ધસ (spur) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. કરોડરજ્જુમાંથી ફંટાઈને નીકળતી પાંસળીઓની જેમ પર્વતોમાંથી આડી ફંટાતી નાની ડુંગરધારો અથવા ડુંગરધારોમાંથી આડી ફંટાતી નાની ટેકરીઓ, જે ધીમે ધીમે વિસ્તરીને નજીકના સપાટ ભૂમિભાગમાં ભળી જાય છે. આમ મુખ્ય પર્વત કે ડુંગરધારમાં બહાર પડી આવતા અલગ ભૂમિસ્વરૂપને ધસ કહે છે. કિલ્લાની મુખ્ય દીવાલના રક્ષણ અર્થે ચણેલા આધાર જેવા તે દેખાય છે. આ પ્રકારના ભૂમિસ્વરૂપની સમોચ્ચવૃત્તરેખાઓ (contours) બહાર તરફ ઊપસી આવતી હોય છે. તેમના ઢોળાવો સામાન્ય રીતે બહિર્ગોળ આકારના હોય છે. જો ધસ ઉગ્ર ઢોળાવમાં એકાએક પૂરો થઈ જાય તો તેને ‘bluff’ કહે છે, જે મોટે ભાગે ખીણમાં જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા