ધાન્યપાકો : મનુષ્યના ખોરાકમાં વપરાતું અનાજ. વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજનું ઉત્પાદન વધારવું જરૂરી બને છે. કૃષિક્ષેત્રે થતા સંશોધનને પરિણામે જુદા જુદા પાકોની સુધારેલી અને વધુ ઉત્પાદન આપતી જાતો તથા તેની ખેતીપદ્ધતિઓ વિક્સાવવાથી સમગ્ર વિશ્વ અને ભારતમાં ખાદ્યપદાર્થોના ઉત્પાદનમાં વધારો થયો છે, તેમાં ધાન્ય વર્ગના પાકોનો ફાળો અગત્યનો છે. ભારતમાં સને 1950–51માં અનાજનું ઉત્પાદન 5.0 કરોડ ટન હતું, જે વધીને 1990–91માં 17.5 કરોડ ટન થયેલ છે. જેમાં ઘઉંનું ઉત્પાદન નવગણું, ડાંગરનું ઉત્પાદન ચારગણું તેમજ બાજરી, મકાઈ અને જુવારનું ઉત્પાદન ત્રણગણું વધ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ છેલ્લાં 40 વર્ષમાં ઘઉં, ડાંગર, બાજરી, જુવાર અને મકાઈના ઉત્પાદનમાં અનુક્રમે 8, 7, 6, 4 અને 3 ગણો વધારો થયેલ છે. આમ છતાં, આ પાકો ઉગાડતા વિકસિત દેશોમાં ઉત્પાદકતા કરતાં ભારતમાં ઉત્પાદકતા ઘણી જ ઓછી છે, જે માટે કૃષિસંશોધન તેમજ વિસ્તરણક્ષેત્રે સઘન પ્રયત્નોની જરૂર છે. ભારતમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી અને મકાઈ મુખ્ય ધાન્યપાકો છે, તેમનો વિસ્તાર અને ઉત્પાદન આ જ ક્રમમાં છે. હલકાં ધાન્યપાકોમાં કોદરા, નાગલ (રાગી અથવા બાવટો), બંટી, વરી, કાંગ, સામો અને ચીણો મુખ્ય છે. આ બધા જ પાકો ગ્રામીની કુળના છે.

સારણી 1 : ધાન્ય પાકોનું છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન થયેલું ઉત્પાદન લાખ ટનમાં

ક્રમ ધાન્ય 2004–2005 2005–2006 2006–2007 2007–2008 2008–2009 2009–2010 2010–2011 2011–2012 2012–2013
1. ચોખા 853 898 928 966 990 1000 1002 1020 1040
2. ઘઉં 720 715 755 785 785 785 820 840 880
3. બરછટ ધાન્ય 339 346 365 400 420 430 440 420 440

મુખ્ય ધાન્યપાકો (main cereal crops) : 1. ડાંગર (paddy) : તેનું વૈજ્ઞાનિક નામ Oryza  sativa L. છે. દુનિયામાં અને ભારતમાં કોઈ પણ પાક કરતાં ડાંગરનો વાવેતર-વિસ્તાર વિશેષ છે. દુનિયાની માનવજાતિની અડધી વસ્તીનો મુખ્ય ખોરાક ડાંગરમાંથી નીકળતા ચોખા છે. ચોખાનો ઉપયોગ રાંધવામાં અને અન્ય બનાવટોમાં થાય છે. ઉદ્યોગક્ષેત્રે તેમાંથી મમરા-પૌંઆ બનાવવામાં આવે છે, જ્યારે આડપેદાશ તરીકે મળતું ડાંગરનું પરાળ (paddy straw) પૂંઠા અને કાગળ બનાવવામાં તેમજ ઢોરના ચારા તરીકે પણ વપરાય છે.

પ્રદેશ અને વિસ્તાર : ભારતના દરેક રાજ્યમાં ડાંગર ઉગાડાય છે. સૌથી વધુ વિસ્તાર બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે. પરંતુ ઉત્પાદનમાં સૌથી મોટો હિસ્સો આંધ્રપ્રદેશનો છે. ગુજરાત રાજ્યમાં કચ્છ સિવાય બધા જ જિલ્લાઓમાં વધુઓછા પ્રમાણમાં ડાંગરની ખેતી થાય છે. ડાંગરની બે જાતિઓ છે. જેમાં ઓરિઝા સટાઇવા મુખ્ય છે. તેની ત્રણ ઉપજાતિઓ ઇન્ડિકા, જેપોનિકા અને જવાનિકા છે. ઇન્ડિકા જાત ખડતલ છે અને ભારતમાં ઉગાડાય છે. ભારતમાં 416 લાખ હેક્ટરમાં અને ગુજરાતમાં 5.7 લાખ હેક્ટરમાં ડાંગર ઉગાડવામાં આવે છે. ડાંગરની હેક્ટરે ઉત્પાદકતા 1744 કિગ્રા. ભારતમાં અને 1441 કિગ્રા. ગુજરાતમાં છે.

