ધોળકા : ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લાના દસ તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક અને નગર. ધોળકાના નામ વિશે મતમતાંતર પ્રવર્તે છે. ધોળકાના અભિલેખમાં તથા જૈનગ્રંથોમાં ‘ધવલક’ કે ‘ધવલક્ક’ તરીકે નામોલ્લેખ મળે છે. અલ ઇદ્રીસીએ બારમી સદીમાં ધોળકાનો ઉલ્લેખ ગુજરાતના અગ્રગણ્ય વેપારી કેન્દ્ર તરીકે કર્યો છે. વીરધવલની તે રાજધાની હતું. વસ્તુપાળ-તેજપાળ આ નગરના રહેવાસી હતા. વસ્તુપાળ-તેજપાળના ગિરનારના લેખોમાં ધોળકાનો ઉલ્લેખ મળે છે.
તાલુકો : ધોળકા તાલુકો 22° 35´ થી 23° ઉ. અ. અને 72°થી 72° 30´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 1788 ચોકિમી. છે. આ તાલુકામાં ધોળકા મુખ્ય નગર છે તથા 116 ગામો આવેલાં છે. આ તાલુકાની પૂર્વે ખેડા જિલ્લો, ઉત્તરે દશક્રોઈ તાલુકો, પશ્ચિમે સુરેન્દ્રનગર જિલ્લો, અને દક્ષિણે ધંધૂકા તાલુકો આવેલા છે. ધોળકા તાલુકાનો સમગ્ર ભાગ સપાટ છે. અહીંની જમીન કાળી, મધ્યમકાળી અને ગોરાડુ છે, સાબરમતીના ભાઠાની જમીન ખૂબ ફળદ્રૂપ છે. તે કર્કવૃત્તની દક્ષિણે આવેલો હોઈને ઉષ્ણકટિબંધની વિષમ આબોહવા ધરાવે છે. ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ સખત હોય છે. મે અને ડિસેમ્બર-જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 41° સે. અને 15° સે. જેટલું રહે છે. વર્ષાઋતુનો ગાળો 15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીનો ગણાય છે. સરેરાશ વરસાદ 706.7 મિમી. જેટલો પડે છે.
આ તાલુકામાં સાબરમતી, શેલવા, અંધલી, ઓમકાર, ભોગાવો, રોઢ, વાત્રક વગેરે નદીઓ આવેલી છે. સાબરમતી પર આ તાલુકાનાં નવેક ગામો આવેલાં છે. શેલવા 20 કિમી. લાંબી છે, તેનો બધો જ પ્રવાહ આ તાલુકામાં વહે છે અને મોટી બોરુ પાસે સાબરમતીને મળે છે. એ જ રીતે અંધલીનો 15 કિમી.નો પ્રવાહ આ તાલુકામાં છે, તે પણ મોટી બોરુ પાસે સાબરમતીને મળે છે. ઓમકાર નદી ધનાળા પાસે ભોગાવોને મળે છે. ભોગાવોનું વહેણ આ તાલુકામાં 39 કિમી. જેટલું જ છે, તે ધંધૂકા તાલુકામાં વહીને સાબરમતીને મળે છે. રોઢ નદી ધોળકા તાલુકાના શિયાળ ગામનાં ખેતરોમાં ફેલાઈ જાય છે. વાત્રક નદી વૌઠા પાસે સાબરમતીને મળે છે. વૌઠાનો પશુમેળો સાત નદીઓના સંગમસ્થાને ભરાય છે. અહીં ગધેડાં વેચાવા માટે આવે છે.
આ પ્રદેશમાં બાવળ, ખીજડો, આંબલી, બોરડી જેવાં છૂટાંછવાયાં વૃક્ષો જોવા મળે છે. વૃક્ષો ક્યાંય પણ એકજથ્થે નથી, પરંતુ તળાવ કે રસ્તાની બાજુમાં વાવેલાં વૃક્ષો જોવા મળે છે.
ઘઉં, ડાંગર, કપાસ, બાજરી, જુવાર, મગફળી આ તાલુકાના મુખ્ય પાક છે. અહીં પિયત અને બિન-પિયત બંને પ્રકારના ઘઉં થાય છે. દેવીરાજ, સીઓ-2, હાઇબ્રિડ 4, 5 જાતનો કપાસ થાય છે; કમોદ, જીરાસાળ અને ગુજરાત-17 નામની ડાંગરની જાતો વવાય છે. સાબરમતીના ભાઠામાં આદું, તરબૂચ, સકરટેટી, શાકભાજી પણ વાવવામાં આવે છે. આદુંને સૂકવીને સૂંઠ તૈયાર કરવામાં આવે છે. ધોળકાનાં દાડમ અને જમરૂખ વખણાય છે. જમરૂખ માટેનું એક સંશોધનકેન્દ્ર પણ અહીં છે. આ તાલુકાને સરદાર સરોવર યોજનાની નહેરનો લાભ મળે છે.
