ધુનિ અને ચુમુરિ

March, 2016

ધુનિ અને ચુમુરિ : ‘ધુનિ’ અને ‘ચુમુરિ’ એ બંને વેદમાં વપરાયેલા શબ્દો છે. ‘ધુનિ’ શબ્દ પ્રશિષ્ટ સંસ્કૃતમાં નદીના અર્થમાં જાણીતો છે. પરંતુ ધુનિ શબ્દનો મૂળ અર્થ અવાજ કે ગર્જના કરી રહેલ એવો છે. તેથી ગર્જના કરતા પવન, ખળખળ અવાજ કરતી નદી, ગળણીમાંથી ગળાઈને પડતો સોમરસ તેવા અર્થમાં રૂઢ થયેલો ‘ધુનિ’ શબ્દ ઋગ્વેદમાં પ્રયોજાયો છે. આવી હંમેશાં અવાજ કરનારી વસ્તુઓ માટે ‘ધુનિવ્રત’ એટલે અવાજ કરવાનું વ્રત જેણે લીધું છે તેવી વસ્તુઓ એ અર્થમાં શબ્દ પ્રયોજાયેલો જોવા મળે છે. પરિણામે, ગર્જના કરતા એક રાક્ષસ માટે ‘ધુનિ’ શબ્દ ઋગ્વેદમાં પ્રયોજાયો છે. આ રાક્ષસને મારી નાખવાનું પરાક્રમ ઇન્દ્રે કરેલું એવા નિર્દેશો ઋગ્વેદમાં મળે છે.

‘ચુમુરિ’ પણ ‘ધુનિ’ શબ્દની જેમ એક રાક્ષસને માટે ઋગ્વેદમાં વપરાયો છે. ઋગ્વેદના બીજા મંડળમાં ઇન્દ્રે ચુમુરિ નામના રાક્ષસને દભીતિ પર કૃપા કરવા ખતમ કર્યો હતો એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ચુમુરિ નામનો રાક્ષસ રામાયણના કુંભકર્ણની જેમ નિદ્રાપ્રિય હતો. છેલ્લે, એ નોંધપાત્ર છે કે ઋગ્વેદ 6/20/13માં ધુનિ અને ચુમુરિ એ બંને અસુરોનો સાથે નિર્દેશ જોવા મળે છે. ઇન્દ્રે બંનેને ખતમ કરવાનું પરાક્રમ કરેલું એવો નિર્દેશ આ મંત્રમાં છે.

પ્ર. ઉ. શાસ્ત્રી