ધંધાકીય એકત્રીકરણ (business integration) : સમાન આર્થિક હેતુ સિદ્ધ કરવા માટે ઔદ્યોગિક અથવા વ્યાપારી એકમોનું ધંધાકીય જોડાણ (combination) અથવા વિલયન (merger, amalgamation). મોટા પાયાના ઉત્પાદનના એટલે કે કદવિકાસના લાભ હાંસલ કરવા માટે અને કિંમતોનું નિયમન તથા ઉત્પાદનના કદ પર નિયંત્રણ દ્વારા હરીફાઈ ટાળવા માટે ઔદ્યોગિક તથા વ્યાપારી ઘટકોનું એકત્રીકરણ કરવામાં આવે છે. એકત્રીકરણ કરવાથી વ્યવસ્થાખર્ચ ઉપરાંત આનુષંગિક ખર્ચમાં ઘટાડો કરી શકાય છે અને તેને લીધે ઔદ્યોગિક અને વ્યાપારી એકમોના નફામાં વધારો થઈ શકે છે, જે મૂડીવાદી વ્યવસ્થાનો મુખ્ય હેતુ હોય છે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓને મુક્ત સ્પર્ધા અને સરકારી નિયંત્રણોથી મુક્ત અર્થતંત્રમાં શ્રદ્ધા હતી. તેમના મતે મુક્ત સ્પર્ધા એ આર્થિક વિકાસની પૂર્વશરત ગણાય. ઔદ્યોગિક ક્રાંતિ પછીના પ્રારંભિક કાળમાં આર્થિક ક્ષેત્રે અને ખાસ કરીને ઉત્પાદનની વૃદ્ધિની બાબતમાં જે વલણો ર્દષ્ટિગોચર થયાં તેનાથી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારસરણીની યથાર્થતા પ્રગટ થઈ; પરંતુ ત્યારપછીના ગાળામાં તંદુરસ્ત હરીફાઈનું સ્થાન ગળાકાપ હરીફાઈએ લીધું, જેમાં મહત્તમ વેચાણ દ્વારા મહત્તમ નફો કમાવા માટે કિંમતઘટાડો મુખ્ય સાધન બન્યું. ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં (1875–1895) ચીજવસ્તુઓના ભાવોમાં આ રીતે ઘટાડો થતાં નફાનું પ્રમાણ ઘટતું ગયું, જેના ઉકેલ રૂપે ધંધાકીય એકત્રીકરણનો સહારો લેવામાં આવ્યો. આમ, એકત્રીકરણ દ્વારા ‘જીવો અને જીવવા દો’ના સિદ્ધાંતના અમલ દ્વારા ઇજારાશાહીના લાભ મેળવવાની પ્રક્રિયા દાખલ થઈ.

