ધુબરી : ભારતના પૂર્વ ભાગમાં આવેલા અસમ રાજ્યનું નગર, જિલ્લામથક અને જિલ્લો. ધુબરીનું જૂનું નામ ગોવાલપાડા હતું. ભૌગોલિક સ્થાન : 26° 02´ ઉ. અ. અને 89° 59´ પૂ. રે.. તે રાજ્યની છેક પશ્ચિમ સરહદે બ્રહ્મપુત્ર નદીની નીચલી ખીણના અંતિમ ભાગમાં નદીના વાયવ્ય તટ પર સમુદ્રસપાટીથી આશરે 34 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીં મોસમી પ્રકારની ગરમ ભેજવાળી આબોહવા અનુભવાય છે. આજુબાજુના જંગલવિસ્તારોમાંથી ઉદ્યોગને અનુરૂપ જરૂરી લાકડું અને અન્ય જંગલપેદાશો મળે છે. આથી અહીં જંગલ-આધારિત અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. વાંસ અને નેતરકામના, લાકડાં વહેરવાના, પ્લાયવૂડ, રાચરચીલાં અને દીવાસળી બનાવવાના ઉદ્યોગો મુખ્ય છે. દીવાસળી બનાવવાનું એક અદ્યતન વિશાળ કારખાનું આવેલું છે. નાના પાયાના ઉદ્યોગોમાં વપરાશી અને હસ્તકલાની ચીજવસ્તુઓ અને પ્રક્રિયા કરેલી ખાદ્ય ચીજો બનાવવાનો સમાવેશ થાય છે. તે કૃષિપેદાશો અને માછલીના વેપારનું પણ કેન્દ્ર છે.

આ નગર નદીતટ પર વસેલું હોવાથી તેને સસ્તા જળવ્યવહારની સુવિધા મળી રહે છે. આ ઉપરાંત તે રેલવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગે રાજ્ય અને દેશના અન્ય ભાગો સાથે પણ સંકળાયેલું છે.

જિલ્લો : આ જિલ્લાનું ક્ષેત્રફળ 2745.5 ચોકિમી. છે. આ જિલ્લો બ્રહ્મપુત્રની નીચલી ખીણના અંતિમ ભાગમાં આવેલો છે. અહીંથી બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશના રંગપુર જિલ્લામાં પ્રવેશે છે. જિલ્લાના ઉત્તર ભાગની થોડીક ટેકરીઓને બાદ કરતાં બાકીના પ્રદેશોમાં નદીનાં તટવર્તી મેદાનો પથરાયેલાં છે. અહીં ડાંગર, શણ, શેરડી, તેલીબિયાં, કઠોળ, શાકભાજી વગેરે પાકનું મબલક ઉત્પાદન થાય છે. મેદાનો અને ખેતીની પેદાશોને કારણે અહીં ગીચ વસ્તી કેન્દ્રિત થયેલી છે. આ જિલ્લાને બ્રહ્મપુત્ર નદીના જળવ્યવહારની તેમજ રેલવે અને ધોરીમાર્ગની સુવિધા મળી રહે છે. જિલ્લાનો વિસ્તાર 2838 ચોકિમી. છે. જિલ્લાની કુલ વસ્તી 19,48,632 (2011) છે, જ્યારે શહેરની વસ્તી 62,525 (2011) છે. વસ્તીની ગીચતાનું પ્રમાણ દર ચોકિમી.એ 467 વ્યક્તિઓ જેટલું છે.

બીજલ પરમાર