2. | ચકરાવા-દ્વીપ ફરતી ગતિ | 25 30 40 50 55 65 |
3. | પગથીની ધાર પરની કે કર્વની | |
ઓછામાં ઓછી ત્રિજ્યા મી. | 17 17 30.5 40 55 76 | |
4. | મધ્યદ્વીપનો સૌથી ઓછો | |
(i) વ્યાસ સુપર એલિવેશન સાથે | 30.5 43 64 85 146 195 | |
(ii) સુપર એલિવેશન સિવાય | 30.5 37 55 77 116 165 | |
5. | વીવિંગ લંબાઈ મી. | |
(i) ઓછામાં ઓછી | 27 30 45 55 64 73 | |
(ii) વધુમાં વધુ | – 60 90 122 152 183 | |
6. | ચકરાવા ફરતા કૅરેજ-વેની પહોળાઈ | – 6.7 થી 9.1 મી. |
નિયુક્ત કલાક : ધોરી માર્ગ તથા મુખ્ય માર્ગના આયોજન જેવા કાર્યમાં આ ઉપયોગી વિગતોનો સમાવેશ થાય છે : (1) વર્તમાન સુવિધાનો ઉપયોગ કરતો દૈનિક સરાસરી વાહનપ્રવાહ અથવા આવી સુવિધા ઉપલબ્ધ થાય તો તેનો લાભ લેનારું સંભવિત પ્રમાણ, (2) ઠરાવેલી અવધિનાં વર્ષોમાં દૈનિક સરાસરી ટ્રાફિકનું પૂર્વાનુમાન (estimate), (આ અવધિ 20 વર્ષની કે તેથી લાંબી હોય છે.) (3) અનુમાનિત ભીડસમયના ટ્રાફિકનું દિશાવાર સંભવિત પ્રમાણ, (4) યાત્રી-કારની સરખામણીમાં ખટારા તથા અન્ય વેપારી વાહનોનું અનુમાનિત પ્રમાણ, (5) નિયુક્ત કલાકની ટ્રાફિક માત્રા. દિવસે અને રાત્રે બધો સમય વાહનવ્યવહાર એકધારો હોતો નથી. તેથી, આયોજન વધારેમાં વધારે ભીડવાળા ગાળાને અનુલક્ષીને કરવામાં આવે છે. ઘણુંખરું એક કલાકનો ગાળો પસંદ કરાય છે. અનુભવે જણાયું છે કે એક પ્રણાલી વધુમાં વધુ પ્રવાહને એક કલાકના સમય સુધી સક્ષમ રીતે નિભાવી શકે તો તે વધારે લાંબા સમય સુધી પણ કાર્યક્ષમ રહે છે.
ક્ષમતાની ગણતરી : 3.6 મી. પહોળો એક માર્ગ દર કલાકે 1,200 વાહનોના અવિરત પ્રવાહ માટે સક્ષમ મનાયો છે. સંજોગોની વિશિષ્ટતા અનુસાર આ આંકમાં વધઘટ કરવામાં આવે છે. હવે આ 1200નો આંક ઘટાડે તેવાં પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તદનુસાર આંકનું નવેસરથી નિર્ધારણ કરવામાં આવે છે. આ આંક તથા નિયુક્ત કલાકના આંકના આધારે માર્ગમાં વાહિનીઓની સંખ્યા નિશ્ચિત કરવામાં આવે છે.
સારણી 6 : ગતિના આધારે સ્ટૉપિંગ અંતર
ગતિ કિમી./કલાકે | 8 | 16 | 24 | 32 | 40 | 48 |
સ્ટૉપિંગ અંતર મી. | 6 | 14 | 23 | 33 | 45 | 60 |
સારણી 7 : જુદા જુદા પ્રકારના નગરરસ્તાઓ માટે રચના–ગતિ
રસ્તાનો પ્રકાર | મુખ્ય માર્ગ | અર્ધમુખ્ય | મળતો માર્ગ | શેરીમાર્ગ |
ગતિ કિમી./કલાક | 80 | 60 | 50 | 30 |
સુરક્ષાની દૃષ્ટિએ વેગમર્યાદામાં રાખીને વાહન હાંકવામાં આવે તો માર્ગની ક્ષમતા કેટલી હોય તેનો આધાર દૃષ્ટિઅંતર, વળાંક, ઢાળ, માર્ગની પહોળાઈ, માર્ગની સપાટીની ગુણવત્તા, વચ્ચે આવતા સંગમોની સંખ્યા, બસ-થોભોનાં અંતરો, પુલ પાસે શક્ય વિલંબ, માલ-સામાન ચડાવ-ઉતારનાં સ્થળો અને તેમની સંખ્યા, ચાર રસ્તા જેવા સંગમો પર ટ્રાફિકનિયંત્રણની પદ્ધતિ, સામી દિશામાં વળવાની છૂટ અથવા