એકમોના એકત્રીકરણ દ્વારા મોટા પાયા પર ઉત્પાદન અને તૈયાર માલના વેચાણની પ્રક્રિયા સાથે સંકળાયેલ લાભ મેળવી શકાતા હોવાથી એકત્રીકરણને પ્રોત્સાહન મળતું ગયું. દેશના બાલ્યાવસ્થા ધરાવતા ઔદ્યોગિક ઘટકો એકત્રીકરણ કરે તો પરદેશના પૂર્ણ વિકસિત ઉદ્યોગોના આર્થિક આક્રમણનો વધુ અસરકારક રીતે સામનો કરી શકે તથા દેશના ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે સંરક્ષણ આપવાની સરકારની નીતિનો પણ પૂરેપૂરો લાભ મેળવી શકે. કેટલીક વાર તાત્કાલિક આર્થિક લાભ મેળવવા સિવાયના હેતુઓ માટે પણ એકત્રીકરણ થતું હોય છે; દા. ત., એકત્રીકરણને લીધે પેઢીનું કદ મોટું થવાથી ‘મોટા દેખાવાની આકાંક્ષા’ (cult of colossal) પોષાતી હોય છે તથા માલિકોની સત્તા, લાગવગ તથા તેમના સામાજિક મોભામાં વધારો થતો હોય છે. તેને લીધે લાંબે ગાળે આર્થિક લાભ પણ હાંસલ થાય છે. ઔદ્યોગિક કે વ્યાપારી એકમોના એકત્રીકરણથી વ્યવસ્થા અને સંગઠનશક્તિ તથા તે અંગેની આવડત, ધંધાની સૂઝ વગેરેમાં વધારો થાય છે. વળી મૂડીમાં વધારો થતાં ઉત્પાદનમાં અન્ય સાધનોનું સહિયારું ભંડોળ ઊભું થતું હોય છે. તેના કેટલાક લાભ એકત્રિત થયેલા ઘટકોને મળતા હોય છે; દા. ત., આવું  એકત્રીકરણ વ્યાપારચક્રીય વલણોનો તથા અન્ય પ્રકારનાં ધંધાકીય જોખમોનો સામનો વધુ અસરકારક રીતે કરી શકતું હોય છે. ઔદ્યોગિક કે વ્યાપારી ઘટકો નાના કદનાં હોય તો તેમને અભિનવીકરણ કે આધુનિકીકરણ (rationalisation) દાખલ કરવું આર્થિક રીતે પોસાય નહિ, પરંતુ એકત્રીકરણ કરવાથી તે શક્ય બને છે, જેને લીધે શ્રમ અને સાધનોનો વધુ ઇષ્ટ ઉપયોગ કરી શકાય છે. અર્થશાસ્ત્રીઓ એમ પણ સ્વીકારે છે કે આર્થિક આયોજનનો માર્ગ અપનાવનાર દેશો માટે પણ ઔદ્યોગિક એકત્રીકરણ લાભકારક નીવડી શકે છે. આયોજિત અર્થવ્યવસ્થામાં સ્વરૂપગત રીતે કેટલાંક નિયંત્રણો મૂકવાં પડે છે; દા. ત., ઉત્પાદન એકમનું વિસ્તૃતીકરણ કરવું હોય, તેમાં વૈવિધ્યીકરણ દાખલ કરવું હોય, ઉત્પાદનનાં સાધનોની આયાત કરવી હોય, મૂડીમાળખાનો વિસ્તાર કરવો હોય તો તે માટે સરકારની પરવાનગી મેળવવી પડે છે, કેટલીક બાબતો માટે અગાઉથી પરવાના મેળવવા પડે છે. એકમોનું કદ મોટું હોય તો તેના માટે આ પ્રકારની પ્રક્રિયા વધુ સરળ અને સુગમ બને છે. છેલ્લે, એકત્રીકરણ દ્વારા ઉત્પાદન-એકમો મોટા થતાં તે સંશોધન અને વિકાસ માટે વધુ નાણાં ફાળવી શકતા હોય છે. તેના લાભ તે એકમોને જ નહિ, પરંતુ બહોળા અર્થમાં સમગ્ર અર્થતંત્રને લાંબે ગાળે મળતા હોય છે.

