ધ્રાંગધ્રા : સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્યનું પાટનગર. ધ્રાંગધ્રા તાલુકો 22° 45´થી 23° 15´ ઉ. અ. અને 71° 15´થી 71° 30´ પૂ. રે. વચ્ચે આવેલો છે, જ્યારે ધ્રાંગધ્રા શહેર ફલ્કુ નદી પર, 22° 59´ ઉ. અ. અને 71° 28´ પૂ. રે. પર આવેલું છે. આ તાલુકાની પૂર્વે લખતર અને દસાડા તાલુકાઓ, પશ્ચિમે હળવદ તાલુકો, દક્ષિણે મૂળી તાલુકો અને ઉત્તરે કચ્છનું નાનું રણ છે. તાલુકાનો વિસ્તાર 1369.8 ચોકિમી. છે અને તેમાં એક શહેર અને કુલ 63 ગામો છે. તાલુકાનો મોટોભાગ લાવાના ખડકોમાંથી તૈયાર થયેલી કાળી જમીનથી બનેલો છે, જ્યારે નાના રણ નજીકનો ભાગ ઉજ્જડ, સપાટ અને ખારી જમીનવાળો છે. રાજસીતાપુર, મેથાણ અને ચરાડવાની આસપાસની જમીન સપાટ છે. ધ્રાંગધ્રા અને ઉમરડા નજીક આશરે 152.40 મી. ઊંચાઈ ધરાવતી ટેકરીઓ છે. ધ્રાંગધ્રા નજીકના રેતીખડકો જુરાસિક કાળના છે, જ્યારે કેટલોક ભાગ નિમ્ન ક્રિટેશિયસ કાળની કચ્છની ઉમિયા શ્રેણીના ખડકોથી બનેલો છે.
આ તાલુકામાં વહેતી ફલ્કુ, ચંદ્રભાગા, કંકાવટી, ઉમાઈ જેવી નાની નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. માત્ર ચોમાસા દરમિયાન જ તેમાં પાણી રહે છે. આ નદીઓની એકંદર લંબાઈ 50 કિમી.થી ઓછી છે.
ધ્રાંગધ્રા તાલુકામાં સરેરાશ 487 મિમી. વરસાદ પડે છે, રણ નજીક વર્ષાપ્રમાણ 350 મિમી.થી પણ ઓછું હોય છે. ઉનાળાનું સરેરાશ ગુરુતમ તાપમાન જુલાઈ માસમાં 41.9° સે. અને લઘુતમ તાપમાન 26.3° સે. જેટલું રહે છે, જોકે ક્યારેક વધીને તે 45° સે. થઈ જાય છે. શિયાળાનું જાન્યુઆરી માસમાં ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 28.2° સે. અને 12.9° સે. જેટલું રહે છે, ક્યારેક તે ઘટીને 8° સે. થઈ જાય છે.
આ તાલુકામાં બાવળ, ગાંડો બાવળ, આવળ, કેરડો, ખીજડો, વરખડો વગેરે વૃક્ષો જોવા મળે છે, જ્યારે વસ્તી નજીક લીમડા, પીપળા, વડ જેવાં વૃક્ષો હોય છે. અહીં ગીર ઓલાદનાં ગાય અને બળદ તથા જાફરાબાદી ભેંસ ઉપરાંત, ઘેટાં-બકરાંની સંખ્યા વિશેષ છે. ધ્રાંગધ્રા નજીકનું ભૂપૃષ્ઠ રેતીખડકોથી છવાયેલું છે, ત્યાંથી આ પથ્થરોનું ખાણકાર્ય થાય છે. કપચી, રેતી અને મીઠું પણ અહીંથી મેળવાય છે.
અહીંની કુલ 1,07,771 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. અનાજમાં જુવાર, બાજરીનું પ્રમાણ 85% જેટલું છે, જ્યારે ઘઉં અને કઠોળનું પ્રમાણ 15% છે. ખેડાતી જમીનના આશરે 30% જમીનમાં અનાજ, 40% જમીનમાં કપાસ જેવા રોકડિયા પાકો લેવાય છે. તેલીબિયાંમાં તલ અને મગફળીનું પ્રમાણ વધુ છે. કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે.
ઉદ્યોગો ધ્રાંગધ્રામાં કેન્દ્રિત થયેલા છે. ધ્રાંગધ્રા કેમિકલ વર્ક્સ દ્વારા સોડા ઍશ, કૉસ્ટિક સોડા, ક્લોરિન, બ્લીચિંગ પાઉડર વગેરેનું ઉત્પાદન થાય છે. શક્તિ મેટલ ઍન્ડ મિકૅનિકલ વકર્સ, કાપડની મિલ, ચિનાઈ માટીનાં વાસણોનું કારખાનું, ટ્રાન્સફૉર્મરનું કારખાનું, બરફનાં કારખાનાં અને જિન આવેલાં છે. પથ્થરની ઘંટી બનાવવાના તેમજ ખાદીકામના ગૃહઉદ્યોગો પણ છે. કૂડામાં મીઠાનો ઉદ્યોગ વિકસ્યો છે.
આ તાલુકામાં પાકા અને કાચા રસ્તાની સુવિધા છે, નગરપાલિકા હસ્તક અલગ રસ્તા છે. બ્રૉડગેજ રેલવે પર રાજ-સીતાપુર અને ધ્રાંગધ્રા તેમજ બ્રૉડગેજ રેલવે પર ધ્રાંગધ્રા આવેલું છે. ધ્રાંગધ્રા આ રીતે રસ્તા અને રેલવે મારફતે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર વગેરે સાથે સંકળાયેલું છે.
