ધાઉ : પૂર્વ આફ્રિકા, અરબસ્તાન અને ભારતના દરિયાકાંઠાની ખેપ કરતું અરબી વહાણ. ધાઉ શબ્દનું મૂળ સ્થાન ઈરાની અખાતનો પ્રદેશ છે. ઍલન વિલિયર્સ કુવૈતને આ વહાણના જન્મસ્થાન તરીકે માને છે. તેના કચ્છી અને અરબી બે પ્રકાર છે. કેટલાક ઈરાની ધાઉનો ત્રીજો પ્રકાર પણ જણાવે છે. ધાઉથી મોટા કદનું વહાણ બગલો કે ભૂમ તરીકે ઓળખાય છે.
આ વહાણના સઢ ઘાટીલા અને કાતરા કે ત્રિકોણિયા હોય છે, જેથી પરમાણ લાંબાં રાખવાં પડે છે. કાતરા સઢ વહાણની ગતિ વધારે છે. સઢનાં ગોસ નાનાં હોય છે, મોરો ઢળતો હોય છે. તેનો આકાર પોપટના માથા કે ચાંચ જેવો હોય છે. પાછળના ભાગે ચિતરામણ હોય છે. મોટા વહાણમાં બારી પણ હોય છે. તેના એકથી ત્રણ કૂવાથંભ હોય છે. આ વહાણ 150–200 ટનનું હોય છે, અને આ વહાણ ઉપર 150 ખલાસીઓ હોય છે.
કચ્છી કોટિયા કે ધાઉ મિયાણા કે અન્ય ખારવા ચલાવે છે. આ પ્રકારનું વહાણ કચ્છ, સૌરાષ્ટ્ર અને મલબારમાં બંધાય છે. કચ્છી ધાઉની સામા પવનમાં અરબી ધાઉ કરતાં ઝડપી ચાલ હોય છે, પણ તે અરબી વહાણ કરતાં ઓછો માલ ઉપાડે છે. આરબ તથા અન્ય વહાણવટીઓ ધાઉની તેજ ગતિને કારણે ગુલામોના વેપાર માટે તેનો ઉપયોગ કરતા હતા. ઈરાની અખાત અને રાતા સમુદ્રનો કાંઠા સાથેનો દરિયાઈ વાહનવ્યવહાર આ પ્રકારના વહાણ દ્વારા થતો હતો.
1833ના જૂનમાં રૉયલ સોસાયટી ઑવ આયર્લૅન્ડની એક સભામાં સર જૉન માલકમે કચ્છી બગલા, ધાઉ અને બતેલાના નકશાઓ રજૂ કર્યા હતા. અંગ્રેજોના ‘ઈસ્ટ ઇન્ડિયામૅન’ પ્રકારના તેજ ગતિવાળા જહાજ માટે નમૂના રૂપે કચ્છી કોટિયો અને ધાઉ લેવાયાં હતાં. એમ કહેવાયું છે કે જગતના ઇતિહાસમાં ધાઉ કે ઢઉ કરતાં કોઈ પણ વહાણે વિશેષ પાઠ ભજવ્યો નથી. પરમાણ પણ ચાંદ જેટલું જ મહત્વનું ધર્મચિહન ગણાય છે. મુસ્લિમ ધર્મ ફેલાવવામાં ઝડપી ગતિવાળા ધાઉનો મહત્વનો ફાળો છે.
શિવપ્રસાદ રાજગોર