ધંધાકીય એકત્રીકરણને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય : (1) સમસ્તરીય (horizontal) એકત્રીકરણ, જેમાં એક જ પ્રકારની ઉત્પાદકીય પ્રવૃત્તિ કે વ્યવસાય કરતા ભિન્ન ભિન્ન એકમો પરસ્પર એકત્રીકરણ કરતા હોય છે; દા. ત., ખાંડનાં કારખાનાંનું એકત્રીકરણ. સમસ્તરીય એકત્રીકરણ સૌથી વધુ પ્રચલિત એકત્રીકરણ છે. તેનાથી ઉત્પાદન-એકમોની સંખ્યામાં ઘટાડો થતાં પારસ્પરિક હરીફાઈમાં ઘટાડો થતો હોય છે. ઉત્પાદનના કદ પર નિયંત્રણ મૂકી બજારમાં ઇજારાશાહીના લાભ મેળવી શકાય છે અને તેને લીધે વધુ નફાની કમાણી કરી શકાય છે. (2) વિષમસ્તરીય (vertical) એકત્રીકરણ, જેને આનુક્રમિક (sequential) અથવા પ્રક્રિયાત્મક (processional) એકત્રીકરણ પણ કહે છે. આમ, એક જ પ્રકારની વસ્તુના ઉત્પાદનની જુદી જુદી પ્રક્રિયાઓ  સાથે સંકળાયેલા જુદા જુદા એકમોનું એકત્રીકરણ કરવામાં આવે છે ત્યારે તે વિષમસ્તરીય એકત્રીકરણ કહેવાય છે; દા. ત., સુતરાઉ કાપડના ઉત્પાદનમાં કાંતણ, વણાટ, રંગકામ જેવી ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ કરતા એકમોનું સળંગ એકત્રીકરણ. તે અગ્રવર્તી વિષમસ્તરીય (forward vertical) અથવા પશ્ચવર્તી વિષમસ્તરીય (backward vertical) પ્રકારનું હોઈ શકે. આ પ્રકારનું એકત્રીકરણ ઇજારાને હંમેશ પ્રોત્સાહન આપે છે એમ કહી શકાય નહિ. (3) સંલગ્ન (allied) પ્રક્રિયાઓ કરતા એકમોનું જોડાણ, જેમાં મુખ્ય ઉત્પાદનપ્રક્રિયા સાથે આનુષંગિક કે પૂરક પ્રક્રિયાઓ કરતા જુદા જુદા ઘટકોનું એકીકરણ થાય છે; દા. ત., છાપકામ કરતા એકમને કાગળ, શાહી, કાર્ડબોર્ડ, ટાઇપ, યંત્રો વગેરેની જરૂર પડે છે. તેથી છાપકામની પ્રક્રિયા સળંગ, વિઘ્ન કે અવરોધ વિના ચાલુ રહી શકે તે માટે આ બધા ભિન્ન ભિન્ન ઘટકોનું કેન્દ્રાભિસારી (convergent) જોડાણ કરે છે. કેટલીક વાર તેમાં વિકીર્ણ કે અપસારી (divergent) જોડાણ પણ કરવામાં આવે છે; દા. ત., પોલાદનું ઉત્પાદન કરતા કારખાના સાથે પોલાદની વિવિધ વસ્તુ બનાવતા ભિન્ન ભિન્ન ઉત્પાદન-એકમોનું જોડાણ થાય છે. (4) ઉત્પાદન કરવામાં આવતી મુખ્ય વસ્તુ માટે સહાયક સેવાઓ તથા વસ્તુઓ પૂરી પાડતા ભિન્ન ભિન્ન એકમોનું પરસ્પર એકત્રીકરણ; દા. ત., વિદ્યુતશક્તિ, વાહનવ્યવહારનાં સાધનો, પૅકિંગ, પ્રચાર વગેરે. મુખ્ય કારખાનાના પરિસરમાં જ મહદ્અંશે આવી સગવડો ઊભી કરવામાં આવતી હોય છે. કેટલીક વાર ઉત્પાદન, વિતરણ અને વેચાણ – આ ત્રણેનું એકીકરણ કરવામાં આવે છે.

