ધર્મસુધારણા (Reformation) : સોળમી સદીમાં યુરોપમાં ખ્રિસ્તી ચર્ચની આપખુદી તથા દુરાચાર સામેનો પડકાર. પોપની નિરંકુશ સત્તા સામેનો સ્વાતંત્ર્યસંગ્રામ.
રોમન સામ્રાજ્યના પતન પછી પણ યુરોપમાં ખ્રિસ્તી ચર્ચની ધર્મસંસ્થા જીવંત રહી હતી. તેના વડા પોપ કહેવાય છે. આ સંસ્થાને તેનું આંતરરાષ્ટ્રીય ધાર્મિક સામ્રાજ્ય હતું. ઇટાલીમાં તેમની માલિકીનાં વિશાળ જમીનો, દેવળો, મકાનો તથા મિલકતો હતાં. તેનું મુખ્ય મથક રોમ હતું. પોપનું આ ધાર્મિક સામ્રાજ્ય યુરોપના બધા દેશોના રાજાઓ તથા લોકો ઉપર સ્થપાયું હતું. લોકો ઉપર રાજાની તથા પોપની હકૂમત સ્થપાઈ હોવાથી, પોપ તથા રાજા વચ્ચે ઘર્ષણ થયું. આ બંને હકૂમતો વચ્ચે અનેક સંગ્રામો થયા હતા.
ખ્રિસ્તી ધર્મ સાદાઈ, સેવાભાવ તથા સમાનતાના સિદ્ધાંતો પર રચાયેલ હોવાથી યુરોપમાં તેનો ઝડપથી ફેલાવો થયો. પોપનું વર્ચસ વધ્યું. સામાન્ય લોકો પર ખ્રિસ્તી દેવળની પકડ એટલી મજબૂત બની કે પોપ તથા પાદરીઓના અભિપ્રાયો વિશે શંકા કરવી તે ધર્મ વિરુદ્ધ ગણાતું. તેને શિક્ષા કરવામાં આવતી. બાઇબલ લૅટિન ભાષામાં લખાયેલું હતું. સામાન્ય લોકો તે ભાષા જાણતા નહોતા. પોપ અને પાદરીઓ લોકોની અંધશ્રદ્ધા તથા અજ્ઞાનનો ગેરલાભ ઉઠાવતા. પોપ અને ચર્ચના અધિકારીઓએ અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને ધર્મના ક્રિયાકાંડો માટે કર ઉઘરાવીને તે તેમાં વધારો કરતા હતા. જર્મનીમાં 50 % જમીન ધર્માધિકારીઓની માલિકીની હતી. ચર્ચની સંપત્તિ વધવાથી પાદરીઓ વિલાસી બન્યા. તેથી ખ્રિસ્તી ધર્મમાં સડો પ્રવેશ્યો. પાદરીઓનો વૈભવ જોઈને લોકોની ધર્મમાંથી શ્રદ્ધા ડગવા લાગી. ચર્ચના સડાથી દુ:ખી થયેલા ખ્રિસ્તીઓએ ધાર્મિક તાબેદારીમાંથી છૂટવા પ્રયાસો કર્યા. તેની વિરુદ્ધ ધર્માધિકારીઓએ લોકો પર અંકુશ ટકાવી રાખવા હિંસા તથા ત્રાસનું હથિયાર ઉગામ્યું. ધર્માધિકારીઓનો અનાદર કરનારને નાસ્તિક ઠરાવી, ધર્મબહિષ્કૃત કરવામાં આવતો. ઇટાલીના બ્રેસિયાના વતની આનૉર્લ્ડે પાદરીઓનાં વૈભવવિલાસ તથા ભ્રષ્ટતાની ટીકા કરવાથી, તેને ઈ. સ. 1155માં ફાંસીએ લટકાવી, તેના મૃતદેહને બાળી મૂકી તેની રાખને ટાઇબર નદીમાં નાખી દેવામાં આવી. ઇટાલીમાં ગરીબો તથા રોગીઓની સેવા કરનાર ફ્રાન્સિસે રક્તપિત્તિયાઓની સેવા કરવા સંઘ સ્થાપ્યો. આ સંઘના ચાર સાધુઓને નાસ્તિક ગણી ઈ. સ. 1318માં બાળી મૂકવામાં આવ્યા.