તેનો નિષેધ, યાત્રી-કારની સરખામણીમાં ભારે વાહનોનું પ્રમાણ, સૂચક પાટિયાંની પૂરતી વ્યવસ્થા, વાહનો ઊભાં રાખવાની તથા ચાલુ પ્રવાહમાં પ્રવેશવાની સુગમતા, માર્ગ પર દીવાની વ્યવસ્થા, ઋતુ, સામી દિશામાંથી આવતાં વાહનો માટે વચ્ચે પાળી દ્વારા છૂટા રહેવાની સગવડ આદિ અનેક પરિબળો ઉપર આધાર રાખે છે. ઢાળ પાસે સંગમ હોય તેથી ક્ષમતા પર માઠી અસર પડે છે. પ્રવાહ ધીમો અને નાનો હોય તો સંગમ પાસે ‘થોભો અને જાઓ’ સૂચવતા દીવાની જરૂર પડતી નથી. પ્રવાહ વધે તો આ દીવાની વ્યવસ્થા આવશ્યક બને છે. ભીડ સમયે યાંત્રિક વ્યવસ્થા ઉપરાંત ટ્રાફિક પોલીસની જરૂર પણ પડે છે. ટ્રાફિક-દીવામાં બે પ્રકારની સગવડ હોય છે : (1) પૂર્વનિર્ધારિત સમય પ્રમાણે એકધારી રીતે ચાલુબંધ થતા દીવા. (2) વીજાણુ-પરિચાયકો દ્વારા નોંધાતી વાહનોની અવરજવરની વધઘટ પ્રમાણે આપમેળે સમયગાળામાં વધઘટ કરતી પદ્ધતિ પ્રમાણેના દીવા. સંગમો તથા વાહનોના વચ્ચે વચ્ચે ઊભા રહેવાનાં કારણોને લીધે નગરમાર્ગો ઉપર સુરક્ષિત વેગ કલાકે 40 કિમી.થી ભાગ્યે જ વધી શકે છે.
પ્રવેશનિયંત્રણ : મુખ્ય માર્ગમાં સંગમના સ્થળેથી પ્રવેશ મેળવવાનાં દ્વારોની સંખ્યા ઘટાડીને મુખ્ય માર્ગની ક્ષમતા સુધારી શકાય છે. ચાર રસ્તા મળે ત્યાં ઉપર કે નીચે પુલ જેવી રચના કરી માર્ગોને છૂટા પાડવાથી બંને માર્ગોનો પ્રવાહ વણરોક ચાલી શકે છે. સડક અને પાટામાર્ગને આ રીતે એકબીજાને નડે નહિ, તે રીતે વણરોક ચાલુ રાખી શકાય છે.
સંગમગૂંથણી (junction) : એવી માર્ગવ્યવસ્થા, જેમાં સંગમમાં મળતા કોઈ પણ માર્ગનો પ્રવાહ બીજા કોઈ પણ માર્ગ પર વેગ વધારે પડતો મંદ કર્યા સિવાય સરળતાથી પ્રવેશ મેળવી શકે છે. તેમાં માર્ગનાં તલ અને વળાંકોને નિશ્ચિત ઢાંચામાં ઢાળવામાં આવે છે. આના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે : દિશાવર્તી, ચતુષ્પર્ણી હીરક (diamond), વર્તુળ (round) અને મિશ્ર. સાદી દિશાવર્તી Y સંગમગૂંથણીનો મુખ્ય લાભ એ છે કે દરેક માર્ગ પર ઊંચો વેગ મેળવવાનું શક્ય બને છે.
જટિલ, દિશાવર્તી, ચતુષ્પર્ણી ગૂંથણીમાં વેગ ધીમો કરવો જરૂરી બને છે. હીરકગૂંથણીમાં જમણો વળાંક અઘરો બને છે. વળી, તેમાં નિયંત્રણ-સંકેતો વિના ચાલતું નથી. આનો લાભ એ કે તેમાં ઓછામાં ઓછી જગ્યા વપરાય છે :
ઘણા માર્ગો મળતા હોય ત્યાં વર્તુળગૂંથણી ઉપયોગી છે. પણ તેમાં વાહનોને ધીમા વેગે વર્તુળોનાં ચક્કરો મારવાં પડતાં હોવાથી પ્રવાહ મંદ પડી જાય છે. સંગમગૂંથણીની પસંદગી માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા પડે છે;
દા. ત., પ્રવાહની માત્રા, માર્ગોની સંખ્યા, વિવિધ માર્ગો પરના પ્રવાહનું પ્રમાણ, સંગમગૂંથણી માટે ઉપલબ્ધ ભૂમિ, તલરચના કે ભૂપૃષ્ઠ, ખર્ચનું અનુમાન. ઘણી વાર એવું બને છે કે નાણાંની ખેંચ સમાધાનના વલણની નિર્ણાયક બને છે.
