ધ્રાંગધ્રા સત્યાગ્રહ

March, 2016

ધ્રાંગધ્રા સત્યાગ્રહ : હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્ય આવેલું હતું. ત્યાં લોકોને નાગરિકસ્વાતંત્ર્ય ન હતું. 1931માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠ્ઠું અધિવેશન ધ્રાંગધ્રામાં ભરવા માટે ધ્રાંગધ્રા તથા હળવદના લોકોએ નિમંત્રણ પાઠવ્યું. તે જાણીને રાજ્યના સત્તાધીશોએ પરિષદ ભરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો. પરિષદના મંત્રી દેવચંદ પારેખે દીવાન માનસિંહજી સમક્ષ કરેલી માગણીનો અસ્વીકાર થયો. ધ્રાંગધ્રાના આગેવાન માણેકચંદ નાનજીને દીવાને ધમકી આપી પણ તેનાથી તે ગભરાયા નહિ. આ દરમિયાન 21 સપ્ટેમ્બર, 1931ની સાંજે ધ્રાંગધ્રાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દાદભાએ માણેકચંદ નાનજી, સુખલાલ ઠક્કર, રતિલાલ સંઘવી સહિત આઠ કાર્યકરોને પોલીસ કચેરીએ બોલાવી ધમકાવી, ગિરફતાર કરી દોરડે બાંધીને જેલમાં પૂર્યા. તેથી ધ્રાંગધ્રામાં તરત દુકાનો બંધ થઈ. એકઠા થયેલા લોકોના શાંત ટોળા પર પોલીસોએ લાઠીમાર કર્યો. આશરે 75 પુરુષો તથા 25 સ્ત્રીઓને તેમાં ઈજાઓ થઈ. આ નિર્દય લાઠીમારના વિરોધમાં લોકોએ હડતાળ પાડી. ગ્રીનચોકમાં સ્ત્રીઓ ભેગી થઈ. રાત્રે દશ વાગ્યા સુધી તેમણે રાષ્ટ્રગીતો ગાયાં.

હળવદમાં તથા સીતાપુરમાં એ જ દિવસે લોકોનાં ટોળાં પર પોલીસે કરેલા લાઠીમારથી સેંકડો લોકો ઘાયલ થયા. તેના વિરોધમાં લોકોએ હડતાળ પાડી. આવા જુલમના ઉપાયનો વિચાર કરવા કાઠિયાવાડના આગેવાનોનું સંમેલન વઢવાણમાં બોલાવવામાં આવ્યું. તે મુજબ અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, પાલિતાણા વગેરે સ્થળોના આશરે 400 કાર્યકરોની તા. 28-9-31ના રોજ મળેલી સભાએ 5 સભ્યોનું પ્રતિનિધિમંડળ નીમ્યું. આ પ્રતિનિધિમંડળે દીવાન સાથે કરેલ સમાધાન ધ્રાંગધ્રાના લોકોને ગમ્યું નહિ. તેથી મુંબઈના ધ્રાંગધ્રા રાજ્ય પ્રજામંડળના આગેવાનોએ એક નિવેદન પ્રગટ કરી અત્યાચાર સામે ઇન્સાફ મેળવવા ચળવળ અનેકગણા વેગથી ચાલુ રાખવા જણાવ્યું તથા 21 ઑક્ટોબરના રોજ આખા સૌરાષ્ટ્રમાં અને  અન્યત્ર ‘ધ્રાંગધ્રા દિન’ ઊજવવા નિવેદન પ્રગટ કર્યું. મુંબઈના અખિલ હિંદ રાજસ્થાન પરિષદના મંત્રી મણિશંકર ત્રિવેદી લોકોને પ્રોત્સાહન આપવા તે દિવસે ધ્રાંગધ્રા ગયા. સવારનો ‘ધ્રાંગધ્રા દિન’નો કાર્યક્રમ શાંતિથી ઊજવાયા બાદ રાજ્યના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે ક્રિ. પ્રો. કોડની 144મી કલમ મુજબ સભા, સરઘસ કે દેખાવોનો પ્રતિબંધ ફરમાવ્યો તથા મણિશંકર ત્રિવેદીને રાજ્યની હદ બહાર મોકલી દીધા. તેના વિરોધમાં ધ્રાંગધ્રા અને હળવદમાં હડતાળ પડી. ત્યારબાદ ધ્રાંગધ્રાના 6 અને હળવદના 3 કાર્યકરોને હદપાર કરવામાં આવ્યા. હળવદમાં તે દિવસે થયેલા લાઠીમારમાં 19 યુવાનો ઘવાયા.