સારણી 2 : ચોખાનું ઉત્પાદન લાખ ટનમાં

ક્રમ રાજ્ય સામાન્ય (2007-08 થી 2011-12) 2010-2011 2011-2012 2012-2013 2012-2013 દરમિયાન ચોખાનું ઉપાર્જન ઉત્પાદન સામે ઉપાર્જન, % માં
1. આસામ 41.83 47.37 45.16 51.29 0.20 0.39
2. બિહાર 47.74 31.02 71.63 75.29 13.03 17.30
3. છત્તીસગઢ 52.23 61.59 60.28 66.09 48.04 72.69
4. ઝારખંડ 25.07 11.10 31.31 31.65 2.15 6.79
5. ઓરિસા 67.81 68.28 58.07 72.95 36.13 49.53
6. ઉત્તરપ્રદેશ 123.40 119.92 140.22 146.16 22.86 15.88
7. પશ્ચિમબંગાળ 143.50 130.46 146.06 150.24 17.55 11.68
સાત રાજ્યોનું કુલ ઉત્પાદન 501.58 469.74 552.73 596.67 139.96 23.65
સાત રાજ્યોનો હિસ્સો, %માં 51.58 48.95 52.49 56.22 41.14
સમગ્ર ભારત 972.42 959.70 1053.01 1052.41 340.24

હવામાનની વિવિધતા ઉપરાંત અનેક પ્રકારની જમીનમાં ડાંગરનો પાક ઉગાડાય છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અને ઉનાળુ પાક તરીકે ડાંગર લેવાની પ્રથા છે. વધુ નિતારવાળી જમીન માફક આવતી નથી. પાણી ભરાઈ રહે તેવી કાળી જમીન તેને માફક આવે છે. જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 8થી 10 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી હળથી બે-ત્રણ ખેડ કરી રોપાણ ડાંગર માટે પાણી ભરીને ઘાવલ કરવામાં આવે છે.

એક હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણી કરવા 10 ગુંઠામાં ધરુવાડિયું બનાવવું પડે છે. તેમાં ગાદીક્યારા બનાવાય છે. 20થી 30 કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે. 25 થી 30 દિવસે ધરુ રોપણીલાયક થાય છે. ખરી (ચોમાસું) વાવેતર માટે મે માસના અંતમાં અને ઉનાળુ ડાંગર માટે ડિસેમ્બરના અંતમાં ધરુવાડિયું તૈયાર કરાય છે. ધરુવાડિયામાં આવતાં રોગ-જીવાત સામે જરૂરી પાકસંરક્ષણનાં પગલાં લેવાં પડે છે,

ડાંગરની ફેરરોપણી બે હાર વચ્ચે 20 સેમી. અને બે છોડ વચ્ચે 15 સેમી.નું અંતર જાળવી થાણા દીઠ બે છોડને અંગૂઠાથી દાબીને કરે છે. ફેરરોપણી પછી જરૂર પડે તો ગામાં પૂરે છે. ઓરણ ડાંગર માટે હેક્ટરે 50 થી 60 કિગ્રા. બિયારણ વાપરે છે. ઓરણ ડાંગરની વાવણી સારો વરસાદ થયે બે હાર વચ્ચે 30 સેમી. અંતર રાખીને કરે છે. વાવણી બાદ સમાર મારે છે.

વહેલી પાકતી જાતોને 80 : 40 ની માત્રામાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસ કિગ્રા./ હેક્ટર અપાય છે. આ પૈકી અર્ધો નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે બે હપતે આપે છે. મોડી પાકતી જાતોને 120 : 60ના પ્રમાણમાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસ અપાય છે. નાઇટ્રોજન ત્રણ હપતે એટલે કે ફેરરોપણી સમયે પીલા ફૂટતી વખતે અને કંટી ફૂટતી વખતે આપે છે. બધો જ ફૉસ્ફરસ પાયાના ખાતર તરીકે વાવણી સમયે આપવો હિતકર ગણાય છે. ઓરણ ડાંગર માટે હેક્ટરે 50 કિગ્રા. નાઇટ્રોજન અને 25 કિગ્રા. ફૉસ્ફરસ અપાય છે. ઓરણ ડાંગરમાં બિયારણને એઝેટોબેક્ટર કલ્ચરની માવજતથી વૃદ્ધિ સારી થાય છે.

રોપાણ ડાંગરના પાકમાં તેના જીવનકાળ દરમિયાન ક્યારીમાં ઓછામાં ઓછું પાંચ સેમી. પાણી ભરી રખાય છે. જરૂર જણાય ત્યારે પાણી ઉમેરતા રહે છે. પીલાં ફૂટે, ગાભે આવે, કંટી નીકળે ત્યારે પાણી અવશ્ય હોવું જોઈએ. પણ દાણા પાકવા આવે ત્યારે ક્યારીમાંથી પાણી કાઢી નાખવું પડે છે, ઓરાણ ડાંગરને પણ જરૂર મુજબ પાણી આપી જમીનમાં ભેજ જાળવવો પડે છે.

પાછલી માવજતમાં ખાલા પૂરણી અને આંતરખેડ તેમજ નીંદણ કરાય છે.