ધંધાકીય એકત્રીકરણ જુદા જુદા સ્વરૂપે થઈ શકે છે. તેમાં એકમોનું અલાયદું અસ્તિત્વ જળવાઈ રહેલું હોય અથવા એકમ ઇચ્છાનુસાર અન્ય એકમોથી છૂટો પડી જઈ શકતો હોય તો આવું એકત્રીકરણ ધંધાકીય જોડાણ કહેવાય છે. પરંતુ એક એકમનું બીજા એકમમાં વિલયન થઈ જઈ તેનું અસ્તિત્વ નિર્મૂળ થઈ જતું હોય તો તેને ધંધાકીય વિલયન કહેવાય છે. ધંધાકીય જોડાણ અને ધંધાકીય વિલયન વચ્ચે તેમના હેતુઓ, પ્રકારો અને લાભાલાભ અંગે ઘણું સામ્ય છે; પરંતુ ધંધાકીય જોડાણ અલ્પકાલીન હોઈ શકે છે, જ્યારે ધંધાકીય વિલયન એ સ્થાયી બનેલી પ્રક્રિયા છે. ધંધાકીય એકત્રીકરણનાં જાણીતાં સ્વરૂપોમાં મુખ્યત્વે પૂલ, કાર્ટેલ, ટ્રસ્ટ અને નિયંત્રક કંપની(holding company)નો સમાવેશ કરવામાં આવે છે. પૂલ તથા કાર્ટેલનું સ્વરૂપ જોડાણનું છે. વસ્તુનું ઉત્પાદન તથા તેના ભાવ પર અંકુશ દાખલ કરવા માટે તેમજ જુદા જુદા ઉત્પાદકો વચ્ચે બજારોની વહેંચણી કરવા માટે જે જોડાણો કરવામાં આવે છે તેમને ‘પૂલ’ કહેવામાં આવે છે. આ પ્રકારના જોડાણની ખાસિયત એ છે કે જોડાણમાં ભાગ લેતા એકમોનું અલાયદું અસ્તિત્વ અકબંધ રહે છે. એકસરખી વસ્તુનું ઉત્પાદન કરતા એકમો ભેગા મળી સિન્ડિકેટની રચના કરે છે ત્યારે તેને ‘કાર્ટેલ’ના નામથી ઓળખવામાં આવે છે. વસ્તુના ઉત્પાદનની બાબતમાં કાર્ટેલમાં જોડાતા એકમો સ્વતંત્ર હોય છે પરંતુ દરેક એકમ પોતે ઉત્પાદન કરેલ માલનો જથ્થો વેચાણ માટે સિન્ડિકેટને સોંપે છે. આ અંગે થતા કરારો સામાન્ય રીતે લેખિત સ્વરૂપના હોય છે અને તેના નિયમો તથા શરતોનો સહેલાઈથી ભંગ કરી શકાતો નથી. હરીફાઈ નાબૂદ કરવા માટે તથા કિંમતો પર અંકુશ મેળવવા માટે આવા કાર્ટેલની રચના કરવામાં આવે છે. કાર્ટેલની જીવનદોરી પૂલ કરતાં લાંબી હોય છે.

એકબીજાની હરીફાઈ કરતી કંપનીઓ પોતાના શૅરહોલ્ડરોનું હિત જાળવવા માટે જ્યારે એક સંયુક્ત ટ્રસ્ટીમંડળ રચે છે અને શૅરહોલ્ડરોના મૂળ શૅર રદ કરીને તેના બદલામાં તેમને (ટ્રસ્ટ) સર્ટિફિકેટ આપે છે ત્યારે તેવા એકત્રીકરણને ‘ટ્રસ્ટ’ કહેવામાં આવે છે. ટ્રસ્ટની રચના સાથે તેમાં જોડાતી કંપનીઓનું અલાયદું અસ્તિત્વ મટી જાય છે અને તેની જગ્યાએ બધાનો એક ઘટક ઊભો થાય છે. ઉત્પાદન અને કિંમત જેવી મહત્વની બાબતો અંગેના નિર્ણયો ટ્રસ્ટને અધીન હોય છે. મહત્તમ નફો કમાવો એ ટ્રસ્ટનો મુખ્ય હેતુ હોય છે. જ્યારે કોઈ એક કંપની અન્ય કોઈ કંપનીના 50 % કરતાં વધારે મૂલ્યના શૅર ખરીદીને, જે કંપનીના શૅર ખરીદ્યા હોય તેના પર પોતાની વહીવટી સત્તા મેળવે છે ત્યારે પણ આવી બંને કંપનીઓનું જોડાણ થયું એમ કહેવાય. આમાંથી સત્તાધારી કંપનીને ‘નિયંત્રક કંપની’ (holding company) અને જેના શૅર ખરીદવામાં આવ્યા હોય તે કંપનીને નિયંત્રિત કંપની (subsidiary company) કહેવામાં આવે છે. આવા જોડાણ હેઠળ નિયંત્રિત કંપનીનું પોતાનું આગવું અસ્તિત્વ ભલે જળવાઈ રહેતું હોય છતાં તેનું સંચાલનતંત્ર નિયંત્રક કંપની હસ્તક જતું રહે છે.

ધંધાકીય એકત્રીકરણ ઉત્પાદકો માટે લાભદાયક નીવડતું હોય તોપણ તે ઇજારાને પ્રોત્સાહન આપતું હોવાથી ગ્રાહકોના શોષણમાં પરિણમે છે. તેથી ગ્રાહકોનાં હિતોના રક્ષણાર્થે જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે, જોકે આવા કાયદાઓ અસરકારક નીવડ્યા નથી.

