ધવન, સતીશ (જ. 25 સપ્ટેમ્બર 1920, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 3 જાન્યુઆરી 2002) : અવકાશ પંચના અધ્યક્ષ અને ખ્યાતનામ અવકાશવિજ્ઞાની. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગાલુરુના નિયામક તથા ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના અધ્યક્ષ પણ રહ્યા હતા.
તેમણે દેશ-પરદેશમાંથી શિક્ષણ લીધું હતું. પંજાબ યુનિવર્સિટી-(લાહોર)માંથી તેઓ સ્નાતક થયેલા. ગણિતશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ., અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. અને યાંત્રિક ઇજનેરીમાં બી.ઈ. થયેલા. 1947માં મિનેસોટા યુનિવર્સિટી(યુ.એસ.)માંથી વૈમાનિક ઇજનેરી સાથે એમ.એસ. થયા. ત્યારબાદ તેઓ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(કૅલ્ટેક)માં ગયા અને ત્યાંથી વૈમાનિક ઇજનેરીની ઉપાધિ મેળવી. 1951માં તેઓ વૈમાનિકી અને ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા. આ ઉપાધિ તેમણે પૃથ્વીના વાતાવરણ અને તેની બહારના અવકાશમાં વિમાન-ઉડ્ડયનની તાંત્રિક વિદ્યાના વિજ્ઞાની અને તરલ યાંત્રિકીના નિષ્ણાત હાન્સ ડબ્લ્યૂ. લિપમૅનના માર્ગદર્શન હેઠળ મેળવી હતી.
હિન્દુસ્તાન ઍરક્રાફ્ટ(હવે હિન્દુસ્તાન ઍરોનૉટિક લૅબોરેટરી – HAL)માં તેમણે એક વર્ષ કામ કર્યું. તે પછી સરકારની શિષ્યવૃત્તિ મળતાં વધુ અભ્યાસાર્થે યુ.એસ. ગયા. કૅલ્ટેકમાં એક વિદ્યાર્થી તરીકે તેમણે અનન્ય છાપ ઊભી કરી હતી. 1951માં તેઓ સ્વદેશ પાછા ફર્યા.
નવા નવા વિકટ પ્રયોગોનું નિરાકરણ કરવા સાથે હાઈપર-જ્યૉમેટ્રીનાં વિધેયો સાથે પણ તેઓ રમત કરતા. અવારનવાર તેઓ શેક્સપિયરનો રસાસ્વાદ પણ કરાવતા. તેમનું વ્યક્તિત્વ નમ્રતાસભર અને મોહક હતું.
તેમના પ્રારંભિક સંશોધનલેખો પરાધ્વનિ (supersonic) પ્રવાહો અને પ્રઘાત (shock) તરંગોને લગતા હતા.
1951માં ધવન I.I.Sc.માં વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી તરીકે જોડાયા. 1955માં તેઓ વાયુગતિવિદ્યા-ઇજનેરીના પ્રાધ્યાપક અને પછી તે વિભાગના અધ્યક્ષ બન્યા. 1962માં તેઓ I.I.Sc.ના નિયામક બન્યા. ત્યાં રહીને તેમણે, આજથી પચાસ વર્ષ પહેલાં, રાષ્ટ્રના પ્રથમ પરાધ્વનિક બોગદાની રચના કરેલી.
વિવિધ કારણોસર વિદ્યાર્થીઓને તેમના વર્ગમાં જવું ગમતું હતું. પ્રથમ તો વિદ્યાર્થીઓ અને વિષય પ્રત્યે તેમનો અભિગમ આકર્ષક રહેતો તે સાથે તેઓ પૂરી સહૃદયતા સાથે શિક્ષણકાર્ય કરતા. આખો દિવસ કાર્યરત રહેતા. મોડી રાત સુધી સંશોધન-અભ્યાસનું કાર્ય એ તેમનો રોજિંદો ક્રમ હતો.
