નંપુતિરિ, પૂનમ (. 1540; . 1625) : મલયાળમ લેખક. મલયાળમમાં પ્રસિદ્ધ ચંપૂકાવ્યોની શરૂઆત કરનારા કવિ. એ કોષિક્કોડના સામુતિરી રાજાઓના રાજકવિ હતા તથા તત્કાલીન કવિઓ દ્વારા રાજાની પ્રશસ્તિનાં કાવ્યોનું પણ એમણે સંકલન કર્યું હતું. એમની મુખ્ય કૃતિ ‘ભાષા રામાયણ ચંપૂ’ છે. ‘ભારતમ્’, ‘કામદહનમ્’, ‘પારિજાતહરણમ્’ આદિ એમનાં ચંપૂકાવ્યો છે. તે પૌરાણિક કથાઓ પર આધારિત છે.

એમણે સાહિત્યની મણિપ્રવાલ એટલે કે મલયાળમ તથા સંસ્કૃત શબ્દોના સુભગ મિશ્રણવાળી કવિતાશૈલીને નવું રૂપ આપ્યું. એમનાં કાવ્યો હાસ્યરસપ્રધાન છે. પણ એમણે પૌરાણિક પાત્રોનું ગૌરવ જાળવી રાખ્યું છે. એમનું હાસ્ય પરિસ્થિતિ પર આધારિત છે, વ્યક્તિ પર નહિ. એમની પછીના મણિપ્રવાલ કાવ્યના રચનારાઓએ એમનો આદર્શ દૃષ્ટિ સમક્ષ રાખીને કાવ્યરચના કરી છે.

ચન્દ્રકાન્ત મહેતા