ધુમ્મન, કપૂરસિંગ

March, 2016

ધુમ્મન, કપૂરસિંગ (જ. 1927, ધુલચિકે, શિયાલકોટ; અ. 1985) : પંજાબી નાટ્યકાર અને દિગ્દર્શક. એમના પિતા જ્ઞાની બુદ્ધસિંગ શિક્ષક હતા અને કાવ્યો લખતા હતા. એમણે પ્રાથમિક શિક્ષણ ઉગ્ગોકીની ડી.બી. પ્રાથમિક સ્કૂલમાં લીધું હતું. પછી શિયાલકોટની ખાલસા હાઈસ્કૂલમાં ભણ્યા. ત્યાંની મૂરી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. તેમની નાટ્યકૃતિ ‘પાગલ લોક’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબીમાં એમ.એ.ની અને ઉર્દૂમાં મુનશી ફાઝિલની ઉપાધિ મેળવી. તેમણે ‘સૈનિક સમાચાર’ના ઉપતંત્રી તરીકે કારકિર્દી આરંભી. 1947થી 1956 સુધી ત્યાં કામ કર્યા પછી તેઓ પંજાબીના ભાષા વિભાગમાં જોડાયા અને તેના નિયામક બન્યા.

નિજી પ્રતિભા ધરાવતા આ નાટ્યકારે 14 નાટકો તથા 13 એકાંકીઓ લખ્યાં છે. ‘અનહોની’ (1947), ‘બંધ ગલી’ (1958), ‘પૂતલી ઘર’ (1965), ‘માણસકી જાત’ (1965), ‘જિંદગી તો દૂર’ (1966), ‘મૂક સંસાર’ (1973) અને ‘રોદા જલાલી’ (1982) એમની મહત્વની નાટ્યકૃતિઓ છે. તેમાંથી ‘રાણી કોકલન’ નાટક માટે તેમને 1982માં પંજાબી સાહિત્ય સમીક્ષા બૉર્ડ તરફથી ઉત્તમ નાટ્યકારનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે પ્રયોગશીલ રંગભૂમિના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. પંજાબી નાટ્ય સંઘ તરફથી તેમને ઉત્તમ નાટ્યકારનો પુરસ્કાર પણ અપાયો છે. કૅનેડાના સાહિત્યવિચાર મંચ તરફથી તેમને વિશ્વ પંજાબી સાહિત્યકારનો પુરસ્કાર અપાયો હતો. આ ઉપરાંત પણ અનેક સાંસ્કૃતિક તથા સાહિત્યિક સંસ્થાઓ તરફથી તેમનું સન્માન કરાયું હતું.

પુરસ્કૃત નાટક રમૂજપ્રેરક વેધક વ્યંગ્ય, સામાજિક નિસબત અને તખ્તાલાયક પ્રયોગશીલતાના કારણે પંજાબી સાહિત્યમાં મહત્વનું લેખાયું છે.

મહેશ ચોકસી