સંશોધન બાબતે ધવન બે વિચારધારાઓ ધરાવતા હતા : (1) વિદગ્ધ વિકાસ અથવા સમય પ્રમાણે જે કોઈ સામગ્રી, કૌશલ્ય અને સાધનો પ્રાપ્ત થાય તેના વડે પરવડે તે રીતે સંશોધન કરવું. (2) ઍરક્રાફ્ટ-ઉદ્યોગમાંથી નવેસર ખડી થતી સમસ્યાઓ ઉપર પ્રયોગશાળામાં પાયાગત સંશોધન કરવું અને તે માટે વિજ્ઞાનીઓને પ્રોત્સાહિત કરવા. આ સાથે આ ઉદ્યોગના વિકાસ માટે પ્રેરકબળ પૂરું પાડવું. તે માટે નીતિ-નિર્ધારણ કરવા અને પ્રબંધન માટે HALને વિશ્વસ્ત કરવામાં આવ્યું. તેના કારણે અવકાશ-પ્રકલ્પ માટેનો વિભાગ ત્યાં શરૂ કરી શકાયો.
1972માં ધવન અવકાશપંચ અને ઇસરોના અધ્યક્ષ નિમાયા. તે સાથે ભારત સરકાર સંચાલિત અવકાશ-વિભાગના સેક્રેટરી તરીકે કામગીરી બજાવવાની આવી. આમ તો અવકાશ-કાર્યક્રમો માટે સદગત ડૉ. વિક્રમભાઈનું સ્વપ્ન જ પ્રભાવક રહ્યું છે. તે માટે જરૂરી ઉચ્ચ કોટિના ટૅક્નૉલૉજિકલ વિકાસ અને સંગઠનની પ્રક્રિયાનું સર્જન તો ધવને જ કર્યું. અવકાશપંચના અધ્યક્ષ નિમાયા બાદ દસ વર્ષમાં ભારતીય અવકાશ-કાર્યક્રમનો અનન્ય વિકાસ સધાયો અને ભવ્ય સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ. મહત્વના પ્રકલ્પોને સુવ્યાખ્યાયિત (સુગ્રથિત) કર્યા અને તેમનો અમલ કર્યો. આ પ્રકલ્પોમાં ભારતીય રૉકેટ પ્રમોચન-વાહનો તથા ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવાનો સમાવેશ થાય છે. ગ્રામીણ શિક્ષણ, દૂર-સંવેદન અને ઉપગ્રહ-સંદેશાવ્યવહારને લગતા પુરોગામી પ્રયોગો શરૂ કર્યા. આ પ્રયોગો ઇનસેટ જેવા કાર્યરત તંત્ર ભણી દોરી ગયા. આજે આ બધું ભારતના નાગરિક જીવનનો એક ભાગ બની રહ્યું છે.
ધવને ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ અને ઇસરોના વિજ્ઞાનીઓ તથા ઇજનેરો સાથે ચર્ચા-વિચારણા કરીને 15 વર્ષ (1980–95) માટે અવકાશ-સંશોધન અને ઉપયોગો માટેની બ્લૂ-પ્રિન્ટ તૈયાર કરી આપી. અવકાશ-મિશનની રૂપરેખા તેમણે પોતાના હસ્તાક્ષરોમાં જ તૈયાર કરી અને તેને આધારે ધ્રુવીય અને ભૂસ્થિર ઉપગ્રહો માટે પ્રમોચન-વાહનો(PSLV અને GSLV)નું નિર્માણ થયું. તે સાથે ભારતીય દૂર-સંવેદન ઉપગ્રહો (IRS), ઇનસેટ શ્રેણી અને તેમને આનુષંગિક ટૅક્નૉલૉજિકલ અન્વયો સાકાર થયા.
સૌપ્રથમ તેમણે સરળતાથી સમજી શકાય તેવા હેતુ સાથે સામાજિક જાગરૂકતાના વિસ્તૃત કાર્યક્રમોનું આયોજન કર્યું. આ કાર્યક્રમોમાં હવામાન, કુદરતી સંસાધનોની ખોજ, સંદેશાવ્યવહાર વગેરેનો અભ્યાસ અને જાણકારીનો સમાવેશ થાય છે.
તેમની પ્રબંધનશૈલી અનોખી હતી. તે કદાપિ સમાચાર-માધ્યમો આગળ દેખા દેતા નહિ. કાઉન્સિલ કે કમિશનની ચાર દીવાલો વચ્ચે રહીને કામ અને પ્રબંધન કરતા. હરેક કામ કે પ્રવૃત્તિ તેઓ પૂરા આશાવાદ સાથે હાથ ધરતા.