ધંધાકીય એકત્રીકરણનો ઇતિહાસ : (1) ઇંગ્લૅન્ડ : વ્યાવસાયિક અથવા ધંધાકીય એકત્રીકરણનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઇંગ્લૅન્ડમાં 1828માં ‘એમ્પ્લૉયર્સ(બ્રિટિશ પાર્લમેન્ટરી કાઉન્સિલ)’ની સ્થાપના સાથે તેની શરૂઆત થઈ, જોકે તેને ઝાઝી સફળતા મળી ન હતી. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પછીના ગાળામાં ઇંગ્લૅન્ડમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આવેલી ઓટ, જુદા જુદા દેશોમાં ઊભી કરેલી જકાત દીવાલો તથા અન્ય પ્રકારના આયાતપ્રતિબંધક ઉપાયોને લીધે આ પ્રવૃત્તિને તે દેશમાં પ્રોત્સાહન મળ્યું હતું. બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં (1918–39) ઇંગ્લૅન્ડમાં ત્રણ પ્રકારનાં ધંધાકીય એકત્રીકરણ થયાં હતાં. : (1) પરસ્પર સમજૂતી દ્વારા કિંમત નિર્ધારિત કરતાં એકત્રીકરણ; દા. ત., શિપિંગ કૉર્પોરેશન, આયર્ન ઍન્ડ સ્ટીલ ઍસોસિયેશન વગેરે, (2) સંયુક્ત રીતે, પરસ્પરની સમજૂતી દ્વારા એકમદીઠ ઉત્પાદનનું મહત્તમ કદ નક્કી કરતાં એકત્રીકરણ, જેવાં કે લૅન્કેશાયર કૉર્પોરેશન. આ એકત્રીકરણમાં સામેલ થનાર કોઈ પણ ઉત્પાદક તેના એકમ માટે નક્કી કરવામાં આવેલ મહત્તમ કદની મર્યાદા કરતાં વધુ ઉત્પાદન કરી શકતો ન હતો. (3) સંયુક્ત રીતે, પરસ્પર સમજૂતી દ્વારા વેચાણનું નિયમન કરતાં એકત્રીકરણ; દા. ત., ટિન પ્લેટ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન, બૉઇલર પ્લેટ  ઍસોસિયેશન વગેરે. કેટલાક કિસ્સાઓમાં ઔદ્યોગિક એકમોનાં પરસ્પર એકત્રીકરણ પણ થયાં છે અને તે દ્વારા અગાઉ જુદા જુદા સંચાલકોના નેજા હેઠળ કામ કરતા ઉત્પાદન-એકમોને એક જ સંચાલક મંડળ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઇંગ્લૅન્ડમાં ધંધાકીય કે ઔદ્યોગિક એકત્રીકરણ અમલી બનાવવામાં ફેડરેશન ઑવ્ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીઝે અગત્યનો ભાગ ભજવ્યો છે. આવાં એકત્રીકરણમાં જે. ઍન્ડ વી. કોટ્સ, યુ.કે. સોપ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન, ધ સૉલ્ટ યુનિયન તથા ધી ઇમ્પીરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અગત્યનાં છે. બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં ઇંગ્લૅન્ડમાં ધંધાકીય એકત્રીકરણનું સ્વરૂપ  બદલાયું છે; દા. ત., વ્યાપારી ઘટકોના એકત્રીકરણને બદલે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનાર ઔદ્યોગિક એકમોનું એકત્રીકરણ. 1980ના દાયકા દરમિયાન ઇંગ્લૅન્ડમાં આ પ્રવૃત્તિ મંદ પડી છે.

