નગરા : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલું ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતું પ્રાચીન ગામ. સ્થાન: 22° 21´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.. તે ખંભાતથી 6.4 કિમી. દૂર આવેલું છે. એમ કહેવાય છે કે તે પ્રાચીન કાળમાં બંદર હતું અને કદાચ આ સ્થાન જ જૂનું ખંભાત હતું. ગ્રીકો તેને મહીનગર (મિન્નાગર) તરીકે ઓળખતા, જેનો ઉલ્લેખ ટૉલેમી અને પેરિપ્લસ દ્વારા થયેલો છે.

નગરમાં ત્રણ તળાવો, કોટેશ્વર કુંડ, ભગ્ન વાવ તથા પાંચેક અન્ય મંદિરો આવેલાં છે. કોટેશ્વર કુંડ નજીક શ્રાવણની અમાસને દિવસે મેળો ભરાય છે. અહીં એક પ્રાથામિક શાળા, જાહેર દવાખાનું, પોસ્ટઑફિસ તથા પુસ્તકાલય છે.

ઈ. સ. પૂ. પ્રથમ સહસ્રાબ્દીના મધ્યકાળ દરમિયાન અહીં લોખંડનો ઉપયોગ કરતા લોકો વસતા હતા. તે કાળના કાળા અને લાલ રંગથી ચિત્રિત કરેલાં મૃદ્-પાત્રોના અવશેષો મળે છે. ગંગાના ખીણપ્રદેશની N.B.P. (Northern black pottery) પ્રકારનાં મૃદ્-પાત્રોવાળી સંસ્કૃતિની તેમાં અસર વરતાઈ આવે છે. ઈ. સ. પૂ. નગરાના વિકાસનો તબક્કાવાર પ્રારંભ થયો હતો. પહેલા તબક્કા દરમિયાન ગામ નાનું હતું. બીજા તબક્કા દરમિયાન તેનો આંતરરાષ્ટ્રીય બંદર તરીકે વિકાસ થયો હતો. આ બે તબક્કા દરમિયાન છીણી, બાણનું ફળું (ટોપકું), મસ્તક વિનાના ધડવાળી પથ્થરની મૂર્તિઓ, અકીક અને કાર્નેલિયનના મણકાઓ, શંખની બંગડીઓ, પંચમાર્ક કે આહત સિક્કાઓ, રોમન મૃદ્-પાત્રોના અવશેષો વગેરે મળે છે. ત્રીજા તબક્કા દરમિયાન મહી અને સાબરમતી નદીઓએ લાવેલા કાંપના જમાવને કારણે બંદર પુરાઈ જતાં નગરાની વસ્તી તથા સમૃદ્ધિમાં ઓટ આવી હતી.

મૈત્રક કાળ દરમિયાન ધ્રુવસેન પહેલાનાં ઈ. સ. 529નાં, ધરસેન ચોથાનાં ઈ. સ. 648નાં અને શીલાદિત્ય ત્રીજાનાં ઈ. સ. 665નાં દાનશાસનોમાં નગરા(નગરક)નો ઉલ્લેખ છે. જયાદિત્યના સૂર્યમંદિરના સંસ્કૃત શિલાલેખમાં પણ નગરાનો ઉલ્લેખ છે. ગુજરાતના જૈન સાહિત્યમાં મળતી નોંધ મુજબ ઉજ્જૈનનો વિક્રમાદિત્ય અહીંના સ્થાનિક રાજ્યકર્તાનો દૌહિત્ર થતો હતો, જેના પૂર્વજો આનંદપુર(આણંદ)માં રાજ કરતા ગર્દભિલ્લ હતા. અહીંથી ઘસાયેલી બુદ્ધ-મૂર્તિઓ તથા બ્રહ્મા અને સૂર્યની મોટી અને ઊંચી આરસની બનાવેલી કલાત્મક મૂર્તિઓ પણ મળેલી છે. મધ્યકાલીન નગરામાંથી અકીકના મણકા મળ્યા છે. નગરામાં આજે પણ અકીકના મણકા બનાવવાનાં કારખાનાં છે.

શિવપ્રસાદ રાજગોર