ધુવારણ : ગુજરાતમાં ખેડા જિલ્લાના ખંભાત તાલુકાનું, વિદ્યુતમથકને કારણે જાણીતું બનેલું ગામ. સ્થાન : 22° 14´ ઉ. અ. અને 72° 46´ પૂ. રે.. તે મહી નદીના મુખ ઉપર ખંભાતના અખાતના કિનારે ખંભાતથી અગ્નિકોણમાં 15 કિમી. અંતરે અને વાસદ-કઠાણા સ્ટેશનથી 9 કિમી. અંતરે આવેલું છે.

વિદ્યુતમથકનો કચરો નદી મારફત સમુદ્રમાં સહેલાઈથી ઠાલવી શકાય એવી અહીં સુવિધા છે. વિદ્યુતમથક સ્થાપવા અંગેની પ્રાથમિક વિચારણા 1958માં થયેલી, પણ બાંધકામનો પ્રારંભ 1960માં થયો હતો. માર્ચ, 1965માં વિદ્યુતમથકનું કામ પૂર્ણ થયું હતું. પ્રારંભમાં 63.5 મેગાવૉટની ક્ષમતાવાળાં ચાર ટર્બો જનરેટરો દ્વારા 254 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવા આયોજન થયું હતું. ત્યારબાદ હવે તો વધુ વીજળીમથકો સ્થાપી કુલ 588 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને તેનું વિતરણ ગુજરાત-સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં થાય છે.

લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. મુખ્યત્વે બાજરી અને કઠોળનું વાવેતર થાય છે. ગામમાં પાંચ તળાવ છે, તે પૈકી રત્નેશ્વર તળાવ સરોવર જેવું છે.

શિવપ્રસાદ રાજગોર