(2) જર્મની : આ દેશમાં કાર્ટેલ નામથી જાણીતાં બનેલાં ધંધાકીય જોડાણ મધ્યયુગમાં પણ અસ્તિત્વ ધરાવતાં હતાં એના પુરાવા સાંપડ્યા છે. તેમને અટકાવવા કે તેમનું નિયમન કરવા માટે વીસમી સદી પહેલાં તે દેશમાં કોઈ કાયદા ઘડવામાં આવ્યા ન હતા. પરિણામે ત્યાંના ઉત્પાદકો સ્વેચ્છાથી જોડાણ કરી ચીજવસ્તુઓની કિંમતો નક્કી કરતા, ઉત્પાદનનું મહત્તમ કદ નિર્ધારિત કરતા તથા નફાનો મઝિયારો નિધિ રચતા. આવાં જોડાણોએ જર્મનીમાં ઇજારાશાહી સાથે સંકળાયેલાં ઘણાં અનિષ્ટો ઊભાં કર્યાં હતાં. તેના પર નિયંત્રણ મૂકવા માટે 1923માં એક શાસકીય ફરમાન બહાર પાડવામાં આવ્યું અને તે દ્વારા આવાં જોડાણોના કરારો ફરજિયાતપણે લેખિત રૂપમાં જ હોવા જોઈએ એવી શરત મૂકવામાં આવી. ઉપરાંત, કાર્ટેલોનું નિયંત્રણ કરવાની સત્તા ખાસ ન્યાયાલયો – કાર્ટેલ કોર્ટને સોંપવામાં આવી; તેમ છતાં 1930 સુધી તેમની સંખ્યા 3000 સુધી પહોંચી ગઈ હતી.

1933માં ઘણા ઉદ્યોગો અને વ્યાપારી પ્રતિષ્ઠાનોમાં કાર્ટેલની સ્થાપના કાયદા હેઠળ ફરજિયાત બનાવવામાં આવી, જેથી કિંમતો અને ઉત્પાદન પર નિયંત્રણ મૂકી શકાય. નાઝી શાસનકાળ દરમિયાન કાર્ટેલની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 1936માં કાર્ટેલો તથા વ્યાપારી જોડાણોની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે સરકારને વિશેષ સત્તાઓ આપવામાં આવી. 1937ના એક કાયદા હેઠળ ધંધાકીય જોડાણની રચના પર કેટલાંક નિયંત્રણો મૂકવામાં આવ્યાં તથા આર્થિક સત્તાના કેન્દ્રીકરણ અને કૉર્પોરેશનના નિયમન માટેની સત્તાઓનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું, જેને પરિણામે સરકારની તે અંગેની સત્તાઓનું અમર્યાદિત વિસ્તરણ થયું. બીજા વિશ્વયુદ્ધ પછી તેમના પર અંકુશ મૂકવાનાં પગલાં લેવાયાં હતાં.

(3) અમેરિકા : આ દેશમાં ઓગણીસમી સદીમાં ધંધાકીય એકત્રીકરણની પ્રવૃત્તિઓને પુષ્કળ વેગ મળ્યો હતો, જેના પરિણામે તે દેશમાં ઇજારાશાહીનાં વલણો મજબૂત બન્યાં હતાં. તે સદીના અંતમાં ધંધાકીય એકત્રીકરણનાં અનિષ્ટો ડામવા માટે ટ્રસ્ટવિરોધી કાયદાઓ ઘડવામાં આવ્યા હતા, પરંતુ તે બિનઅસરકારક નીવડ્યા હતા. બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં એકત્રીકરણની પ્રવૃત્તિઓને ફરી પ્રોત્સાહન મળ્યું હતું, જેના પરિણામે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા ઉત્પાદન-એકમો પ્રચંડ ઔદ્યોગિક ઘટકોમાં ફેરવાઈ ગયા હતા. મેલૉન્સ, રૉકફેલર તથા ડ્યૂ પૉન્ટ આ ત્રણ જૂથોના હાથમાં ઔદ્યોગિક સત્તાનું કેન્દ્રીકરણ થયું હતું. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇજારાની સ્થિતિ હાંસલ કરવા માટે અનુચિત માર્ગો તથા પદ્ધતિઓનું અવલંબન લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના ગાળામાં આ ઘટકોએ મોટા પાયા પર નફાની કમાણી કરી હતી.

ઇંગ્લૅન્ડમાં પૂલ, જર્મનીમાં કાર્ટેલ તથા અમેરિકામાં ટ્રસ્ટ – આ ત્રણે પ્રકારનાં એકત્રીકરણ સરખા હેતુઓ માટે ઊભાં કરવામાં આવેલાં ધંધાકીય એકત્રીકરણનાં જુદાં જુદાં સ્વરૂપો છે.

જયન્તિલાલ પો. જાની

બાળકૃષ્ણ માધવરાવ મૂળે