પાદરીઓએ પોતાનું પ્રભુત્વ જાળવવા લોકોની ધાર્મિક માન્યતાઓની તપાસ કરીને કેસ ચલાવવા ધાર્મિક અદાલતો સ્થાપી. ચર્ચે ઠરાવેલ નિયમો ન પાળનારને નાસ્તિક ગણી જીવતા બાળી મૂકવામાં આવતા. આવી હત્યા ધર્મના નામે થતી અને તેમ કરનાર પોતે સુકૃત્ય કર્યાનો દાવો કરતા. તેથી લોકોએ ધાર્મિક સત્તા અને પાદરીઓના ભ્રષ્ટ જીવન સામે પડકાર ફેંક્યો. તેમાંથી ધાર્મિક સુધારણાના આંદોલનનો ઉદભવ થયો.
ધર્મસુધારણાનું આંદોલન બે રીતે થયું : (1) દેવળની બહાર પ્રૉટેસ્ટન્ટો દ્વારા ચલાવવામાં આવ્યું તે અને (2) દેવળની આંતરિક સુધારણાનું આંદોલન જેને ‘પ્રતિધર્મસુધારણા’ (Counter-Reformation) તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી રોમન કૅથલિક દેવળ શુદ્ધ બન્યું.
પ્રેરક પરિબળો : મધ્ય યુગમાં ખ્રિસ્તી ચર્ચ સૌથી વધુ શક્તિશાળી સંસ્થા હોવાથી પોપનું ધાર્મિક અને રાજકીય વર્ચસ સ્થપાયું. પોપની મંજૂરી મેળવીને રાજાનો રાજ્યાભિષેક થતો તથા પોપ તેને પદભ્રષ્ટ કરી શકતો. ઈશ્વરના પ્રતિનિધિ તરીકે પોપની હકૂમત દુનિયાનાં સર્વ ચર્ચ, ખ્રિસ્તી પ્રજા તથા રાજાઓ ઉપર સ્થપાઈ હતી. પોપની દરમિયાનગીરી રાજાઓને ગમતી નહિ. રાજ્યના ગુનેગારો પાદરીઓનો આશ્રય લઈને છટકી જતા. ધર્મને નામે ગુનેગારોને મળતું રક્ષણ રાજ્ય માટે અસહ્ય બન્યું. તેથી રાજાઓ આ ધર્મસત્તાને મર્યાદિત કરવા તત્પર થયા. રાજાને પદભ્રષ્ટ કરવાની પોપની સત્તા વધુ પડતી હતી. તેથી રાજાઓ પોપની સત્તાનો વિરોધ કરવા લાગ્યા. ફ્રાન્સના લશ્કરે પોપ બેનિફેસ આઠમાને દૂર કર્યો ત્યારે પોપની સર્વોપરીતાનું ખંડન થયું. ઇટાલી, જર્મની, ઇંગ્લૅન્ડ વગેરે દેશોના રાજાઓએ પણ પોપની આપખુદીને પડકારી.
યુરોપમાં ખ્રિસ્તી ચર્ચે પોપની સર્વોપરીતા હેઠળ આપખુદ શાસનની રચના કરી હતી. તેના તરફથી દેવળો બાંધવામાં આવતાં. ભવ્ય દેવળો બાંધવા ખ્રિસ્તીઓ પાસેથી નાણાં અને કર ઉઘરાવવામાં આવતાં. આમ, દાન તથા કર દ્વારા દેવળની મિલકતમાં વધારો થયો. દેવળમાં ભેગી થયેલી સંપત્તિ પાદરીઓના ભોગવિલાસમાં વપરાવા લાગી. આ સંપત્તિએ અનીતિ તથા ભ્રષ્ટાચારને પોષ્યાં. ધર્મગુરુઓના દુરાચારી આચરણે દેવળની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી. પાદરીઓના દુરાચાર તરફ લોકોને તિરસ્કાર ઉદભવ્યો.
