નંદવંશ : ઈ. સ. પૂ.ની ચોથી સદીમાં ઉત્તર ભારતના મૌર્યવંશ પૂર્વેનો રાજવંશ. પુરાણો પ્રમાણે નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ હતો. આ વંશના નવ રાજાઓ થઈ ગયા. તેઓમાં છેલ્લો રાજા ધનનંદ હતો. તેણે ઈ. સ. પૂ. 364થી ઈ. સ. પૂ. 324 સુધી રાજ્ય કર્યું હતું.
ગ્રીક ઇતિહાસકાર કર્ટિયસના જણાવ્યા પ્રમાણે મહાપદ્મનંદ વાળંદ (નાપિક) હતો. જૈન ગ્રંથ ‘પરિશિષ્ટ પર્વન્’ પ્રમાણે તે ગણિકાથી થયેલો વાળંદ(નાપિક)નો પુત્ર હતો, જ્યારે પુરાણો પ્રમાણે તેની માતા શૂદ્ર હતી.
શિશુનાગ વંશના છેલ્લા રાજા કાકવર્ણી શૈશુનાગીની રાણીનો મહાપદ્મનંદ પ્રેમી હતો. રાણીની લાગવગને કારણે આગળ વધી રાજાનો વિશ્વાસ સંપાદન કરી તેણે દગાથી તેનું ખૂન કરાવ્યું હતું. રાજકુમારો સગીર વયના હોવાથી તેમના વાલી તરીકે રાજકારભાર સંભાળી તે સર્વસત્તાધીશ થઈ ગયો અને રાજકુમારોનું કાસળ કાઢીને તેણે રાજ્ય પચાવી પાડ્યું હતું. ઉપર જણાવેલી બિના શંકાસ્પદ છે.
નંદવંશના સ્થાપકના નામ અંગે મતભેદ પ્રવર્તે છે. પુરાણો સ્થાપકનું નામ મહાપદ્મનંદ આપે છે. જ્યારે ‘મહાબોધિવંસ’ તેનું નામ ઉગ્રસેન જણાવે છે. ગ્રીક ઇતિહાસકારો તેનું નામ ઔગ્રસૈન્ય જણાવે છે જે ઉગ્રસેન નામને અનુમોદન આપે છે. પુરાણો રાજ્યના સ્થાપક પિતા અને તેના આઠ પુત્રો મળીને શાસકોની નવ સંખ્યા જણાવે છે, જ્યારે બૌદ્ધ ગ્રંથો નવ ભાઈઓ હતા એમ જણાવે છે. આ નંદોએ ક્ષત્રિયોના વર્ચસનો અંત આણ્યો હતો. તેથી તેને ‘બીજો પરશુરામ’ કહ્યો છે. તેણે ઐક્ષ્વાકુઓ, પાંચાલો, હૈહયો, વિતિહવ્યો, શૂરસેન, કુરુ, મૈથિલા, કાશી, કલિંગ અને અશ્મકોનાં રાજ્યો જીતી લીધાં હતાં. ‘કથાસરિત્સાગર’ અનુસાર નંદ રાજાની લશ્કરી છાવણી અયોધ્યામાં હતી અને તેણે કોસલના રાજ્યને પોતાના રાજ્યમાં સમાવી લીધું હતું. ખારવેલનો હાથીગુફાનો લેખ તેના કલિંગવિજયને ટેકો આપે છે. દખ્ખણનો કેટલોક ભાગ તેને કબજે હતો. મૈસૂરના શિલાલેખો પ્રમાણે નંદોનું કુંતલ ઉપર પણ આધિપત્ય હતું.
આ વંશના છેલ્લા રાજા ધનનંદ સિવાય અન્ય રાજાઓની વિગત મળતી નથી. ધનનંદ ઍલેક્ઝાન્ડરનો (ઈ. સ. પૂ. 323) સમકાલીન હતો. ઍલેક્ઝાન્ડરે ભારત ઉપર ચડાઈ કરી ત્યારે ધનનંદ બિયાસ અને ગંગા નદીના પૂર્વ તરફના પ્રદેશોનો શાસક હતો. આ પ્રદેશમાં પાંચાલ, શૂરસેન, કોશલ, કાશી અને વિદેહનાં ભૂતપૂર્વ રાજ્યોનો સમાવેશ થયો હતો. ધનનંદના લશ્કરમાં 20,000 ઘોડેસવાર, 2,00,000 પાયદળ, 2,000 રથ અને 3,000 હાથીઓ હતા. તેના લશ્કરી સામર્થ્યને કારણે ઍલેક્ઝાન્ડર પંજાબથી આગળ વધ્યો નહોતો.
ધનનંદ લોકોમાં અપ્રિય હતો. તે કંજૂસ અને ઘણો લોભી હતો. તેણે લોકો ઉપર ભારે કરવેરા લાદ્યા હતા. ‘કથાસરિત્સાગર’માં જણાવ્યા મુજબ તેણે 99 કરોડ સોનાના સિક્કા ભેગા કર્યા હતા.
આ રાજાઓના પ્રધાનો જૈનધર્મી હતા. મહાપદ્મનંદનો પ્રધાન કલ્પક જૈનધર્મી હતો. તેની પ્રેરણાથી ક્ષત્રિયોનું નિકંદન કઢાયું હતું. ધનનંદનો પ્રધાન શકટાલ હતો. લોકોમાં નંદોની અપ્રિયતા હોવાથી ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યે ધનનંદને હરાવીને તેના વંશનો અંત આણ્યો હતો. લોકોના અસંતોષનો લાભ લઈને ચંદ્રગુપ્ત અને ચાણક્યે બળવો કરી નંદવંશનો નાશ કર્યો હતો.
શિવપ્રસાદ રાજગોર