ધામણ : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Grewia tilifolia Vahl (સં. ધનાન્, ધનુર્વૃક્ષ; હિં. ધામિન્; બં. ધામની; તે ચારચી; તા. સદાચી, ઉન્નુ; ક. ઉદુવે) છે. તે મધ્યમથી માંડી વિશાળ કદનું વૃક્ષ છે અને ભારતભરમાં મેદાની-સપાટ પ્રદેશમાં ઠેર ઠેર જોવા મળે છે. તેની વૃદ્ધિ ખીણોમાં અને દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે; જ્યાં તેનું મુખ્ય થડ 10 મી. જેટલું ઊંચું અને ઘેરાવો 2.1 મી. જેટલો કે તેથી વધારે હોય છે તે મુખ્યત્વે સૂકાં પાનખર(dry-deciduous)નાં જંગલોમાં મળી આવે છે. તેની છાલ ભૂખરી અથવા ઘેરી બદામી હોય છે. પ્રકાંડ રોમિલ હોય છે. પર્ણો સાદાં, એકાંતરિત, ઉપપર્ણીય (stipulate), બદામ આકારનાં, ખરબચડાં, 15થી 24 સેમી. લાંબાં અને 7થી 8 સેમી. પહોળાં અને ટોચ અણીદાર હોય છે. પર્ણકિનારી કુઠદંતી (renate) હોય છે. પર્ણોનો તલભાગ તિર્યકી (oblique) હોય છે. પુષ્પનિર્માણ માર્ચથી જૂન અને ફળનિર્માણ ઑગસ્ટથી ઑક્ટોબરમાં થાય છે. પુષ્પો નાનાં હોય છે અને પર્ણની કક્ષમાંથી ગુચ્છમાં ઉત્પન્ન થાય છે. ફળો અનિષ્ઠિલ (drupe) પ્રકારનાં ગોળ, વટાણાના કદનાં, 24 ખંડવાળાં, રુદ્રાક્ષ જેવાં, કાળાં અને ખાદ્ય હોય છે. તેને દેશી રુદ્રાક્ષ પણ કહે છે. તેઓ ફાલસા જેવાં જ પણ ઓછાં સ્વાદિષ્ટ હોય છે.

આકૃતિ : ધામણની પુષ્પિત શાખા

આ વનસ્પતિને ‘સફેદરસ’ (white sap) અને અંત:કાષ્ઠ (heartwood)ના સડાનો રોગ Ganoderma applanatum નામની ફૂગ દ્વારા થાય છે. મોટો ઘેરાવો ધરાવતાં વૃક્ષોના થડના મધ્યભાગને સામાન્યત: નુકસાન થયેલું હોય છે.

રસકાષ્ઠ (sapwood) પીળાશ પડતા સફેદ રંગનું અને અંત:કાષ્ઠ રતાશ પડતું બદામી કે બદામી હોય છે અને તેમાં ઘેરી રેખાઓ તથા સફેદ ટપકાં જોવા મળે છે. તેનું કાષ્ઠ પ્રમાણમાં પોચું લીસું, ભારે (વિ.ગુ. 0.72; વજન 737 કિગ્રા/ઘનમી.) ર્દઢ અરીય તલમાં સમ (even), સુરેખ (straight) અથવા કેટલીક વાર તરંગિતકણયુક્ત; મધ્યમ ગઠનવાળું અને સ્થિતિસ્થાપક હોય છે. તે તાજા ચામડા જેવી ગંધ ધરાવે છે. તેની સપાટી ઉપર તિરાડો પડવાની સંભાવના હોવા છતાં તેનું સંશોષણ (seasoning) સારી રીતે થાય છે. ક્લિન-સંશોષિત કાષ્ઠ અમર્યાદિત સમય સુધી મૂળ ચળકાટ જાળવી શકે છે.

