નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા.
નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં લગ્નથી તેને નિરમિત્ર નામક પુત્ર પણ પ્રાપ્ત થયો હતો.
યુધિષ્ઠિરના રાજસૂય-યજ્ઞ વખતે પશ્ચિમનાં રાજ્યોને જીતીને, 10,000 ઊંટો પર લાદીને અઢળક દ્રવ્યનો ખજાનો તે લઈ આવ્યો હતો.
પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન, વિરાટનગરીમાં ‘ગ્રંથિક’ નામે અશ્વશાળાના નિયામક તરીકે તે રહ્યો હતો. તે અશ્વશાસ્ત્રમાં નિપુણ હતો.
દ્રોણાચાર્ય પાસે શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખેલો નકુલ ‘અતિરથી’ હતો, અને કુરુક્ષેત્ર-યુદ્ધમાં દુર્યોધન, કર્ણ અને શલ્ય જેવા મુખ્ય યોદ્ધાઓ સામે લડતાં તે ઘવાયો હતો તે છતાં, વિકર્ણ, શકુનિ, કર્ણપુત્રો જેવા અનેક વીરોને તેણે હરાવ્યા હતા.
યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ દરમિયાન ભીમસેન સાથે નગરરક્ષાકાર્યમાં તે નિયુક્ત થયો હતો.
અંતે, મહાપ્રસ્થાનમાં દ્રૌપદી અને સહદેવ પછી ત્રીજે ક્રમે, કર્મન્યાયે, તેનું મૃત્યુ થયું હતું. સ્વર્ગમાં તેને મળવા ઉત્સુક યુધિષ્ઠિરે નકુલ-સહદેવ બંનેને અશ્વિનીકુમારોના નિવાસે તેજોમય સ્વરૂપમાં જોયા હતા.
જયાનંદ દવે