નંપુનરિ, વિષ્ણુનારાયણ
January, 1998
નંપુનરિ, વિષ્ણુનારાયણ (જ. 2 જૂન 1939, તિરુવક્કલ, કેરળ) : મલયાળમ કવિ. એમના દાદા સંસ્કૃતના પંડિત હતા. એટલે શાળાના ભણતર સાથે સાથે દાદા પાસેથી પણ સંસ્કૃતનું અધ્યયન કરતા રહ્યા. તે પછી કૉલેજમાં ઐચ્છિક વિષય અંગ્રેજી લઈ બી.એ.માં પ્રથમ વર્ગમાં અને એમ.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા ને તરત જ જે કૉલેજમાં ભણતા હતા તે કૉલેજમાં જ અધ્યાપક તરીકે નિયુક્ત થયા. એમણે મલયાળમ કવિતાને આધુનિકતાનો ઓપ આપ્યો. અને પશ્ચિમી કવિતામાં જે નવતર પ્રયોગો થતા હતા તેને મલયાળમ કવિતામાં પ્રયોજ્યા; જેમ કે અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, જાપાની હાઈકુ વગેરે. તેમણે કાવ્યપ્રયોગો કરવાની સાથોસાથ એ બધા વાદો તથા વિભાવનાઓનું વિશદ વિવેચન કર્યું. તે નવા કવિઓના પથપ્રદર્શક બન્યા. તેમના ‘રિથુ સમહારમ્’ ‘ગાંધી’, ‘શસ્ય લોકમ્’ નિબંધસંગ્રહો છે.
એમના કાવ્યસંગ્રહો ‘સ્વાતંત્ર્યત્તે ક્કુરિચ્ચોરુ ગીતમ્’ (1968); ‘ભૂમિગીતંગલ’(1974)ને કેરળ સરકાર તરફથી પુરસ્કાર માટે પસંદ કરાયા હતા. તથા એમના ‘ઉજ્જયિનિયિલેં રાપાક બુક્કબ’ કાવ્યસંગ્રહને 1994માં એ વર્ષની શ્રેષ્ઠ મલયાળમ કૃતિ તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી. એમનો ‘અપરાજિતા’ કાવ્યસંગ્રહ પણ કેરળ સરકાર તરફથી 1995માં પુરસ્કાર માટે પસંદ કરાયો હતો. 2014માં ‘પદ્મશ્રી’ના ઍવૉર્ડથી સન્માનિત થયા છે.
ચન્દ્રકાન્ત મહેતા