નંદીસૂય (નંદીસૂત્ર)
January, 1998
નંદીસૂય (નંદીસૂત્ર) : જૈન આગમોમાં ‘અનુયોગદ્વાર’ નામના સૂત્રગ્રંથની સાથે ‘ચૂલિકાસૂત્ર’ તરીકે ગણના પામેલો આગમોની અપેક્ષાએ અર્વાચીન સૂત્રગ્રંથ. ‘નંદીસૂત્ર’ના લેખક દેવવાચક નામ ધરાવે છે અને તેઓ દુષ્યગણિના શિષ્ય હતા. તેમનો સમય ઈ. સ. ની પાંચમી સદીનો છે. ‘નંદીસૂત્ર’ પર જિનદાસગણિમહત્તરે ચૂર્ણિ નામની ટૂંકી સમજૂતી લખી છે, જ્યારે હરિભદ્ર તથા મલયગિરિએ ‘નંદીસૂત્ર’ પર ટીકાઓ લખી છે.
‘નંદીસૂત્ર’માં 59 સૂત્રો અને 90 ગાથાઓ રહેલી છે. તેની શરૂઆતની ગાથાઓમાં મહાવીર, શ્રમણો અને સંઘની સ્તુતિ કરવામાં આવી છે. પછી જૈનોના ‘કલ્પસૂત્ર’માં આવતી સ્થવિરાવલીથી જુદી પડતી સ્થવિરાવલી આપવામાં આવી છે. એમાં આપેલા સ્થવિરોમાં સુધર્મ, જંબૂ, ભદ્રબાહુ, સ્થૂલભદ્ર, મહાગિરિ, નાગહસ્તિ, સ્કંદિલાચાર્ય નાગાર્જુન વગેરેનો સમાવેશ થાય છે. એ પછી પ્રથમ સૂત્રમાં જ્ઞાનના પાંચ મુખ્ય ભેદ બતાવી તેના ભેદોપભેદો વર્ણવ્યા છે. જ્ઞાનના બે મુખ્ય ભેદોમાં (1) સમ્યક્શ્રુત અને (2) મિથ્યાશ્રુતનો સમાવેશ થાય છે. લેખકની માન્યતા પ્રમાણે સમ્યક્શ્રુત એટલે સાચું જ્ઞાન બાર પ્રકારનું છે. એમાં જૈન ધર્મના દ્વાદશ અંગગ્રંથો, ગણિઓ માટેના આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે મિથ્યાશ્રુત એટલે ખોટા જ્ઞાનમાં બ્રાહ્મણધર્મના મહત્વના ગ્રંથોને ગણાવવામાં આવ્યા છે. સમ્યક્શ્રુત જૈનમતે આત્મવિષયક જ્ઞાન આપે છે જ્યારે મિથ્યાશ્રુત જૈનમતે મનુષ્યને આત્મજ્ઞાનથી ચ્યુત કરે છે.
‘નંદીસૂત્ર’માં શ્રુતના બીજા બે ભેદો ગણાવ્યા છે કે જેમાં (1) દૃષ્ટિવાદની ચર્ચા કરતા ગમિકશ્રુત અને (2) કાલિકની ચર્ચા કરતા અગમિક શ્રુતનો સમાવેશ થાય છે.
શ્રુતના વધુ બે ભેદોમાં : (1) ગણધરોએ રચેલા આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે પ્રકારો ધરાવતું અંગપ્રવિષ્ટ શ્રુત અને (2) સ્થવિરોએ રચેલા આવશ્યક અને કાયોત્સર્ગ, સામયિક, પ્રતિક્રમણ વગેરે. એ સિવાયના બીજા છ પ્રકારો ધરાવતું અંગબાહ્ય શ્રુત એ બેનો સમાવેશ થાય છે.
શ્રુતના અન્ય ભેદોમાં : (1) દિવસ તથા રાતના અમુક સમયે જેનું અધ્યયન કરવામાં આવે તે કાલિક શ્રુત અને (2) સંધ્યાકાળે જેનું અધ્યયન કરવામાં આવે તે ઉત્કાલિક શ્રુત છે. ઉત્તરાધ્યયન, નિશીથ, મહાનિશીથ, અંગચૂલિકા વગેરે કાલિક શ્રુતના ગ્રંથો છે. જ્યારે ‘નંદીસૂત્ર’, ‘દશવૈકાલિક’, ‘અનુયોગદ્વાર’, ‘મહાપ્રત્યાખ્યાન’ વગેરે ઉત્કાલિક શ્રુતના ગ્રંથો છે. સંક્ષેપમાં, ‘નંદીસૂત્ર’ શ્રુતના ભેદોપભેદોની ચર્ચા કરે છે.
કલ્પના કનુભાઈ શેઠ