ગાભમારાની ઇયળ, પાન વાળનારી ઇયળ, ભૂરાં કાંસિયાં, ડાંગરનાં તડતડિયાં, લશ્કરી ઇયળ વગેરે જીવાતો અને પાનનો સુકારો, ગલત અંગારિયો, કરમોડી જેવા રોગોને કાબૂમાં લેવા યોગ્ય દવાઓ વાપરી પાક-સંરક્ષણનાં પગલાં લેવાય છે.

કાપણીનો સમય ખાસ સાચવવો જરૂરી હોય છે. કાપણી કરીને ડાંગરના દાણા થ્રેશરથી કે ઝૂડીને છૂટા પાડવામાં આવે છે.

સરાસરી ઉત્પાદન 1500 કિગ્રા./હેક્ટર.

બીજ ઉત્પાદન : ડાંગર સ્વફલિત પ્રકારનો પાક હોવાથી સ્થાયી જાતોનું ન્યૂક્લિયસ, બ્રીડર, ફાઉન્ડેશન અને સર્ટિફાઇડ કક્ષાનું બીજ તૈયાર કરવામાં આવે છે. (જુઓ : ડાંગર, ‘ગુજરાતી વિશ્વકોશ’, ખંડ 8)

2. ઘઉં : તેનું વૈજ્ઞાનિક નામ Triticum aestivum, Linn. અને durum Dest છે. ગુજરાતમાં પિયત ઘઉં ટ્રિટિકમ ઍસ્ટિવમ જાતિના અને કોરાટ ઘઉં સામાન્ય રીતે ટ્રિ. ડ્યુરમ જાતિના હોય છે. કોરાટ ઘઉં ગુજરાતમાં ભાલ પ્રદેશમાં થાય છે. આ ઘઉં દાઉદખાની કે ભાલિયા ઘઉં તરીકે પણ ઓળખાય છે. કોરાટ ઘઉંના દાણા કઠણ હોય છે. તેમાંથી બનતી રોટલી, ભાખરી કે અન્ય વાનગીઓ ટકાઉ અને સ્વાદિષ્ટ હોય છે. આ ઉપરાંત ઘઉંનો ઉપયોગ પાંઉ, બિસ્કિટ બનાવવામાં થાય છે અને પરાળ-ભૂસું ઢોરને ચારા તરીકે અપાય છે.

ઘઉં ઉગાડનારા દેશોમાં રશિયા, ચીન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત મોખરે છે. ભારતમાં પંજાબ મોખરે છે. ત્યારપછી ગુજરાતનો ક્રમ આવે છે. ગુજરાતમાં આ પાક મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, ખેડા, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓમાં થાય છે. કોરાટ ઘઉં ભાલ વિસ્તારમાં ઉગાડાય છે. ભારતમાં 244 લાખ હેક્ટરમાં અને ગુજરાતમાં 6 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હેક્ટરે ઉત્પાદકતા ભારતમાં 2323 કિગ્રા. અને ગુજરાતમાં 2225 કિગ્રા. છે.

ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો પાક છે. ગુજરાતમાં શિયાળુ પાક તરીકે ઘઉં લેવાય છે. તેના પાકને રેતાળથી માંડી મધ્યમકાળી જમીન માફક આવે છે. જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 10 ટન છાણિયું ખાતર નાખવું પડે છે. ભાલ વિસ્તારની જમીનમાં દર ચાર વર્ષે હેક્ટરે એક ટન ચિરોડીનો ભૂકો જમીનમાં ઓરીને ભેળવાય છે.

હેક્ટરે 100થી 125 કિગ્રા. બીજ વપરાય છે. રોગોથી છોડનું રક્ષણ કરવા એક કિલોગ્રામ બીજ દીઠ 2–3 ગ્રામ પારાયુક્ત દવાનો પટ આપ્યા પછી બીજનું વાવેતર કરવામાં આવે છે.

બે હાર વચ્ચે 23 સેમી. અંતર રાખીને વાવેતર કરાય છે.

પિયત ઘઉંને હેક્ટરે 100 કિગ્રા. નાઇટ્રોજન અને 60 કિગ્રા. ફૉસ્ફરસ અને બિનપિયત ઘઉંને જમીનમાં સારો ભેજ હોય ત્યારે 20 કિગ્રા. નાઇટ્રોજન અને 12.5 કિગ્રા. ફૉસ્ફરસ હેક્ટર દીઠ વાવણી વખતે ડ્રિલથી આપવામાં આવે છે.

નીંદણ :  પાક 30 દિવસનો થાય ત્યારે બીજું પિયત આપ્યા પછી હાથકરબડીથી નીંદણ થાય છે.

પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે શિશ્નમૂળ ફૂટવાના સમયે, પીલાં નીકળવા સમયે, ગાભે આવવા સમયે, ફૂલ આવવા, દૂધિયા દાણા બેસવા અને પોંક થવાના સમયે પાણીની ખેંચ પડે તો ઉત્પાદન ઘટે છે. એટલે આ અવસ્થાએ પિયત આપવું જરૂરી બને છે.