રાષ્ટ્રીય અવકાશ-કાર્યક્રમ ચલાવતા હતા ત્યારે તેઓ I.I.Sc.ના નિયામકની ફરજો પણ બજાવતા હતા. અવકાશ-કાર્યક્રમની સેવાઓ બદલ તેઓ માસિક માત્ર એક રૂપિયો વેતન લેતા હતા અને પોતાનું વેતન તે I.I.Sc.માંથી મેળવતા હતા. I.I.Sc. માટે તેમને ભારે લગાવ હતો. ડૉ. વિક્રમભાઈના અવસાન બાદ જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ ઇસરોનો કાર્યભાર સંભાળી લેવા ધવનને જણાવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પોતે I.I.Sc.માં રહીને જ ઇસરોની કામગીરી કરશે. ત્યારથી તેમણે બૅંગાલુરુને ઇસરોનું વડું મથક બનાવ્યું. 1977માં ઇંદિરા ગાંધી ચૂંટણી હારતાં તેમણે વડાપ્રધાન-પદ ગુમાવ્યું. વડાપ્રધાનપદે મોરારજીભાઈ આવ્યા. જ્યારે નિયુક્ત કરનાર સરકાર બદલાય ત્યારે અગાઉની સરકારે નિયુક્ત કરેલા અધિકારીઓ પોતાના હોદ્દાનું રાજીનામું આપી દે તેવી એક નૈતિક પરંપરા છે. આ અન્વયે શ્રી ધવને ઇસરોના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું, જેનો મોરારજીભાઈએ અસ્વીકાર કર્યો હતો.
વયમર્યાદાને કારણે તેઓ નિવૃત્ત થયા તે પછી પણ પંચના સભ્ય તરીકે તેઓ ચાલુ રહ્યા અને ઍરોસ્પેસના સમુદાયને ભીષ્મપિતાની જેમ માર્ગદર્શન આપતા રહ્યા.
ઇસરો ખાતે ઉચ્ચ ટૅક્નૉલૉજી અને વિજ્ઞાનની ભૂમિકા તૈયાર કરવાની સાથે સાથે તેમણે યુવાનો માટે લઘુ-વિજ્ઞાન-સ્વરૂપે શાળા-કૉલેજની પ્રયોગશાળાઓ પ્રત્યે એટલી જ દિલચસ્પી રાખી. અવકાશ-કાર્યક્રમના ભારેખમ કાર્યબોજમાંથી એકૅડેમીનાં હળવાફૂલ વ્યાખ્યાનોમાં તેઓ અદભુત રીતે સરકી જતા. કોઈ પણ વ્યાખ્યાન માટે જરૂરી ગણતરીઓ અને આકૃતિઓ તેઓ જાતે જ તૈયાર કરતા. આવું કામ તેમણે પોતાના મદદનીશ પાસે કદાપિ કરાવ્યું નથી.
I.I.Sc.માં 19 વર્ષ તેમણે ગાળ્યાં તે દરમિયાન તેમણે તરલગતિકી અને વૈમાનિકીમાં પોતાનો રસ અકબંધ રાખ્યો. ઇંડિયન ઍરલાઇન્સ માટે ઉડ્ડયન કરતા ‘એવ્રો’નું તેમણે મૂલ્યાંકન કર્યું હતું અને તે સાથે નાગરિક ઉડ્ડયન સંબંધે સંશોધનની ધૂણી ધખાવીને બેઠા હતા. I.I.Sc.માં સ્વસંચાલિત યંત્રતંત્ર, નિયંત્રણ-સિદ્ધાંત, દ્રવ્યવિજ્ઞાન, આણ્વિક જૈવવિજ્ઞાન, ગ્રામીણ ક્ષેત્રો માટેની ટૅક્નૉલૉજી, સૈદ્ધાંતિક ભૌતિકી, ઘનઅવસ્થા રસાયણશાસ્ત્ર, પ્રયુક્ત ગણિતશાસ્ત્ર અને વાતાવરણ વિજ્ઞાનના કાર્યક્રમો સંગીન બનાવવા માટે તેઓ ઘણો સમય ફાળવતા હતા. આ સાથે તેમણે રાષ્ટ્ર માટે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની નીતિ સૂત્રબદ્ધ કરી. તેમાં કૅબિનેટની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિનો સહયોગ પણ મળી રહ્યો. NAL, R.R.I. (Raman Research Institute) જેવાં જે જે સંગઠનોનું તેમણે નેતૃત્વ કર્યું છે તે બધાંને તેમણે આધુનિક ઘાટ આપ્યો છે.
