નંદકુમાર, મહારાજા (આશરે અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : બંગાળના નવાબ મીરજાફરનો દીવાન. બંગાળનો પ્રતિષ્ઠિત અને વગદાર બ્રાહ્મણ. સમાજના ઉચ્ચ ગણાતા લોકોનો સંપર્ક તે ધરાવતો હતો. બંગાળમાંથી મુસલમાનોના અમલનો નાશ કરવા તે ઉત્સુક હતો. બંગાળમાં સિરાજુદ્દૌલાના સમયથી થયેલા બધા રાજ્યપલટામાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બંગાળના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝે (1772-1785) મીરકાસિમને દગો દઈ, ફરી વાર મીરજાફરને નવાબ બનાવવામાં એનો ઉપયોગ કર્યો હતો; છતાં હેસ્ટિંગ્ઝને નંદકુમાર માટે ઘૃણા હતી. ગવર્નર જનરલની કાઉન્સિલના બહુમતી સભ્યો હેસ્ટિંગ્ઝના વિરોધી હતા અને તેમના મતભેદો જાહેર થયા હતા. આ તકનો લાભ લઈને મહારાજા નંદકુમારે માર્ચ, 1775માં એવા આક્ષેપો કરતું નિવેદન કાઉન્સિલને આપ્યું કે હેસ્િંટગ્ઝે નવાબ મીરજાફરની વિધવા મુન્ની બેગમ પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખ સહિત બીજા અનેક લોકો પાસેથી લાંચ લીધી હતી. આક્ષેપનામાનો આ પત્ર વૉરન હેસ્ટિંગ્ઝની હાજરીમાં, ફિલિપ ફ્રાંસિસે કાઉન્સિલની બેઠકમાં વાંચ્યો. નંદકુમારે કાઉન્સિલના સભ્યો સમક્ષ જાતે રજૂઆત કરવાની માગણી કરી. તેનો હેસ્ટિંગ્ઝે વિરોધ કરી, કાઉન્સિલ બરખાસ્ત કરીને પોતે ચાલ્યો ગયો. ત્યારબાદ ખોટી સહી કરવાના આરોપ હેઠળ, કૉલકાતાના એક વેપારીની ફરિયાદના કેસમાં નંદકુમારની ધરપકડ કરી જેલમાં પૂરી દેવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલતમાં તેના પર કેસ ચલાવી, ખોટી સહી કરવા માટે ગુનેગાર ઠરાવી, મૃત્યુદંડની સજા કરી, તેને ફાંસીએ લટકાવવામાં આવ્યો.
અગાઉ, આવો જ ગુનો કરનાર ક્લાઈવને લૉર્ડનો ઇલકાબ મળ્યો હતો. પરંતુ એક હિંદુને ફાંસીએ લટકાવવામાં આવ્યો. નંદકુમારને કરવામાં આવેલી ઘાતકી સજાને અન્યાયી તથા ‘ન્યાયતંત્ર દ્વારા ખૂન’ માનવામાં આવે છે. ખોટી સહી માટે 1728નો અંગ્રેજોનો કાયદો કૉલકાતામાં લાગુ પડતો ન હતો. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સર ઇલિઝા ઇમ્પી હેસ્ટિંગ્ઝનો સહાધ્યાયી અને મિત્ર હતો. નંદકુમારને ખતમ કરવાના કાવતરામાં હેસ્ટિંગ્ઝને ઇમ્પીએ સાથ આપ્યો હતો. ઇમ્પી સાથે બીજા ન્યાયાધીશો તથા જૂરીના સભ્યો હોવા છતાં, બચાવ પક્ષના સાથીઓને અદાલતે એવી રીતે તપાસ્યા કે નંદકુમારનો બચાવ ન થયો. વળી કિંગ-ઇન-કાઉન્સિલને અપીલ કરવાની નંદકુમારની વિનંતી નામંજૂર કરવામાં આવી. ઇતિહાસકાર પી. ઇ. રૉબર્ટ્સના મતાનુસાર, સર્વોચ્ચ અદાલતને દેશના વતની ઉપર કામ ચલાવવાનો અધિકાર હોવા બાબતમાં શંકા છે અને નંદકુમાર સામે ખોટી સહીના આક્ષેપ પછી ઘણાં વરસ સુધી ભારતમાં ખોટી સહી માટે મોતની સજાનો કાયદો અમલમાં ન હતો. લૉર્ડ મેકૉલેના મતાનુસાર રાજકીય હેતુ સિદ્ધ કરવા ન્યાયાધીશ ઇમ્પીએ નંદકુમારને અન્યાય કરીને તેની હત્યા કરી હતી.
જયકુમાર ર. શુક્લ