ઘઉંના પાકમાં ગેરુ, પાનનો સુકારો, દાણાનો અંગારિયો જેવા રોગ અને ઊધઈ, ગાભમારાની ઇયળ, લીલી ઇયળ જેવી જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. જેનું નિયંત્રણ પાકસંરક્ષણનાં યોગ્ય પગલાં લેવાથી થઈ શકે છે.

દાણા ખરી પડતા અટકાવવા કાપણી વહેલી સવારે કરવી પડે છે. ઘઉં સુકાયા બાદ થ્રેશરની મદદથી દાણા છૂટા પડે છે. ઘઉંના દાણા સૂકવ્યા પછી જ જરૂરી દવાનો ઉપયોગ કરી સંગ્રહ થાય છે. હેક્ટરે 2થી સવા બે ટન ઉત્પાદન મળે છે.

બીજ ઉત્પાદન પદ્ધતિ : ઘઉંનો પાક સ્વફલિત પ્રકારનો હોવાથી સ્થાયી જાતોનું ન્યૂક્લિયસ, બ્રીડર, ફાઉન્ડેશન અને સર્ટિફાઇડ કક્ષાનું બીજ ઉત્પન્ન કરવામાં આવે છે. (જુઓ : ઘઉં, ‘ગુજરાતી વિશ્વકોશ’, ખંડ 6)

સારણી 3 : ખેતઉત્પાદન

ક્રમ ધાન્ય વિસ્તાર (લાખ હૅક્ટર) ઉત્પાદન (10 લાખ ટન) ઉત્પાદન (કિગ્રા./હૅક્ટર)
2010-11 2011-12 2012-13 2010-11 2011-12 2012-13 2010-11 2011-12 2012-13
1 ચોખા 428.62 440.06 427.53 95.98 105.31 105.24 2239 2393 2462
2 ઘઉં 290.69 298.65 300.03 86.87 94.88 93.50 2989 3177 3117
3 બરછટ ધાન્ય 283.39 264.22 247.61 43.40 42.40 40.04 1531 1591 1617

3. જુવાર : તેનું વૈજ્ઞાનિક નામ Sorghum bicolor (L.) Moench છે. જુવારના દાણા મનુષ્યના ખોરાક તરીકે અને ઢોરના ચારા તરીકે વપરાય છે. અમેરિકામાં લાલ જુવાર (મિલો) ઢોરના ખોરાક માટે વપરાય છે. ધાન્યપાકોમાં જુવારનો ત્રીજો ક્રમ છે.

દુનિયાના ઘણા દેશોમાં આ પાક ઉગાડાય છે. તે પૈકી આફ્રિકા, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત મોખરે છે. ઇટાલી, મંચુરિયા અને વેસ્ટ ઇન્ડીઝમાં પણ આ પાક થાય છે. ભારતમાં વધુ વિસ્તાર મહારાષ્ટ્રમાં છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ અગત્યનાં અન્ય રાજ્યો છે. ગુજરાતમાં જુવારનું વાવેતર મુખ્યત્વે મહેસાણા, ભરૂચ, સૂરત, જૂનાગઢ, વડોદરા, બનાસકાંઠા, ખેડા અને પંચમહાલ જિલ્લાઓમાં થાય છે. જુવારના વાવેતર નીચે ભારતમાં 131 લાખ હેક્ટર અને ગુજરાતમાં 4.5 લાખ હેક્ટર જમીન છે. ભારતમાં હેક્ટરે જુવારની ઉત્પાદકતા 989 કિગ્રા. અને ગુજરાતમાં 722 કિગ્રા. છે.

આ પાક ત્રણેય ઋતુઓમાં લેવાય છે, પરંતુ મુખ્ય મોસમ ખરીફ (ચોમાસું) ગણાય છે. જુવારનો પાક ગરમ પ્રદેશનો પાક છે. પાણી ભરાઈ ન રહે તેવી બધા જ પ્રકારની જમીનમાં આ પાક થાય છે. જમીન તૈયાર કરતી વેળા હેક્ટરે 5 થી 7 ટન છાણિયું ખાતર નાખી ઊંડી ખેડ કરવામાં આવે છે.

ખરીફ પાક માટે 10 થી 12 કિગ્રા./હેક્ટરે રોગપ્રતિકાર માટે 1 કિલો બીજદીઠ 1 થી 3 ગ્રામ પારાયુક્ત દવાનો પટ આપીને બીજ વાવવું પડે છે.

વરસાદ થયા પછી બીજા અઠવાડિયે વાવણી કરવામાં આવે છે. બે હાર વચ્ચે 45 સેમી. અને બે છોડ વચ્ચે 10 થી 15 સેમી. અંતર રાખી વાવેતર થાય છે. હેક્ટરે 1.8 થી 2.0 લાખ છોડની સંખ્યા જાળવવામાં આવે છે. જરૂર પડે ત્યાં ધામા પૂરવા અને પારવણી કરવામાં આવે છે. વાવણી પછી 30 થી 35 દિવસે નીંદણ કરવામાં આવે છે.