માનવતા, વૈયક્તિક મોહકતા અને સામાજિક જાગૃતિ જેવા ઉત્કૃષ્ટ ગુણોથી તેમની નેતાગીરી દીપી ઊઠી. ઘણાને લાગતું હતું કે તેઓ ભારતીય ફિલસૂફી અને ધર્મમાં ઝાઝો રસ ધરાવતા નથી; પણ વાસ્તવમાં તેઓ સંપૂર્ણ ભારતીય હતા. બીજાઓની જેમ તેઓ કદી દેખાડો કરતા નહિ. ખરા અર્થમાં તેઓ જીવનપર્યંત ‘કર્મયોગી’ રહ્યા.
દેશ-પરદેશની ઘણી સંસ્થાઓ દ્વારા તેઓ સન્માનિત થયા હતા. ઘણીબધી ખ્યાતનામ એકૅડેમીઓના ફેલો કે અધ્યક્ષપદે તેઓ રહ્યા હતા. યુ.એસ. નૅશનલ એકૅડેમી ઑવ્ એન્જિનિયરિંગમાં જૂજ ચૂંટાયેલા ભારતીયોમાંના તેઓ એક હતા. વિશ્વભરના મિત્રો અને ચાહકોએ તૈયાર કરેલા વિજ્ઞાન-સંશોધનના લેખોનાં બે દળદાર પુસ્તકો તેમને અર્પણ કરવામાં આવ્યાં છે.
1999માં રાષ્ટ્રીય સમાકલન માટે તેમને ઇંદિરા ગાંધી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેના પ્રશસ્તિપત્રમાં તેમનું જીવન જે રીતે શબ્દબદ્ધ કર્યું છે તે જાણવા જેવું છે :
‘આપણે ત્યાં અગાઉ થઈ ગયેલા અગ્રગણ્ય વિજ્ઞાનીઓ, શિક્ષકો, રાષ્ટ્રના ઘડવૈયા સાથે બરાબર બંધ બેસતા આવે તેવા પ્રો. સતીશ ધવન છે. તેમણે વિજ્ઞાન-શિક્ષણ, સંશોધન, નીતિ-નિર્ધારણ અને અમલ તથા વિજ્ઞાનના માધ્યમથી રાષ્ટ્રીય સંસ્થાઓના ઉકેલ પરત્વે ઊંડી નિસબત સાથે બહુપારિમાણિક યોગદાન કર્યું છે.
તેઓ જ્ઞાતિ, ભાષા, ધર્મ અને પ્રાંતવાદથી પર હતા. તેમણે I.I.Sc.ને જ્ઞાન-સંશોધનનું કેન્દ્ર બનાવ્યું. લોકશક્તિ ઉજાગર કરવા માટે ઇસરોને વાહન બનાવ્યું. આકાશ અને ધરા વચ્ચેનું અંતર શૂન્યવત્ કરી દીધું. આ છે તેમના કાર્યનો સરવાળો અર્થાત્ સારાંશ.
ફ્લડલાઇટ ચાલુ હોય ત્યારે તે હંમેશાં તેની પાછળ ઊભા રહ્યા છે. લોકોને પ્રકાશ આપ્યો છે અને પ્રગતિનો માર્ગ ચીંધ્યો છે. ધવન એટલે Integrity (ઈમાનદારી, સત્યનિષ્ઠા). આ જ તેમની ઓળખાણ હોઈ શકે.
તેમના સૂચિત કાર્યક્રમો સ્વરૂપે લાંબા સમય સુધી તે આપણી વચ્ચે રહેવાના.’
થુમ્બા ખાતેના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) દ્વારા વિક્રમભાઈની યાદ કાયમી કરી છે તેમ શ્રીહરિકોટા (ઓરિસા) ખાતેની ઉડ્ડયન રેન્જને ‘સતીશ ધવન સ્પેસ સેન્ટર’ નામ આપીને તેમની યાદ કાયમ કરી છે.
પ્રહલાદ છ. પટેલ