ધર્મગુરુઓની ધનલાલસા વધવાથી નાણાં પડાવવાની વિવિધ રીતો શોધવામાં આવી. પોપ ઍલેક્ઝાંડર છઠ્ઠાએ 80 નવાં પદ ઊભાં કરી, મોટી રકમો લઈને તે પદ વેચ્યાં. પોતાનાં પાપોને દૂર કરી, સ્વર્ગે જવા માટે પોપ તેના પુણ્યના જથ્થામાંથી અમુક હિસ્સો આપી શકે છે. આ માન્યતામાંથી સ્વર્ગમાં જવાના પરવાનાઓનું વેચાણ શરૂ થયું. પોપ લિયો દસમાના પ્રતિનિધિઓએ પાપવિમોચનપત્રિકા વેચવા માંડી ત્યારે લોકોનો વિશ્વાસ ડગી ગયો. માર્ટિન લ્યૂથરે તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો.
લૅટિન ભાષામાં લખાયેલું બાઇબલ લોકો વાંચી શકતા નહિ અને પાદરીઓ લોકોના અજ્ઞાનનો ગેરલાભ લેતા. જર્મન, અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે ભાષાઓમાં બાઇબલના અનુવાદો થવાથી ધાર્મિક જડતા દૂર થઈ.
આ દરમિયાન યુરોપમાં નવજાગૃતિનું આંદોલન શરૂ થવાથી રાષ્ટ્રીયતા, માનવતા તથા વ્યક્તિસ્વાતંત્ર્યના વિચારો ધરાવતો સમાજ ધાર્મિક પાખંડોનો વિરોધ કરવા લાગ્યો. વૈજ્ઞાનિકોએ શોધખોળો દ્વારા ધાર્મિક માન્યતાઓનું ખંડન કર્યું. તેથી પોપ દ્વારા વ્યક્ત થતા વિચારો પ્રત્યે લોકો અવિશ્ર્વાસથી જોવા લાગ્યા.
સામંતશાહીના અંત બાદ મધ્યમ વર્ગ તથા વેપારી વર્ગનું સમાજમાં પ્રભુત્વ વધ્યું. આ વર્ગ ધર્મ કરતાં આર્થિક તથા ભૌતિક સુખને વધારે મહત્વ આપતો. ધર્મગુરુઓએ વેપારીઓ પાસેથી નાણાં પડાવવા પ્રયાસો કર્યા ત્યારે વેપારીઓએ વિરોધ કર્યો. આમ લોકમાનસમાં થયેલ પરિવર્તને, શક્તિશાળી રાજાશાહીએ તથા વેપારીઓએ ધર્મસુધારણાની ચળવળને વેગ આપ્યો. અનેક બુદ્ધિજીવીઓએ તેમાં મહત્વનો ભાગ ભજવીને આ ચળવળને પ્રેરણા આપી.
કૅથલિક દેવળની નબળાઈઓને દૂર કરી લોકોને સન્માર્ગે વાળવા મધ્યયુગમાં પણ પ્રયાસો થયા હતા. લોકોની અંધશ્રદ્ધાને દૂર કરવા કેટલાક સુધારકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા ત્યારે તેઓ પોપના ક્રોધનો ભોગ બન્યા. તેમાંના કેટલાકને તો જીવતા સળગાવી દેવામાં આવ્યા. તે આગની ચિનગારીમાંથી પ્રગટેલ દાવાનળે યુરોપના ખ્રિસ્તી સમાજને શુદ્ધ બનાવ્યો.