ધોળકા મુખ્ય વેપારી કેન્દ્ર છે. અહીંના માર્કેટ યાર્ડમાં કાલાં-કપાસ, ઘઉં, ડાંગર વગેરે વેચાવા આવે છે. અહીં બૅંકોની શાખાઓ આવેલી છે. ધોળકા અમદાવાદ–ભાવનગર બ્રૉડગેજ રેલવે પરનું મહત્ત્વનું સ્ટેશન છે. તાલુકામાં રેલવે તથા રસ્તાઓ છે. ધોળકાને રાજ્ય પરિવહનની બસોની સુવિધા મળે છે.
આ તાલુકાના ગુંદી ગામ નજીક લોથલનો ટિંબો આવેલો છે. ટિંબાના ઉત્ખનનમાંથી બંદરનો ધક્કો, વખારો, દફનસ્થાન, સ્નાનાગાર, મકાનો, રસ્તાઓ ગટર વગેરેના અવશેષો તથા રમકડાં, મુદ્રાઓ, માટીનાં લાલ અને કાળાં વાસણો તેમજ અબરખયુક્ત મૃત્પાત્રો મળી આવેલાં છે. આ અવશેષો ઈ. સ. પૂ. 2300 થી ઈ. સ. પૂ. 1700 સુધીના કાળના હોવાનું નક્કી થયેલું છે. ત્યારબાદ પૂરથી આ સ્થળનો નાશ થયો હોવાનું જણાય છે.
ધોળકા નગર : ધોળકા 22° 43´ ઉ. અ. અને 72° 28´ પૂ. રે. પર આવેલું છે. તે અમદાવાદથી દક્ષિણે લગભગ 40 કિમી. અંતરે આવેલું છે.
ધોળકામાં હાથસાળના કાપડનાં ઘણાં કેન્દ્રો છે. અહીં ધોતિયાં, સાડીઓ, ચોફાળ, ચાદરો વગેરે વણાય છે અને તેની બહાર નિકાસ પણ થાય છે. અગાઉ અહીં પીતાંબર અને સાડી વણાતાં હતાં. અહીં ચોખાની મિલો, જિનો અને પ્રેસ, તાંબા-પિત્તળનાં વાસણો, હ્યૂમ પાઇપ અને લાકડાનું રાચરચીલું બનાવવાનાં કારખાનાં છે.
ધોળકામાં સોલંકી કાળમાં સિદ્ધરાજની માતા મીનળદેવીએ બંધાવેલ મલાવ તળાવ છે. ટાંકા મસ્જિદ, ખાન સરોવર અને ખાન મસ્જિદ તેમજ હઝરતશાહનો રોજો પંદરમી સદીનાં સ્થાપત્યો છે. ટાંકા મસ્જિદ અગાઉનું જૈન બાવન જિનાલય હોવાનું જણાય છે. મલાવ તળાવ અને ખાન સરોવર સહસ્રલિંગ સરોવર અને કાંકરિયાનો ખ્યાલ આપે છે.
ધોળકામાં બાલમંદિર, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સ્ત્રી-અધ્યાપનમંદિર, કલાશાળા, આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સ કૉલેજ વગેરે આવેલાં છે. વાઘેલા રાજવીઓના શાસન દરમિયાન ધોળકા મહત્વનું વિદ્યાકેન્દ્ર હતું. અનેક પંડિતોને અહીં વસ્તુપાળે આશ્રય આપ્યો હતો. વસ્તુપાળને ‘કુર્ચાલ (દાઢીવાળી) સરસ્વતી’નું બિરુદ મળ્યું હતું. આ તાલુકામાં વિવિધ પ્રકારના ઉદ્યોગો ઉભા થઈ રહ્યાં છે. તાલુકાની વસ્તી 2022 મુજબ આશરે 2018 લાખ હતી. જ્યારે શહેરી વસ્તી 80,945, જ્યારે ગ્રામ્ય વસ્તી 68,907,(2011) હતી.
શિવપ્રસાદ રાજગોર