અહીં કૉલેજ ઉપરાંત, બાલમંદિરો, બાલવાડીઓ, ગ્રંથાલયો અને પ્રૌઢશિક્ષણકેન્દ્રો આવેલાં છે. આ તાલુકાની વસ્તી 1.82 લાખ (2011) હતી.
ઇતિહાસ : સિંધનું કેરંતીગઢ ઝાલાઓની રાજધાની હતું. કેસરદેવ મકવાણાને સિંધના શાસકે 1055માં મારી નાખતાં તેના પુત્ર હરપાળે ગુજરાતમાં કરણદેવ(1064-84)નો આશ્રય લીધો. રાજની સેવા બદલ 2,300 ગામોની તેને જાગીર મળી. પાટડી તેની રાજધાની હતી. 1408માં ગાદીએ આવેલા સત્રસાલજીનો ‘મિરાતે-અહમદી’ અને ‘તબકાતે-અકબરી’માં ઉલ્લેખ છે. ધ્રાંગધ્રા રાજ્ય સૌરાષ્ટ્રના પ્રવેશદ્વારે આવેલું હોઈ તેને આક્રમકોનો સામનો કરવો પડ્યો હતો. જેતસિંહ(1420-41)ના શાસન દરમિયાન ઈડર, ચાંપાનેર અને ઝાલાવાડનાં રજપૂત રાજ્યોએ ભેગાં મળીને અહમદશાહનો નિષ્ફળ સામનો કર્યો હતો. અહમદશાહે પાટડી કબજે કરવા કૂવા ખાતે રાજધાની ફેરવી હતી. મહમ્મદ બેગડાએ વાઘોજીના શાસન દરમિયાન કૂવા પર ચડાઈ કરી હતી. ધ્વજરક્ષકે ભૂલથી ધ્વજ નીચે મૂકી દેતાં રાણીઓ સહિત અનેક સ્ત્રીઓએ કૂવામાં પડી આપઘાત કર્યો હતો. આ બનાવ ‘કૂવાનો કેર’ તરીકે જાણીતો છે. 1488માં રાજોધરજીએ હળવદની સ્થાપના કરી. 1523માં માનસિંહજીએ બહારવટું ખેડીને સુલતાનને પ્રભાવિત કરતાં માંડલ અને વીરમગામ સિવાયનો બધો પ્રદેશ મળ્યો હતો.
1573માં અકબરે ગુજરાત સર કર્યું ત્યારે હળવદમાં રાયસિંહજી (પહેલા) રાજ્ય કરતા હતા. 1672માં મુઘલ સૂબેદાર જશવંતસિંહજીએ હળવદ ઉપર ખંડણી માટે ચડાઈ કરી હળવદ જીતી લીધું હતું. નજરઅલી બાબીએ જાગીર તરીકે 1673–78 દરમિયાન તેનો કબજો રાખેલો. 1680માં જશવંતસિંહે ઔરંગઝેબ પાસેથી તેની સનદ મેળવી હતી અને કૂડાના મીઠાના અગરોનો કાયમી હક મળ્યો હતો. 1730માં હળવદની ગાદીએ આવતાં રાયસિંહજી(બીજા)એ ધ્રાંગધ્રામાં કિલ્લો બંધાવી તેને રાજધાની બનાવી હતી. તેના અનુગામી ગજસિંહે પેશ્વાના સરદાર ભગવંતરાવને નજરાણું અને ખંડણી આપ્યાં. 1753માં મરાઠાઓએ હળવદ પર હુમલો કરીને રૂ. 20,000 પેશકશી તરીકે ઉઘરાવ્યા હતા. 1807–08માં વૉકર સેટલમેન્ટથી કાયમી ખંડણી નક્કી થઈ અને મુલ્કગીરી પ્રથાનો અંત આવ્યો. 1843માં ગાદીએ આવેલ રણમલસિંહ પાંચ ભાષાઓના જ્ઞાતા અને કવિ હતા. 1898માં માનસિંહજીના સમયમાં ધ્રાંગધ્રા–વઢવાણ રેલવે શરૂ થઈ. અજિતસિંહે (1900–1911) મિયાણાઓની ફોજ ઊભી કરી હતી અને શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના પુત્ર ઘનશ્યામસિંહજી(1911–1942)ના અમલ દરમિયાન ધ્રાંગધ્રામાં 1931–32માં લોકોએ તેમની દમનનીતિનો વિરોધ કરી સત્યાગ્રહ કર્યો હતો, તેમણે કાઠિયાવાડ પ્રજાપરિષદની બેઠક ભરવા દીધી ન હતી. 1926માં ધ્રાંગધ્રા કેમિકલ વર્ક્સ શરૂ થયું. તેમના અનુગામી મયૂરધ્વજસિંહજીએ વડોદરામાં વહીવટી તાલીમ લીધેલી. તેમણે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કર્યું. તેમના રાજ્યકાળમાં હરપાલનગરની સિંચાઈ-યોજના, કાપડમિલ અને ગ્રામીણ ટ્રેનિંગ કૉલેજ શરૂ કરવામાં આવ્યાં. તેમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું. 1948ના એપ્રિલમાં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ધ્રાંગધ્રાનું વિલીનીકરણ થયું, જેમાં રૂપિયા 1,70,000નું સાલિયાણું તેમને મંજૂર થયેલું, પરંતુ 1971માં તે રદ થયું.
શિવપ્રસાદ રાજગોર