નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી.
તેથી અહીં આપેલ નક્ષત્રપટના આધારે પૃથ્વી ઉપરનો માનવી નક્ષત્રો અને તારાઓને ઓળખી શકશે.
વિષુવવૃત્તથી ઉત્તરે અનુક્રમે આશ્લેષા, રેવતી, શ્રવણ, મૃગશીર્ષ, મઘા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા ભાદ્રપદા, પૂર્વાભાદ્રપદ, પૂર્વા ફાલ્ગુની, ધનિષ્ઠા, રોહિણી, આર્દ્રા, પુષ્ય, સ્વાતિ, અશ્વિની, કૃત્તિકા, ભરણી, પુનર્વસુ, અભિજિતનો માર્ગ અનુક્રમે રહેલો છે.
એ જ રીતે વિષુવવૃત્તની દક્ષિણે-દક્ષિણ આકાશમાં અનુક્રમે શતભિષા (શતતારા), ચિત્રા, વિશાખા, હસ્ત (વ્યાધ), ઉત્તરાષાઢા, અનુરાધા, પૂર્વાષાઢા, જ્યેષ્ઠા, મૂળ અને અગસ્ત્યનો માર્ગ છે.
આ નક્ષત્રપટમાં 1થી 24 સુધી આંકડાની વચ્ચેનું અંતર ચાર કલાકનું છે. વસંતસંપાત 0 કલાકથી શરૂ થાય છે. આખા પટને 24 કલાકમાં વિભાજિત કરવામાં આવેલ છે. વસંતસંપાત સાયન મેષારંભ બિંદુ છે. તેની વિરુદ્ધમાં સામે શરદસંપાત બિંદુ દર્શાવ્યું છે.
સૂર્ય 0થી 12 સુધીના ભાગમાં હોય ત્યારે તેની ક્રાંતિ ઉત્તર તરફ હોય, ઉપરના ચિત્રમાં ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તની ઉત્તરે છે. ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે 23°-27’ નું અંતર હોય છે. 12થી 24 સુધીના ભાગમાં ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તથી દક્ષિણ દિશાએ છે. આકાશમાં જે તારાત્મક નક્ષત્રો છે તે અસમાન અંતરે છે. સરળ સમજ માટે નક્ષત્રપટને સત્તાવીસ ખંડમાં વહેંચી નાખેલ છે. નક્ષત્રપટમાં બાજુમાં અંશો દ્વારા ક્રાંતિ દર્શાવી છે. (0) ક્રાંતિ દર્શાવતી રેખા વિષુવવૃત્ત છે. તેની ઉત્તર-દક્ષિણેથી પસાર થતી રેખા ક્રાંતિવૃત્ત છે. તેની આજુબાજુ નક્ષત્રો છે.
આ નક્ષત્રપટમાં આપવામાં આવેલ નક્ષત્રપટની તારીખ નીચે
મુજબ છે :
(1) 22 સપ્ટેમ્બરના આકાશની સ્થિતિ દર્શાવે છે.
(2) 21 માર્ચના આકાશની સ્થિતિ દર્શાવે છે.
ધ્રુવનો તારો તે સ્થળના અક્ષાંશ જેટલો ઊંચો હોય છે; જેમ કે, ગુજરાત 20°થી 25° અક્ષાંશ ઉપર હોઈ, ધ્રુવનો તારો 20° થી 25° ગુજરાતના એ જ સ્થળથી ઊંચો હોય છે. આથી દક્ષિણ ધ્રુવના તારાઓ ગુજરાતમાંથી ક્યારેય દેખાશે નહિ. દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ આથી ઊલટી સમજવી.
બટુક દલીચા