ધુત્તકખાણ

March, 2016

ધુત્તકખાણ (धूर्ताख्यान) (ઈ. સ.ની આઠમી સદી) : આચાર્ય હરિભદ્રસૂરિની પ્રાકૃત રચના. હરિભદ્રસૂરિએ મહાભારત, રામાયણ, પુરાણ જેવા ગ્રંથોની કથાઓ પર વ્યંગ્યાત્મક પ્રહાર કરી તેમની અસાર્થકતા, અસંભવિતતા અને અવિશ્વસનીયતા સિદ્ધ કરવા કટાક્ષમય શૈલીમાં પાંચ ધૂર્તોની કથા ‘ધૂર્તાખ્યાન’માં રજૂ કરી છે. આ કલ્પિત કથા પુરાણગ્રંથોની નિસ્સારતા અને અસંગતિ દર્શાવવા તાકે છે. તેની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે.

ઉજ્જૈની પાસે એક સુરમ્ય ઉદ્યાનમાં ઠગવિદ્યાના પારંગત સેંકડો ધૂર્તોની સાથે મૂલદેવ, કંડરીક, એલાષાઢ, શશ અને ખંડપાણા નામની સ્ત્રી એમ પાંચ ધૂર્તો પહોંચ્યાં ત્યારે મુશળધાર વર્ષામાં લોકો ભૂખ્યા-તરસ્યા બેઠા હતા. ભૂખ શમાવવાના ઉપાય રૂપે તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે પાંચ ધૂર્તો વારાફરતી પોતાના જીવનના અનુભવો સંભળાવે અને જે ધૂર્તનેતા તેને અવિશ્વસનીય અસત્ય પ્રમાણિત કરે તે આખી મંડળીને ભોજન કરાવે. પરંતુ જે કથનને રામાયણ, મહાભારત, પુરાણો વગેરેથી પ્રમાણિત કરે તે ધૂર્તોનો ગુરુ બને.

પહેલા ધૂર્ત મૂલદેવે પોતાના અનુભવના વર્ણનમાં કહ્યું કે પોતે માથે ગંગા ધારણ કરી છત્ર તથા કમંડળ સાથે જતાં રસ્તામાં હાથીથી ડરી કમંડળમાં પેસી છ માસ સુધી હાથી વડે અનુસરાતો કમંડળના નાળચામાંથી  બહાર નીકળી માથેથી  પડેલી ગંગામાં તરતો તરતો માલિકના ઘેર પહોંચી ગંગાને માથા પર ધારણ કરી ઉજ્જૈનીમાં હાજર થયો છે.

કંડરીકનો અનુભવ એવો હતો કે ખેલ જોતાં ગામના લોકો ચોરોના આક્રમણથી ડરી ચીભડામાં ભરાઈ ગયા. એ ચીભડાને બકરી, બકરીને અજગર અને અજગરને પક્ષી ગળી ગયું. એ પક્ષી તીરથી મરી જતાં  પક્ષીમાંની બધી વસ્તુઓની સાથે કંડરીક પણ ભાગી આવ્યો.

એલાષાઢની કથની એવી હતી કે પર્વત પર સુવર્ણરસ લાવી પોતે ખૂબ કમાયેલો. તેને ચોરોએ કાપીને કકડા કરી બોરના ઝાડ પર ફેંકવા છતાં એ કકડા જોડાઈ સજીવન થતાં તે ઉજ્જૈની આવ્યો છે.

શશની આપવીતી એવી હતી કે તલના ખેતરમાં હાથી તેની પાછળ પડતાં પોતે તલના ઝાડ પર ચઢી ગયો અને તલનું તેલ નીકળતાં હાથી તેમાં ડૂબી મર્યો એટલે પોતે ઉજ્જૈની આવ્યો છે.

ખંડપાણાની વાત એવી હતી કે યુવાનીમાં પવને કરેલા તેના ઉપભોગથી પુત્ર જન્મ્યો અને તે તરત જ ચાલ્યો ગયો તેથી પોતે ઉજ્જૈનીમાં આવી છે.

પાંચ ધૂર્તોએ આ કલ્પિત આખ્યાનો વારાફરતી સંભળાવ્યાં અને તે આખ્યાન સત્ય છે એમ પુરાણ વગેરેનાં પ્રમાણોથી સિદ્ધ કર્યું. છેવટે ખંડપાણાએ પોતાની ચતુરાઈથી એક શેઠ પાસેથી રત્નજડિત મુદ્રા પ્રાપ્ત કરીને વેચી દીધી અને તેનાથી ખાદ્યસામગ્રી ખરીદીને બધાને ભોજન આપ્યું.

આ ગ્રંથમાં લેખકે વ્યંગ્ય અને કટાક્ષના માધ્યમથી અસંભવિત કલ્પિત વાર્તાઓનો ત્યાગ કરવા સંકેત કર્યો છે. નારીને વિજયી બનાવી મધ્યકાલીન સમાજમાં નિમ્ન ગણાતા સ્ત્રીવર્ગને ઉપર ઉઠાવવા પ્રયત્ન કર્યો છે. નારી બુદ્ધિહીન કે જ્ઞાનહીન નથી કે પુરુષની વ્યક્તિગત સંપત્તિ નથી. નારીને પુરુષ કરતાં ચતુર અને ચડિયાતી તથા અન્નપૂર્ણા બતાવી છે.

કલ્પના કનુભાઈ શેઠ