ચારાની જુવારમાં વાવણી સમયે હેક્ટરે 25 કિગ્રા. નાઇટ્રોજન અપાય છે. ખરીફ જુવારને હેક્ટરદીઠ 80 કિગ્રા. નાઇટ્રોજન અને 40 કિગ્રા. ફૉસ્ફરસ આપવામાં આવે છે.

પાછલો વરસાદ ખેંચાય તો બે પિયત અપાય છે.

મધિયો, દાણાની ફૂગ, અંગારિયો જેવા રોગ અને તમરી, કંસારી, સાંઠાની માખી, ગાભમારાની ઇયળ, ડૂંડાની ઇયળ જેવી જીવાતોને કાબૂમાં રાખવા જરૂરી પાકસંરક્ષણનાં પગલાં લેવામાં આવે છે.

કાપણી : નવેમ્બર-ડિસેમ્બરમાં પાક તૈયાર થાય છે. દાણાનો ભેજ ઓછો થવા માંડે, ત્યારે કાપણી થાય છે. કણસલાં કાપી ખળામાં સૂકવાય છે. સુકાયા પછી થ્રેશરથી દાણા છૂટા પડાય છે. પછી તેનો સંગ્રહ થાય છે.

સંકર જાતોનું વાવેતર વધતાં લામપાક લેવાની શરૂઆત થઈ છે. સામાન્ય રીતે મૂળ પાક કરતાં પહેલાં લામનું ઉત્પાદન થોડું વધારે મળે છે.

સ્થાયી અને સંકર જાતો એમ બંને પ્રકારનું બીજ ઉત્પાદન કરાય છે. (જુઓ : ‘ગુજરાતી વિશ્વકોશ’, ખંડ 7)

4. બાજરી : તેનું વૈજ્ઞાનિક નામ Penuisetum typhodes S. & H. છે. ભારતમાં ડાંગર, ઘઉં, જુવાર, પછી બાજરીનું સ્થાન આવે છે. બાજરીની ઉપયોગિતા તેના દાણા અને ચારાને લીધે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં બાજરીના રોટલા મુખ્ય ખોરાક છે. બાજરીના રોટલા પચવામાં ભારે છે. ઠંડીના દિવસોમાં બાજરીના રોટલા, માખણ, રીંગણનો ઓળો અને દહીં મજેદાર ખાણું છે. ગરીબ લોકો માટે મરચું અને રોટલો મુખ્ય ખોરાક છે.

રાજસ્થાન બાજરીનો સૌથી વધુ વાવેતરવિસ્તાર ધરાવે છે, પરંતુ ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. મહારાષ્ટ્ર ત્રીજું અગત્યનું રાજ્ય છે. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા, મહેસાણા, ખેડા, અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ વગેરે જિલ્લાઓ બાજરીના પાક માટે જાણીતા છે. જામનગરમાં ગુજરાતનું બાજરીનું મુખ્ય સંશોધનકેન્દ્ર છે. ભારતમાં બાજરી 105 લાખ હેક્ટરમાં થાય છે. બાજરીની ભારતમાં હેક્ટરે ઉત્પાદકતા 824 કિગ્રા. અને ગુજરાતમાં 1298 કિગ્રા. પ્રતિ હેક્ટર છે.

ગરમ અને સાધારણ ભેજવાળી આબોહવામાં આ પાક ઉગાડાય છે. ફૂલ આવવાના સમયે વરસાદ અને ગરમી માઠી અસર કરે છે. બાજરી નબળી જમીનનો પાક છે. રેતાળ, છીછરી કે ગોરાડુ તેમજ  મધ્યમકાળી નિતારવાળી જમીન બાજરીને વધુ માફક આવે છે. હેક્ટરે 10 થી 15 ટન છાણિયું ખાતર નાખી જમીન તૈયાર કરવામાં આવે છે.

વહેલી પાકતી સંકર જાતો ચોમાસું પાક તરીકે વધુ સફળ રહેલ છે. આવી જાતોનું વાવેતર જૂન-જુલાઈમાં થાય છે. ઉનાળુ બાજરીનું વાવેતર ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે. હેક્ટરે બીજ 3થી 4 કિગ્રા. પૂરતું છે.

વધુ ઉત્પાદન મેળવવા વાવેતર વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં છોડની સંખ્યા જાળવવી પડે છે. જરૂર જણાય તો પારવણી કરી એ ખાલાં પુરાય છે.

હેક્ટરે 40 કિગ્રા. નાઇટ્રોજન અને 40 કિગ્રા. ફૉસ્ફરસ પાયાના ખાતર તરીકે 40 કિગ્રા. નાઇટ્રોજન પૂર્તિખાતર તરીકે વાવેતર પછી 30 દિવસે અપાય છે.

સમયસર આંતરખેડ અને નીંદણ કરવું ખાસ જરૂરી છે.

નિયમિત અને પૂરતો વરસાદ ન હોય તો ફૂટ આવે, ફૂલ આવવાની અને દાણાની વિકાસ અવસ્થાએ પિયત આપવું પડે છે. ઉનાળુ પાકને 6થી 8 પિયત અપાય છે.