આકૃતિ : ધામણના કાષ્ઠનો આડો છેદ

કાષ્ઠ ખુલ્લામાં કે ઢંકાયેલી – એમ બંને સ્થિતિમાં ટકાઉ હોય છે. તેને જંતુરોધી ચિકિત્સાની જરૂર નથી. તેના પર સહેલાઈથી કરવત કે ખરાદીકામ થઈ શકે છે અને તે સારી રીતે પૉલિશ ગ્રહણ કરે છે. તેની ઇમારતી કાષ્ઠ તરીકેની સાગના ગુણધર્મો સાથેની ટકાવારીમાં તુલનાત્મક ઉપયુક્તતા (suitability) આ પ્રમાણે છે : વજન 115, પાટડાનું સામર્થ્ય (strength) 110, પાટડાની દુર્નમ્યતા (stiffness) 125, થાંભલા તરીકેની ઉપયુક્તતા 125,  આઘાત-અવરોધક ક્ષમતા 145, આકારની જાળવણી 60, અપરૂપણ (shear) 140 અને કઠોરતા (hardness) 155. બળતણ માટે તે સારું કાષ્ઠ ગણાય છે. [ઉષ્મીયમાન (calorific value – રસકાષ્ઠ : 5337 કૅલરી, 9607 બી.ટી.યુ. (British thermal unit); અંત:કાષ્ઠ 5246 કૅલરી, 9443 બી.ટી.યુ.].

તેની સારી સ્થિતિસ્થાપકતાને લીધે રૂ પીલવાના ચરખામાં, તેલ જેવા પ્રવાહીના સંગ્રહ માટે પીપ, હલેસાં,. ઓજારોના હાથા, સ્તંભ, આડા દંડ, ધરી, પૈડાના આરા, પૅનલ, ફ્રેમ, કૃષિનાં ઓજારો, રાચરચીલું, ક્રિકેટ-સ્ટમ્પ વગેરે બનાવવામાં ઉપયોગી છે.

વૃક્ષની છાલ રેસાવાળી હોવાથી તેના રેસામાંથી તેમ જ ડાળીઓમાંથી ટકાઉ મજબૂત ટોપલા અને દોરડાં બનાવી શકાય છે. જૂના કાળમાં તેની છાલના રેસા વણી તેમાંથી ધનુષ્યની પણછ પણ બનાવવામાં આવતી હતી. તેથી તેને સંસ્કૃતમાં ‘ધનુર્વૃક્ષ’ કહે છે. છાલ તીક્ષ્ણ (acrid) હોય છે. અને મરડામાં અપાય છે. તે ખસ-ખૂજલી જેવા ચામડીના રોગોના પ્રકોપને દૂર કરવા લગાડવામાં આવે છે. છાલનો રસ હાડકાં સાંધવાની ક્રિયા પ્રેરે છે. કાષ્ઠ વામક (emetic) ગુણધર્મ ધરાવે છે. તેનું ચૂર્ણ અફીણના વિષાક્તન સામે વિષઘ્ન (antidote) તરીકે આપવામાં આવે છે.

ધામણનાં પર્ણો અને ડાળીઓ પશુ-આહાર માટે ઉપયોગી અને પૌષ્ટિક છે. પર્ણોના 1.0 % ટૅનિન હોય છે. તેમનો ઉપયોગ સાબુની અવેજીમાં વાળ ધોવા માટે થાય છે.

આયુર્વેદ અનુસાર, તે તૂરો, વૃષ્ય, મધુર, તીખો, બલકર, રુક્ષ, લઘુ, ધાતુવર્ધક, ક્વચિત્, ઉષ્ણ અને વ્રણરોપક છે. તે કફ, વાત, દાહ, શોષ. કંઠરોગ, રક્તરોગ, પિત્ત, કાસ અને પીનસનો નાશ કરે છે. તેનાં ફળ સ્વાદુ, શીતળ અને તૂરાં હોય છે અને કફ તથા વાતનો નાશ કરે છે તથા ક્ષત રૂઝવનાર તરીકે કાર્ય કરે છે. અતિસાર ઉપર તેની છાલમાં પાણી નાખી રસ કાઢી તેમાં શેકેલી વરીનો લોટ કાલવી દર્દીને પિવડાવવામાં આવે છે.

ધામણ એ બહુવર્ષાયુ ઘાસ(Cerchrus ciliaris Linn.)નું પણ સ્થાનિક નામ છે. તેને ‘અંજન’ પણ કહે છે. તે રેતાળ ખુલ્લા પ્રદેશોમાં થાય છે. આ ઘાસ પૌષ્ટિક હોય છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવભાઈ પટેલ