નગરપંચાયત

January, 1998

નગરપંચાયત : લોકશાહી વિકેન્દ્રીકરણ દ્વારા ગ્રામવિકાસ સાધવા માટે ભારતમાં આઝાદી પછી રચવામાં આવેલ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો એક ઘટક. ભારતને આઝાદી મળ્યા પછી દેશના સર્વાંગી વિકાસ માટે સામુદાયિક વિકાસયોજનાઓ તથા રાષ્ટ્રીય વિસ્તરણ સેવાઓ દાખલ કરવામાં આવી હતી, જેમનું મૂલ્યાંકન કરવા માટે 1975માં ભારત સરકારે તે વખતના સંસદસભ્ય અને પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી (1963–65) બનેલા બળવંતરાય મહેતાના પ્રમુખપણા હેઠળ રચેલી સમિતિએ ત્રણ સ્તરીય માળખાની ભલામણ કરી હતી : ગ્રામપંચાયત, પંચાયતસમિતિ તથા જિલ્લાપરિષદ. સમિતિએ એવું પણ સૂચવ્યું હતું કે પંચાયતી રાજની સ્થાપના કરતી વેળાએ રાજ્યો પોતપોતાની વિશિષ્ટ પરિસ્થિતિ મુજબ તેમાં ઘટતા ફેરફારો કરી શકે છે. મે, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં જુલાઈ, 1960માં તે વખતના રાજ્યના મહેસૂલમંત્રી રસિકલાલ પરીખના પ્રમુખપણા હેઠળ નવા રાજ્યમાં પંચાયતી રાજના માળખા અંગે સુગ્રથિત ભલામણો કરવા માટે રાજ્યસ્તરની એક સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ ગુજરાત રાજ્ય માટે પંચાયતી રાજ હેઠળ ત્રણ સ્તરીય માળખાની ભલામણ કરી હતી. સૌથી નીચલા સ્તરે ગ્રામ/નગરપંચાયત તાલુકા કક્ષાએ તાલુકાપંચાયત તથા જિલ્લાકક્ષાએ જિલ્લાપંચાયત. સમિતિની ભલામણોને  અનુલક્ષીને 1961માં રાજ્યમાં ગુજરાત પંચાયત ઍક્ટ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારપછી તે અંગેના અધિનિયમો ઘડવામાં આવ્યા હતા. તે મુજબ જે ગામડાંઓની વસતી દસ હજાર કરતાં ઓછી હોય ત્યાંના ઘટકને ગ્રામપંચાયત અને જે ગામડાંઓની વસતી દસ હજાર અથવા તેનાથી વધારે; પરંતુ વીસ હજાર કરતાં ઓછી હોય તેના ઘટકને નગરપંચાયત કહેવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવી. તેવી જ રીતે ગ્રામપંચાયતના સભ્યોની સંખ્યા 7–15 નિર્ધારિત કરવામાં આવી જ્યારે નગરપંચાયતના સભ્યોની સંખ્યા 15–21 નિર્ધારિત કરવામાં આવી. ગ્રામપંચાયતના ચૂંટાયેલા ટોચના બે હોદ્દેદારો સરપંચ અને ઉપસરપંચ કહેવાશે જ્યારે ગુજરાત પંચાયત (ઍમેન્ડમેન્ટ) ઍક્ટ, 1973ની જોગવાઈ મુજબ નગરપંચાયત પોતાના સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પાંચ વર્ષના સમયગાળા માટે કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી, ઉપરાંત નગરપંચાયતના સભ્યોની કુલ સંખ્યામાં 4થી 5 બેઠકો બહેનો માટે આરક્ષિત કરવામાં આવી છે. નગરપંચાયતોમાં બહેનો ઉપરાંત અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માટે પણ આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે, જેની સંખ્યા જે તે જાતિની વસ્તીને ધ્યાનમાં રાખીને નક્કી કરવાની સત્તા રાજ્યસરકારને આપવામાં આવી છે.

નગરપંચાયતના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ સામે B ની બહુમતીથી પંચાયતના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે તો તેમને તેમના પદ પરથી હઠાવી શકાય છે. આ હોદ્દદારો તેમનો સમય પૂરો થાય તે પહેલાં લેખિત અરજી કરીને હોદ્દાનું રાજીનામું આપી શકે છે.

નગરપંચાયતના અધ્યક્ષનું કાર્ય તેના નેજા હેઠળની પંચાયતે પસાર કરેલા ઠરાવોનો મુખ્યત્વે અમલ કરવાનું હોય છે. પંચાયતના વહીવટી તંત્રની સુગમતા માટે તેમાં કેટલીક સમિતિઓની રચના કરવામાં આવતી હોય છે જેમાં સામાજિક ન્યાય સમિતિ, કારોબારી-સમિતિ, ઉત્પાદન-સમિતિ, બાંધકામ-સમિતિ અને આરોગ્ય-સમિતિનો સમાવેશ થાય છે. સામાજિક ન્યાય સમિતિની મુદત પાંચ વર્ષની જ્યારે અન્ય સમિતિઓની મુદત બે વર્ષની હોય છે. ઉપરાંત, વિવાદોનો નિકાલ કરવા માટે સમાધાન-પંચ તથા ન્યાયપંચની રચનાની જોગવાઈ પણ છે.

નગરપંચાયતનાં કાર્યો શરૂઆતથી વિશાળ છે અને સમયાનુસાર તે વિસ્તરતાં જાય છે ; જેમાં સ્વાસ્થ્ય, સફાઈ, જાહેર બાંધકામ, શિક્ષણ, આર્થિક આયોજન, સામૂહિક વિકાસ, ખેતીવાડી, પશુસંવર્ધન, ગ્રામોદ્યોગ ઉપરાંત લોકો માટે પીવાના પાણીની સગવડ, ગામડાંના રસ્તાઓની સાચવણી, શાળાનાં મકાનોની સાચવણી, રાત્રીના સમય દરમિયાન ગામડાંમાં પ્રકાશની સગવડ વગેરેનો સમાવેશ થાય છે.

નગરપંચાયત સફળતાથી તેનાં કાર્યો ફરી શકે તે હેતુથી નાણાકીય સાધનો ઊભાં કરવાની સત્તા એને આપેલી છે; જેમાં મકાનવેરો, ઑક્ટ્રૉય, વ્યવસાયવેરો, પાણીવેરો વગેરે ઉપરાંત ફીની આકારણી, સરકારી અનુદાન, લોન અને લોકફાળા જેવાં સાધનોનો સમાવેશ થાય છે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા