ધુરંધર, મહાદેવ વિશ્વનાથ (જ. 18 માર્ચ 1871, મુંબઈ; અ. 1944) : મુંબઈના ચિત્રકાર. મૅટ્રિક થયા પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકળાના શિક્ષણ માટે જોડાયા. વિદ્યાર્થી તરીકે ઉજ્જ્વળ કારકિર્દી હતી. ચિત્રકળાના પ્રારંભિક દિવસોમાં પણ તેમણે ઉચ્ચ કલાશક્તિ દાખવી બૉમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અભ્યાસ પૂરો થયા પછી એ જ કલાસંસ્થામાં અધ્યાપક, ઇન્સ્પેક્ટર, વાઇસપ્રિન્સિપાલ જેવા જુદા જુદા હોદ્દા પર સેવા આપી ચિત્રકલાના પ્રસારમાં મહત્વની કામગીરી બજાવી. ચિત્રશિક્ષક તરીકે તેમણે ઘણા વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર કર્યું.
1928માં તેમને રાવબહાદુરનો ખિતાબ મળ્યો. આ સન્માન પામનાર તેઓ પહેલા ભારતીય ચિત્રકાર હતા. ચિત્રકાર તરીકે તો તેમને ઘણા સુવર્ણચંદ્રકો મળ્યા હતા. નિવૃત્તિ પછી એ જ સંસ્થામાં કાર્યકરી નિયામક તરીકે નિમાયા; કોઈ પણ ભારતીયને આવું માન મળે તેવું એ વખતે ભાગ્યે જ બનતું.
તેમના સમયમાં તેમનાં ચિત્રો અનેકવિધ મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી પ્રકાશનોમાં અનિવાર્ય આકર્ષણ બની રહ્યાં હતાં. વિદેશી કલા-સામયિકોમાં પણ તેમની ચિત્રકૃતિઓ નિયમિત સ્થાન પામતી. પરદેશમાં ભારતીય કલા વિશેની કોઈ પણ રજૂઆતમાં તેમનાં સલાહ, સહાય તથા માર્ગદર્શન અવશ્ય લેવાતાં. નવી દિલ્હીના ઇમ્પીરિયલ સેક્રેટરિયેટમાં તેમણે કરેલાં ચિત્રો તેમની મહત્વની કામગીરી લેખાય છે. લંડનની વિદેશયાત્રા દરમિયાન 1932માં લંડનમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. તે પ્રસંગે રાણી મેરીએ એક ચિત્ર બકિંગહામ પૅલેસ માટે ખરીદ્યું હતું. તેમને રૉયલ સોસાયટી ઑવ્ આર્ટના ફેલો બનાવીને તેમનું ત્યારે બહુમાન કરાયેલું.
મહેશ ચોકસી