ધ્રુવ, આનંદશંકર (જ. 25 જાન્યુઆરી 1869, અમદાવાદ; અ. 7 એપ્રિલ 1942) : શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. પિતા બાપુભાઈ અને માતા મણિબા; બાળપણ વડોદરા અને રાજકોટમાં સુખમાં ધાર્મિક પરંપરામાં વીત્યું હતું. એમ.એ., એલએલ.બી. સુધીનું તેમણે શિક્ષણ લીધેલું. ષડ્દર્શનોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. 1893માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે નિમાયા. ગાંધીજીના સૂચનથી 1919માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આચાર્ય તરીકે ગયા. 1920માં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ (pro-vice-chancellor) થયા અને અને 1936માં નિવૃત્ત થઈને અમદાવાદ આવી ગયા.
એમણે મણિલાલનું ‘સુદર્શન’ પત્ર ચારેક વર્ષ ચલાવેલું. તે પછી 1902માં ‘વસન્ત’ નામનું સ્વતંત્ર માસિક શરૂ કર્યું, જે તેમની ચિંતન અને અધ્યયનની પ્રસાદીને બનારસથી ગુજરાતમાં નિયમિત પીરસતું હતું. ‘વસન્ત’ દ્વારા તેમણે એક વિશ્વવિદ્યાલયની ગરજ સારે તેવું વિદ્યા અને સંસ્કારનું સિંચન કરવાનો પ્રયત્ન કરેલો. 1919માં અમદાવાદમાં મિલમાલિકો અને કામદારોના વેતન અંગેના ઝઘડા વખતે ગાંધીજીએ ઉપવાસ કરેલા તે પ્રસંગે લવાદ તરીકે સંતોષકારક કામગીરી બજાવેલી. 1928માં તે નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના અને ઇન્ડિયન ફિલૉસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયેલા. 1930માં આંતર યુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ નિયુક્ત થયેલા. 1936માં સર્વધર્મ પરિષદના પ્રમુખ. મૃત્યુ પર્યંત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)ના પ્રમુખ રહ્યા.
આનંદશંકર શિક્ષણ, સાહિત્ય તેમજ સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રમાં દેશભરમાં ખ્યાતિ પામ્યા હતા. ધર્મચિંતન અને સાહિત્યતત્વચર્ચાના ક્ષેત્રમાં તેમનું અર્પણ ઉત્કૃષ્ટ કોટિનું હતું. આર્ય સંસ્કૃતિના ઉત્તમ અંશોને આગળ કરીને પાશ્ચાત્ય પ્રવાહની સામે સ્વસંસ્કારરક્ષણનું મણિલાલનું અધૂરું રહેલું કાર્ય આનંદશંકરે પોતાની રીતે આગળ ધપાવ્યું. તેમાં પાયામાં રહેલી વિચારણાને પરિશુદ્ધ કરી. ‘સુધારાવાળાઓ’ સાથેના વિવાદ અંગે મણિલાલની વિચારશ્રેણીને આનંદશંકરે ‘સુદર્શન’માં લેખો લખીને તાત્વિક સમર્થન આપેલું. મણિલાલના તેઓ વિશ્વાસુ અને સમાનધર્મા હતા. આનંદશંકર સંસ્કૃતિપ્રેમી, સ્વદેશવત્સલ ધર્મચિંતક હતા. તેઓ ધર્મની વ્યાખ્યા કરતાં તેનો વિશાળ અર્થ જીવનની સર્વ પ્રવૃત્તિઓને લાગુ પાડી બતાવે છે, અને સર્વના કેન્દ્રમાં ધર્મને સ્થાપે છે.
તેઓ કર્મકાંડનું રહસ્ય જ્ઞાન રૂપે સમજે અને સમજાવે છે. કેવળ કર્મકાંડમાં રાચતા અધૂરા કેળવાયેલા વર્ગની તેઓ કડક ટીકા કરે છે. પ્રાર્થનાસમાજ તથા સુધારક વર્ગ પ્રત્યે તેમનું વલણ સૌમ્ય રહ્યું હતું. મણિલાલના ધર્મતત્વચિંતનને આનંદશંકરે પોતાની ઉદાર, તર્કશુદ્ધ, નિર્ણાયક બુદ્ધિ વડે વિશાળ સાત્વિક ભૂમિકા પર મૂકી આપ્યું.
તેમની સાહિત્યર્દષ્ટિ પૂર્વ અને પશ્ચિમના શ્રેષ્ઠ ગ્રંથોના વાચનથી પરિષ્કૃત થયેલી હતી. ગમે તેવા વિચારજાળામાંથી પણ તેઓ સત્યને તારવીને વાચક સામે મૂકતા હોય છે. કલાના સૌંદર્યને તેઓ પ્રીછે તો છે જ. પણ છેવટે તો તેઓ તેને જીવનના વ્યાપક સંદર્ભમાં મૂકીને જ તેની મુલવણી કરે છે. તેમણે ભાવના અને વાસ્તવ, ક્ષર અને અક્ષર, બુદ્ધિ અને હૃદય, કલા અને નીતિ વગેરેની ચર્ચામાં ‘મધુદર્શી સમન્વયકાર’ની વૃત્તિ દાખવી એમાંનાં સત્યોને સમતોલ રૂપે વાચક સમક્ષ પ્રસ્તુત કર્યાં છે.
‘કાવ્યતત્વવિચાર’, ‘સાહિત્યવિચાર’, ‘દિગ્દર્શન’ અને ‘વિચારમાધુરી (ભાગ 1–2)’, ‘નીતિશિક્ષણ’, ‘ધર્મવર્ણન’, ‘હિંદુ (વેદ) ધર્મ’, ‘હિંદુ ધર્મની બાળપોથી’ અને ‘આપણો ધર્મ’ તેમના સાહિત્ય અને ધર્મને લગતા મહત્વના ગ્રંથો છે. ‘કાવ્યતત્વવિચાર’ કાવ્યતત્વને સ્ફુટ કરતો કદમાં લઘુ પણ મહત્વનો કહી શકાય તેવો ગ્રંથ છે. ‘સાહિત્યવિચાર’, ‘દિગ્દર્શન’, અને ‘વિચારમાધુરી ભાગ 1-2’ એ ત્રણેય પુસ્તકોમાં શિક્ષણ, સમાજ અને સંસ્કૃતિને લગતા લેખો સંગ્રહેલા છે. ‘નીતિશિક્ષણ’, ‘ધર્મવર્ણન’, ‘હિંદુ (વેદ) ધર્મ’ અને ‘હિંદુ ધર્મની બાળપોથી’માં પ્રાચીન હિંદુ ધર્મનું તેમ દુનિયાના મુખ્ય ધર્મોનું સરળ નિરૂપણ છે. ‘આપણો ધર્મ’ આ વિષયનો આકરગ્રંથ છે. એમાં તેમણે કરેલાં ધર્મતત્વનાં ચિંતન-અન્વેષણ-અર્થદર્શનનો સંપૂર્ણ પ્રકાશ ઝિલાયેલો છે.
નલિન પંડ્યા