ધામણ : ભારતમાં ટેકરી જેવાં સ્થળો સહિત સર્વત્ર જોવા મળતો અજગર પછીનો સૌથી લાંબો નિર્વિષ સાપ (અં. રૅટ સ્નેક, લે. ટ્યાસ મ્યુકોસસ, કુળ કોલુબ્રિડી, શ્રેણી સ્કવૉમેટા; વર્ગ સરીસૃપ). ગુજરાતમાં સુપરિચિત છે. માદા 1.8થી 1.9 મી. અને નર 2.25 મી. આસપાસ લંબાઈ ધરાવે છે. 2.50 મી.થી લાંબા નર પણ જોવા મળે છે. દેખાવ નાગ જેવો બિહામણો પણ રૂપાળો. રંગ મેલો પીળાશ પડતો કાળો. ભીંગડાંના છેડા કાળા. આંખો મોટી, કીકી ગોળ અને સોનેરી રંગની, માથું ધડથી જુદું તરી આવતું, નસકોરાં મોટાં. બીકણ પણ આંતરાય તો ધમપછાડા કરીને આક્રમણ કરે.

ધામણ

પાળીએ તો હળી જાય તેવો, પણ મોટો થયા પછી પાળવો કઠિન. ઉંદર, દેડકાં, કાચિંડા, પક્ષી અને તેમનાં ઈંડાં તેનો ખોરાક. ઝાડ પર ચડવામાં કુશળ. પક્ષીના માળાની શોધમાં ક્યારેક ચડી જાય. મોટેભાગે તલપ્રદેશમાં વસે છે. અન્નભંડારો પાસે ધામણનો વાસ હોય ત્યાં ઉંદરોનો ઉપદ્રવ નથી થતો. આક્રમણવેળા માથાનો નીચલો ભાગ ફુલાવી બચકું ભરે છે. સ્પર્શમાં દુર્ગંધ પ્રસારે છે અને મળદ્વારમાંથી કાળો રસ બહાર કાઢે છે. દબાણમાં આવે ત્યારે સમડી જેવો તીણો સ્વર કાઢે છે. શત્રુ કે ભક્ષ્યને તેની લાંબી પૂંછડી વડે ચૂડ ભરાવીને ગાંઠ પણ વાળી શકે છે. આ ઉપરથી ઢોરના પાછલા પગે ચૂડ ભરાવી તેમને ધાવી જાય છે એવી માન્યતા પ્રચલિત છે. પણ, એ સાચું નથી. ધાવી શકે તેવું મોં સાપને હોતું નથી. તેનાં વિશિષ્ટ આકારનાં ઈંડાંમાંથી ચોમાસામાં બચ્ચાં બહાર આવે છે.

બંસીધર શુક્લ