સૌરાષ્ટ્રના સૂકી ખેતી વિસ્તારમાં બાજરીના પાકમાં ચાર હારદીઠ એક હાર તુવેરની વાવીને બાજરીની ખેતી વધુ નફાકારક બનાવાય છે.

કુતુલ, અરગટ, અંગારિયો, ગેરુ જેવા રોગો અને ધૈણ (ડોળ), કાતરા, ખપૈડી, સાંઠાની માખી, ગાભમારાની ઇયળ વગેરે જીવાતોને કાબૂમાં લેવા માટે પાકસંરક્ષણનાં પગલાં જરૂરી બને છે.

બાજરીનો પાક 70 થી 90 દિવસે તૈયાર થાય છે. ઊભો પાક લણી શકાય તેમજ પાકને કાપી લીધા પછી ડૂંડાંની લણણી કરી શકાય. ડૂંડાં ખળામાં બરાબર સુકાયા બાદ બીજ અલગ કરવામાં આવે છે. હેક્ટરે 1500 કિગ્રા. બાજરી મળે છે. ઉનાળુ બાજરી હેક્ટરે બે ટન જેટલી થાય છે.

બીજઉત્પાદન : અગાઉ સ્થાયી જાતોનું એટલે કે દેશી બાજરી/ બાજરીનું વાવેતર થતું હતું. હવે મુખ્યત્વે વવાતી સંકર જાતોનું બિયારણ નર વંધ્ય માદા અને પૂર્ણ દ્વિલિંગી નરછોડ લાઇનના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે.

સારણી 4 : જુવાર, મકાઈ અને બાજરીનું ઉત્પાદન, 10 લાખ ટનમાં

ક્રમ 1970-71 1980-81 1990-91 2001-02 2009-10 2010-11 2011-12 2012-13 2013-14
1 જુવાર 8.1 10.4 11.7 7.5 6.7 7.0 6.0 5.3 5.3
2 મકાઈ 7.5 7.0 9.0 12.0 16.7 21.7 21.8 22.3 24.2
3 બાજરી 8.0 5.3 6.9 6.8 6.5 10.4 10.3 8.7 9.2

5. મકાઈ : તેનું વૈજ્ઞાનિક નામ Zea maizes L. છે. ધાન્ય પાક તરીકે આ પાકની અગત્ય ઓછી છે; પરંતુ આદિવાસી વિસ્તારમાં મકાઈ મુખ્ય ધાન્યપાક તરીકે ઉગાડવામાં આવે છે. અમેરિકામાં મકાઈ મુખ્યત્વે જાનવરના ખોરાક તરીકે વવાય છે. ઉપરાંત તેમાંથી તેલ અને મેંદો (સ્ટાર્ચ) બનાવાય છે. દૂધિયા અવસ્થામાં મકાઈના ભુટ્ટા શેકીને ખાવામાં આવે છે. મકાઈનો ચેવડો પણ સારો બને છે. ઢોરના ચારા માટે મકાઈની લીલી ચાર અને સૂકી કડબ વપરાય છે.

મકાઈ ઉત્તર અને દક્ષિણ અમેરિકાનો પાક છે. અમેરિકામાં સંકર જાતનું હેક્ટરે 5 થી 6  ટન ઉત્પન્ન મળે છે. ભારતમાં ઉત્પાદનનો સૌથી મોટો હિસ્સો ઉત્તરપ્રદેશનો છે. બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ પાક અગત્યનો છે. ગુજરાતમાં આ પાકનું વાવેતર સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા અને ખેડા જિલ્લાઓમાં થાય છે. ગુજરાતમાં સાડાત્રણ લાખ હેક્ટર જમીનમાં મકાઈ થાય છે. જ્યારે ભારતમાં 60 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. હેક્ટરે ઉત્પાદકતા ભારતમાં 1694 કિગ્રા. અને ગુજરાતમાં 1515 કિગ્રા. છે.

આ પાકને ગરમ અને સાધારણ ભેજવાળું હવામાન માફક આવે છે. મકાઈને સારા નિતારવાળી ફળદ્રુપ, ગોરાડુ કે બેસર ગોરાડુ જમીન માફક આવે છે. જમીન તૈયાર કરતી વખતે હેક્ટરદીઠ 5થી 7 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવવામાં આવે છે.

ચોમાસું મકાઈનું વાવેતર જૂન-જુલાઈમાં કરવામાં આવે છે. જ્યારે શિયાળુ મકાઈ ઑક્ટોબર-નવેમ્બરમાં વવાય છે. હેક્ટરે 25 કિગ્રા. બિયારણની જરૂર પડે છે. છોડની સંખ્યા જાળવવા ખાલાં પૂરવાની કાળજી લેવાય છે. સ્થાયી જાતો 60 × 20 સેમી.ના અંતરે અને સંકર જાતો 75 × 20 સેમી.ના અંતરે વવાય છે.