વાહનો ઊભાં રાખવાનાં ક્ષેત્રો : વાહનો માર્ગ પર ગતિમાન ન હોય ત્યારે કોઈ ને કોઈ સ્થળે ઊભાં રાખેલાં હોય છે. નગર-પરિવહનના આયોજનમાં વાહનો ઊભાં રાખવાનાં એટલે કે પાર્કિંગ માટેનાં ક્ષેત્રોનો પણ વિચાર કરવો પડે છે. આ માટે વિચારવાજોગ મુદ્દાઓ આ છે : ઇષ્ટ ક્ષેત્રવિસ્તાર (desired area), વર્ગ, સ્થાન, માર્ગ સાથેનું જોડાણ, પ્રવેશ અને નિર્ગમની સુવિધા આદિ.
વાહનનિયંત્રણ : આધુનિક નગરપરિવહનની નિયંત્રણવ્યવસ્થા સર્વગ્રાહી હોવી જરૂરી છે. એટલે કે તેમાં પગે ચાલતા નાગરિકથી માંડીને વેગીલી મોટરકારના પ્રવાસી સુધી વિવિધ પ્રકારનાં વાહનોના નિયંત્રણ માટે વિચારાયું હોય છે. ટ્રાફિક-પોલીસના આ કષ્ટદાયક કામમાં હવે સ્વયંચાલક વીજાણુ-ઉપકરણોની સહાય મળતી થઈ છે; દા. ત., લાલલીલા દીવા, પ્રવાહની નોંધ કરતાં સ્કૅનર, પાર્કિંગ મીટર આદિ. માર્ગસૂચક નિશાનીઓની જેમ અહીં પણ વિશ્વના બધા દેશો માટે સમાન પદ્ધતિ માટે સૂચનો થતાં રહે છે. આ માટે ભાષા વિનાનાં ચિત્રાત્મક પ્રતીકો ઉપયોગી નીવડ્યાં છે.
ભૂગર્ભમાર્ગ : અગાઉ મોટાં નગરોમાં મુખ્ય માર્ગો ઉપર પાટા ઉપર ટ્રામ ગાડીઓ દોડતી હતી. બસના આગમન પછી બસ વધારે સગવડવાળું વાહન જણાતાં ટ્રામોનો ઉપયોગ બંધ પડ્યો. પણ, હવે બસની મર્યાદાઓ પણ સ્પષ્ટ થવા લાગી છે. બીજી અગવડો સાથે તે પ્રદૂષણની દૃષ્ટિએ પણ વાંધાજનક વાહન જણાયું છે. પશ્ચિમના દેશો ફરી ટ્રામવ્યવહાર તરફ વળ્યા છે. મહાનગરોમાં કેન્દ્રવર્તી ભીડવાળા વેપારક્ષેત્ર સુધી પહોંચવા માટે મર્યાદિત અંતરના ભૂગર્ભમાર્ગો બહુ ઉપયોગી જણાયા છે. તેમાં વેગનું નડતર નથી. વળી, મોટી સંખ્યામાં યાત્રીઓની બંને દિશામાં હેરફેર શક્ય બને છે. જગ્યાનો પ્રશ્ન નડતો નથી. એકપાટી (mono-rail) ગાડીનું આગમન ભારે આશાસ્પદ જણાયું હતું, પણ વ્યવહારમાં કોઈ ને કોઈ કારણસર તેનો પ્રચાર વધ્યો નથી. તે પ્રદર્શનોમાં કેવળ મનોરંજનનું સાધન બની રહી છે. લંડન, મૉસ્કો, ટૉરેન્ટો, ન્યૂયૉર્ક આદિ મહાનગરોમાં ભૂગર્ભમાર્ગો આશીર્વાદ સમાન નીવડ્યા છે. ભારતમાં રશિયાની સહાયથી કૉલકાતામાં ભૂગર્ભમાર્ગ કામ કરતો થયો છે તે પણ ઉપયોગી ઠર્યો છે.
ભવિષ્યનું પરિવહન : ઇજનેરોની કલ્પના છે કે ભવિષ્યમાં ભૂતલમાર્ગો પર કેવળ પદયાત્રી જ ચાલતા જોવા મળશે. પાટાગાડી, ખટારા, મોટરકાર આદિ વાહનો ભૂગર્ભ માર્ગો પર ચાલતાં હશે. નાનાં જૂથો માટે રિક્ષા જેવાં, પણ પૂર્ણતયા બંધ સંપુટ (closed capsule) જેવાં અતિવેગી વાહનો હશે. ગુરુત્વબળ અને વાયુદાબ વડે બે સ્થળો વચ્ચે ડબાવાળી ગાડીઓ ટોળાબંધ લોકોને અતિવેગથી સ્થળાંતર કરાવતી હશે.
સુમન ર. શાહ