વઢવાણમાં કાઠિયાવાડના કાર્યકરોની મળેલી સભાએ ધ્રાંગધ્રા સહાયક સમિતિને વિસ્તારી ધ્રાંગધ્રા સહાયક કાઠિયાવાડ સમિતિની રચના કરી તેના મંત્રીપદે સ્વામી શિવાનંદજી તથા નાનાલાલ મોરારજી દવેની નિમણૂક કરી. આ સભાએ ફૂલચંદભાઈ શાહના માર્ગદર્શન મુજબ કાઠિયાવાડ રાજકીય પરિષદ સામેનો મનાઈ હુકમ 3 નવેમ્બર, 1931 સુધીમાં રદ કરવા માગણી કરી તથા રાજ્ય જવાબ ન આપે તો સત્યાગ્રહ શરૂ કરવા જણાવ્યું. તે અંગે રાજ્યે જવાબ ન આપવાથી 4 નવેમ્બરના  રોજ  શિવાનંદજીની આગેવાની હેઠળ 5 બહેનો તથા 25 જેટલા ભાઈઓની પ્રથમ ટુકડી વઢવાણથી રેલવેમાં ધ્રાંગધ્રા પહોંચી. તે બધા સત્યાગ્રહીઓને ખટારામાં બેસાડી અજાણ્યા સ્થળે છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ બીજીથી સાતમી ટુકડીના સત્યાગ્રહીઓને ગિરફતાર કરી, ખટારામાં બેસાડી અજાણ્યા સ્થળે ઉતારી દેવામાં આવ્યા. ન્યાયનું નાટક કરીને માણેકચંદ નાનજીને બાર મહિનાની, હરિલાલ લાઠીને છ મહિનાની તથા બાકીના બધા ધ્રાંગધ્રાના વતનીઓને ત્રણ ત્રણ માસની સખત કેદની સજા કરવામાં આવી. તેઓના પગમાં વજનદાર બેડીઓ પહેરાવવામાં આવી. ફૂલચંદભાઈની હાકલ અનુસાર ધ્રાંગધ્રા સહિત કાઠિયાવાડનાં નગરોમાંથી તથા મુંબઈ, રંગૂન, કરાંચી, કૉલકાતા વગેરે સ્થળોએથી કુલ 51 સત્યાગ્રહીઓ વઢવાણ આવ્યા અને 21-12-1931 એટલે કે ધ્રાંગધ્રા દિનની ત્રીજી માસિક તિથિએ પાંચ ટુકડીઓમાં વહેંચાઈ, જુદે જુદે સ્થળેથી રાજ્યની હદમાં પ્રવેશ કરી કાનૂનભંગ કર્યો. તે તમામની ધરપકડ કરી જેલમાં પૂરી દેવામાં આવ્યા. ફૂલચંદભાઈની આગેવાની હેઠળ છેલ્લી (તેરમી) ટુકડીએ 5-1-1932ના રોજ વઢવાણથી નીકળી બપોરે ધ્રાંગધ્રા પહોંચતાં બધાને ગિરફતાર કરી ધ્રાંગધ્રાની જેલમાં લઈ જવામાં આવ્યા. આ ટુકડીમાં ફૂલચંદભાઈનાં 70 વર્ષનાં માતુશ્રીનો સમાવેશ થતો હતો. લગભગ 150 જેટલા સત્યાગ્રહીઓ પકડાઈને જેલમાં ગયા હતા.

આ દરમિયાન બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પાછા ફર્યા બાદ સરકારે કૉંગ્રેસના નેતાઓની ધરપકડ કરવાથી દેશવ્યાપી ચળવળ ફરી શરૂ થઈ. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલે આવી કટોકટીના સમયે દેશી રાજ્યમાં લડત ન કરવા ફૂલચંદભાઈ વગેરેને સમજાવ્યા. જામનગરના રાજાએ ધ્રાંગધ્રાના રાજાને જણાવ્યું કે જુલમ કરશો તો રાજ ગુમાવશો. તે પછી સત્તાધીશોએ 5 ફેબ્રુઆરી, 1932થી 11 ફેબ્રુઆરી સુધીમાં બધા સત્યાગ્રહીઓને છોડી મૂક્યા અને સત્યાગ્રહનો અંત આવ્યો; પરંતુ કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરવા સામેનો પ્રતિબંધ રદ ન થવાથી સત્યાગ્રહનો હેતુ સિદ્ધ થયો નહિ

શિવપ્રસાદ રાજગોર