ધાતુવિદ્યા : કાચી ધાતુની ઓળખ, તેમાંથી મૂળ ધાતુને ગાળવી, ઓગાળવી અને પછી તેમાંથી ચોક્કસ પદ્ધતિઓ દ્વારા વિવિધ ચીજો, ઓજારો અને હથિયારો બનાવવાનો કસબ.
ભારતમાં ધાતુવિદ્યા અને તેના ઉપયોગ પર આધારિત માનવજીવનના મુખ્ય ચાર તબક્કાઓ પડે છે. તેમાં પાષાણયુગ, તામ્રપાષાણયુગ, તામ્રકાંસ્ય-યુગ અને લોહયુગ કે લોહના ઉપયોગ સાથે સંકળાયેલ સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આમાં પાષાણયુગનો સમયગાળો ઘણો લાંબો છે. તેમાં પથ્થરનાં ઓજારો અને હથિયારો વપરાતાં અને જીવન અસ્થિર હતું. પછી તાંબાની શોધ થતાં પથ્થરનાં ઓજારો, હથિયારો સાથે તાંબાનાં ઓજારો, હથિયારો અને ચીજો વપરાવાં શરૂ થયાં તેને તામ્રપાષાણયુગ કહેવામાં આવે છે. તેમાં માનવ સ્થિર થયો અને ખેતી, પશુપાલન તથા તેને આધારિત ઉદ્યોગધંધા વિકસ્યા. સિંધુ સંસ્કૃતિમાં તાંબાની સાથે કાંસાની વિદ્યા અને ઉપયોગ શરૂ થયો અને વિકસ્યો. આથી તેને તામ્રકાંસ્ય-સંસ્કૃતિ પણ કહેવાય છે. આ બંને ધાતુના બહોળા ઉપયોગે ઉદ્યોગધંધા અને વ્યાપાર વિકસ્યા અને ભારતમાં ધાતુવિદ્યા પર આધારિત પ્રથમ ઉદ્યોગીકરણ શરૂ થયું. પરિણામે વિસ્તૃત રીતે સામાજિક-આર્થિક અને રાજકીય માળખું અસ્તિત્વમાં આવ્યું. જ્યારે ભારતનાં અન્ય સ્થળોએ ઈ. સ. પૂ. 2000થી ઈ. સ. પૂ. 1200ની વચ્ચે તામ્રપાષાણ-સંસ્કૃતિઓનું ગ્રામજીવન ચાલુ રહ્યું; પરંતુ પછીથી ભારતમાં લોખંડની શોધ થવાથી લોહયુગ શરૂ થયો અને તેના વિપુલ ઉત્પાદન અને બહોળા ઉપયોગે ભારતમાં બીજા ઉદ્યોગીકરણનો પાયો નાંખ્યો.
પથ્થરયુગમાં પથ્થરનાં ઓજારો, હથિયારો સ્થાનિક કાચા માલમાંથી ત્યાં જ બનાવાતાં. સિંધુ સંસ્કૃતિના ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000ના કાળમાં તાંબાની આયાત રાજસ્થાન અને સુસાલાથી થતી. આ તાંબાને ગોળ, નળાકાર નાના ખાડામાં કોલસા ભરીને તેમાં માટીનાં પહોળા મોઢાવાળાં વાસણોમાં તાંબું ઓગાળીને જરૂરી ઓજારો, હથિયારો અને અન્ય ચીજો બનાવાતી. રાજસ્થાનમાં ઈ. સ. પૂ. 2800થી ઈ. સ. પૂ. 2000ના ગાળામાં મોટા પ્રમાણમાં તાંબું ગળાતું અને તેમાંથી અનેક ચીજો બનાવાતી. ઉત્તર ભારતમાં તાંબાની વિદ્યા અને તેનો ઉપયોગ જાણીતાં હતાં. દક્ષિણ ભારતમાં તાંબું ગળાતું અને તેની મર્યાદિત ચીજો બનાવાતી. ઈ. સ. પૂ. 2000થી ઈ. સ. પૂ. 1200ના ગાળાની ભારતની તામ્રપાષાણકાલીન સંસ્કૃતિઓમાં તાંબાની આયાતી મર્યાદિત ચીજો વપરાતી. કાંસાનો ઉપયોગ સિંધુ સંસ્કૃતિના વિસ્તારોમાં જ થતો. તાંબામાં 10 % ટિન મેળવી તે બનાવાતું અને તાંબાની જેમ જ તેમાંથી ચીજો બનાવાતી.
લોખંડ ગાળવાની, ઓગાળવાની અને ઘાટ ઘડવાની વિદ્યા ઈ. પૂ. દસમી સદીની ચિત્રિત ભૂખરાં વાસણોવાળી, કાળાં અને લાલ વાસણો- વાળી અને ગેરુરંગી વાસણોવાળી સંસ્કૃતિઓ સાથે સંકળાયેલી છે. આ વિદ્યા બહારથી ભારતમાં આવી મનાય છે. લોખંડની વિવિધ કાચી ધાતુઓમાંથી મોટા ખુલ્લા ભઠ્ઠામાં 1540o સે. તાપમાને લોખંડ ગળાતું. ઓગાળેલા લોખંડમાંથી ઢાળા અને ઘડતર તથા બંનેની સંયુક્ત પદ્ધતિથી ઓજારો, હથિયારો, વાસણો અને અન્ય અનેક ચીજો બનાવાતી. આ ઓજારો ટકાઉ અને મજબૂત હતાં. લોખંડના બહોળા પ્રમાણ અને ઉપયોગ સાથે ભારતમાં ખેતી અને ઉદ્યોગના ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ અને આર્થિક-રાજકીય વિકાસનો બીજો તબક્કો શરૂ થયો. ભારતમાં સોના તથા ચાંદીમાંથી ઘરેણાં, મણકા અને અન્ય ચીજો બનાવાતી, જેમાં ઉચ્ચ કક્ષાની વિદ્યા અને કારીગરી છતાં થાય છે.
સુમનબહેન પંડ્યા