સ્થાયી જાતો માટે નાઇટ્રોજન અને ફૉસ્ફરસ અનુક્રમે 60 અને 30 કિગ્રા./હેક્ટર અને સંકર જાતો માટે 100 અને 50 કિલોગ્રામ/હેક્ટર આપવાનું હોય છે. તે ખાતરો પૈકી ફૉસ્ફરસનો પૂરો જથ્થો વાવેતર-સમયે, જ્યારે નાઇટ્રોજનનો અર્ધો જથ્થો વાવેતર-સમયે અને બાકીનો અર્ધો જથ્થો પૂર્તિ ખાતર તરીકે બે હપ્તામાં અપાય છે.

ચોમાસુ પાકને પિયત આપવાની જરૂર રહેતી નથી, પણ શિયાળુ મકાઈને 5થી 6 પિયત આપવાં જરૂરી હોય છે.

બે થી ત્રણ વખત કરબડીથી આંતરખેડ કરે છે અને એકાદ નીંદણ કરે છે. પૂર્તિખાતર આપ્યા પછી મકાઈના છોડને પાળા ચઢાવવામાં આવે છે.

ગાભમારાની ઇયળ, લશ્કરી ઇયળ, કાતરા, ખપૈડી જેવી જીવાતને કાબૂમાં લેવા જરૂરી ઉપાયો કરવામાં આવે છે.

સંકર જાત 90થી 110 દિવસે અને દેશી સમેરી 70 દિવસે તૈયાર થાય છે. મકાઈના દાણા પાકટ થાય અને ડોડા સુકાવા માંડે ત્યારે ડોડાની કાપણી કરી લેવાય છે. ડોડા સૂકવી, યંત્રની મદદથી દાણા છૂટા પાડવામાં આવે છે. અથવા સૂકા ડોડા સંગ્રહી રાખવામાં આવે છે. હેક્ટરે 1500 કિલોગ્રામ મકાઈ દાણા ઉત્પન્ન થાય છે.

મકાઈનો પાક પરપરાગનયની એકગૃહી (monosticheous) પ્રકારનો હોવાથી ચમરી કાઢી નાખી (detasseling) અથવા વંધ્યનર લાઇનના ઉપયોગથી સંકર જાતોનું બિયારણ સહેલાઈથી ઉત્પન્ન કરી શકાય છે. સ્થાયી જાતોના એકલન(આઇસોલેશન)માં વૃદ્ધીકરણ થાય છે.

હલકાં ધાન્યપાકોમાં કોદરા, નાગલી, બંટી, વરી, કાંગ, સામો વગેરે છે. આ પાકોનું વાવેતર દક્ષિણ ગુજરાતના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં તથા પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં વધારે થાય છે. આ પાકો આદિવાસી લોકોના મુખ્ય ખોરાક છે. નાગલી, વરી, બંટી, કોદરાની ખેતીપદ્ધતિ લગભગ સરખી છે, જેની વિગત સારણી 5માં આપી છે.

ધાન્ય-પાકોના ભારતમાં અને ગુજરાતમાં થતા ઉત્પાદનના આંકડા અનુક્રમે સારણી 6માં આપ્યા છે.

સારણી 5 : ગૌણ અથવા હલકા ધાન્યપાકો અંગે સંક્ષિપ્તમાં માહિતી

અનુ.

નં.

ગુજરાતી નામ

અંગ્રેજી નામ

વૈજ્ઞાનિક નામ

પ્રદેશ અને

વિસ્તાર

આબોહવા

અને જમીન

વાવેતરની

પદ્ધતિ

સ્થાનિક કે

સુધારેલી

જાતો

પાકસંરક્ષણ કાપણી અને

ઉત્પાદન/

હેક્ટરે

1 2 3 4 5 6 7 8
1. કોદરા

Kodo millet

Paspalum-

scrobiculat-

ભારત, જાપાન

ચીન, મલેશિયા

ભારતમાં કેરળ,

કર્ણાટક, મહારાષ્ટ્ર

um, L.

પંચમહાલ, ખેડા,

ડાંગ – 60,000 હે.

સાધારણ ગરમ,

પણ ભેજવાળું

હવામાન, હલકી

ડુંગરાળ જમીન

ગુજરાત :

જૂનમાં વાવેતર

ઓરીને 10 કિલો

બિયારણ/હેક્ટર

અંતર

45 × 10 સેમી.

ગુજરાત

કોદરા 1

અરગટ, થડ કોર

ખાનાર ઇયળ

સામે પગલાં લેવાં

110 થી 115

દિવસે પાકે.

ઉતાર 2200 કિલો.

um, L.

2. નાગલી/રાગી

બાવટો finger-

millet Eliusine

coracune,

Gaerth

ભારત, ચીન,

પૂર્વ યુરોપ,

આફ્રિકા, ગુજરાત

પંચમહાલ, ડાંગ,

વડોદરા

ઓછા વરસાદ-

વાળો ગરમ પ્રદેશ.

ડુંગરાળ પણ

નિતારવાળી

જમીન

ધરુ તૈયાર કરીને અંતર 30 × 7.5

સેમી. જૂનમાં

ફેરરોપણી

ગુજરાત નાગલી 1

ગુજરાત નાગલી 2

ગાભમારાની ઇયળ

અને કરમોડી સામે

પાકસંરક્ષણનાં

પગલાં

125થી 135

દિવસે પાકે.

ઉતાર 1200 કિગ્રા.

3. કાંગ Italian-

millet Setaria-

italica, L.

ભારત, ચીન,

પૂર્વ યુરોપ,

રશિયા, આફ્રિકા,

ભારતમાં કર્ણાટક,

ઉ.પ્ર., આંધ્ર અને

મધ્યપ્રદેશ,

પંચમહાલ, ડાંગ,

ભરૂચ, મહેસાણા

સાધારણ ગરમ

હવામાન, વાર્ષિક

50થી 75 સેમી.

વરસાદ. સારા

નિતારવાળી કાળી,

લાલ કે ગોરાડુ

જમીન

બીજથી જૂન-જુલાઈ

તેમજ ફેબ્રુ-માર્ચમાં

વાવેતર ઓરીને

8થી 10 કિલો

બિયારણ/હેક્ટરે

સ્થાનિક જાત રોગ-જીવાત સામે

પગલાં લેવાં.

ઉતાર ખરીફ 600થી

1000 કિગ્રા.

ઉનાળુ 1000થી

1500 કિગ્રા.

4. વરી little

millet,

Penicum-

milliaze

ગુજરાતમાં ડાંગ

અને પંચમહાલ

જિલ્લાઓ

ગરમ હવામાન,

જમીન લાલ,

ગોરાડુ, વરસાદની

જરૂર ઓછી

જૂનમાં વાવેતર

અંતર

30 × 7.5

સેમી. બીજ દર

2 થી 3 કિગ્રા./

હેક્ટરે

ગુજરાત વરી 1 120થી 125 દિવસે

પાકે. 1200થી 1500

કિગ્રા.

5. સામો Barnyazd-

millet, Echin-

ochloa-frume-

ntace a, L.

ભારત, ચીન,

જાપાન, મલેશિયા,

ગુજરાતમાં બનાસ-

કાંઠા, સાબરકાંઠા,

ડાંગ, મહેસાણા,

પંચમહાલ

જિલ્લાઓ

ગરમ પણ ભેજ-

વાળી આબોહવા,

જમીન ગોરાડુ

પણ ફળદ્રૂપ

બીજથી ઓરીને

અંતર 30 સેમી.

બીજ દર 4થી 5

કિગ્રા./હેક્ટરે

સ્થાનિક જાત ntace a, L. 80થી 90 દિવસે

પાકે. ઉતાર 800થી

1000 કિગ્રા.

કાંઠા, સાબરકાંઠા,

6. બંટી

Torpedo grass,

Echinocldoa

stagniea

ઉપર મુજબ ઓછો વરસાદ,

ગરમ હવામાન,

ડુંગરાળ કે મધ્ય-

કાળી જમીન

ઉપર મુજબ સ્થાનિક જાત

અને ગુજરાત

બંટી 1

110થી 123 દિવસે

પાકે. ઉત્પાદન

2000થી 2500

કિગ્રા.

 

સારણી 6 : ધાન્યપાકોનું ગુજરાતમાં ઉત્પાદન

વર્ષ વાવેતરનો

વિસ્તાર

(‘000’ હે.)

કુલ ઉત્પાદન

(‘000’ ટન)

હેક્ટરદીઠ

ઉત્પાદન

(કિગ્રા./હે.)

ધાન્યનું નામ : ડાંગર
2003-04 675.3 1277.0 1891
2004-05 685.6 1238.2 1806
2005-06 666.0 1298.0 1949
2006-07 734.0 1390.0 1894
2008-08 759.0 1474.0 1942
2008-09 747.3 1302.9 1744
ધાન્યનું નામ : ઘઉં
2003-04 759.5 2036.5 2681
2004-05 727.4 1805.5 2482
2005-06 916.0 2473.0 2700
2006-07 1201.0 3000.0 2498
2007-08 1274.0 3838.0 3013
2008-09 1091.4 2592.6 2376
ધાન્યનું નામ : જુવાર
2003-04 172.6 173.6 1006
2004-05 179.8 207.5 1154
2005-06 130.0 148.0 1139
2006-07 124.0 103.0 831
2007-08 128.0 157.0 1227
2008-09 174.2 208.2 1195
ધાન્યનું નામ : બાજરી
2003-04 1071.2 1599.9 1494
2004-05 925.2 1084.7 1172
2005-06 917.0 1072.0 1169
2006-07 937.0 1019.0 1088
2007-08 921.0 1307.0 1419
2008-09 703.3 961.3 1367
ધાન્યનું નામ : મકાઈ
2003-04 484.5 831.9 1717
2004-05 459.5 412.5 898
2005-06 498.0 560.0 1125
2006-07 520.0 363.0 698
2007-08 424.0 583.0 1375
2008-09 426.9 602.6 1412

ઝીણાભાઈ શામજીભાઈ કાત્રોડિયા