અંગ્રેજ પાદરી અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યાપક જૉન વિક્લિફે (1320–1384) કૅથલિક ધર્મનાં ક્રિયાકાંડો તથા માન્યતાઓની ટીકા કરી, ચર્ચને રાજાના અંકુશ હેઠળ રાખવાની માગણી કરી. પોપ તથા ધર્મગુરુઓ બાઇબલના આદેશોને અનુસરતા નથી એવો જાહેરમાં તેણે આક્ષેપ કર્યો. આથી પોપે તેને ધર્મબહિષ્કૃત કર્યો; પરંતુ ઇંગ્લૅન્ડના રાજા તથા લોકોની સહાનુભૂતિ હોવાથી તે ફાંસીની સજામાંથી બચી શક્યો. તેના મૃત્યુ બાદ, તેનાં અસ્થિને ખોદી કાઢી બાળી મૂકવામાં આવ્યાં. તેણે બાઇબલનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો તેથી સામાન્ય લોકોને બાઇબલ વાંચીને સમજવાની તક મળી. તેના અનુયાયીઓ ‘લૉલાર્ડો’ કહેવાતા. વિક્લિફે ઇંગ્લૅન્ડમાં ધર્મસુધારણાનો આરંભ કર્યો. તેથી તેને પ્રૉટેસ્ટન્ટ બળવાનો ધ્રુવતારક કહેવામાં આવે છે. પ્રાગ યુનિવર્સિટીના અધ્યાપક જૉન હસે (1369–1415) પોપ, દેવળ અને વિધિઓની ટીકા કરવાથી પોપે તેને ધર્મબહિષ્કૃત કર્યો. સ્વિટ્ઝર્લૅન્ડમાં દેવળની સમિતિ સમક્ષ ઉપસ્થિત રહેવા ફરમાવી, સલામતી માટે અભયવચન આપવા છતાં, પોતાના વિચારોને તે મક્કમપણે વળગી રહેવાથી હસને જીવતો બાળી મૂકવામાં આવ્યો. સત્યને ખાતર તે શહીદ થયો. હોલૅન્ડના વિદ્વાન પાદરી ઇરેઝમસે (1469–1536) તેનું જીવન ફ્રાન્સ, ઇટાલી, જર્મની વગેરે દેશોમાં પસાર કર્યું હતું. તેણે જાતે જોયેલાં કૅથલિક દેવળનાં અનિષ્ટો દૂર કરવા ‘પ્રેઇઝ ઑવ્ ફૉલી’ નામે પુસ્તક કટાક્ષમય શૈલીમાં લખ્યું. તેમાં તેણે પાદરીઓના દુરાચાર, જડ વિધિઓ, ધાર્મિક વહેમો પર પ્રહારો કર્યા. તેના લખાણે દેવળને ઘાતક ફટકો માર્યો. તેના આ પુસ્તકના યુરોપની અનેક ભાષાઓમાં અનુવાદો થયા. ફલૉરેન્સ(ઇટાલી)નો વતની, ખ્રિસ્તી પાદરી અને સુધારક સાવોના રોલાએ પોપની આજ્ઞાઓ, દેવળના અત્યાચારો તથા ધર્માધિકારીઓના હોદ્દાઓના વેચાણનો વિરોધ કરવાથી ઈ. સ. 1498માં તેને જીવતો બાળી મૂકવામાં આવ્યો. આ સુધારકોએ પોતાના મહામૂલા જીવનનો ભોગ આપીને લોકોને સન્માર્ગે વાળવાના પ્રયાસો કર્યા હતા.
ધર્મસુધારણાના આંદોલનના અગ્રણી તરીકે જર્મન સુધારક માર્ટિન લ્યૂથર (1483–1546) મોખરાનું સ્થાન ધરાવે છે. વિટેનબર્ગ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તે વિદ્યાર્થીઓમાં અતિપ્રિય હતો. રોમની મુલાકાત દરમિયાન ચર્ચનો ભ્રષ્ટાચાર, પોપનો વૈભવ તથા નૈતિક અધ:પતન જોઈને તે વ્યથિત થયો અને તેમાં સુધારા કરવાનો નિર્ધાર કર્યો. રોમમાં બંધાઈ રહેલા સંત પીટરના ચર્ચ માટે નાણાં ભેગાં કરવા પોપ લિયો દસમાએ પાપવિમોનપત્રિકાઓનું વેચાણ શરૂ કર્યું. ધર્માધિકારી ટેટ્ટઝેલે ઈ. સ. 1517માં જર્મનીમાં એ પત્રિકાઓનું વેચાણ શરૂ કર્યું ત્યારે લ્યૂથરને આઘાત લાગ્યો અને ખરીદનાર લોકો તરફ તે ગુસ્સે થયો. તેણે ચર્ચની વિરુદ્ધ 95 મુદ્દાવાળું આરોપનામું વિટેનબર્ગના ચર્ચના દરવાજે લગાવી તેની નકલો જુદાં જુદાં નગરોમાં વહેંચી. તેણે માફીપત્રોની જાહેરમાં હોળી કરીને લોકોમાં જાગૃતિ ફેલાવી. તેથી દેવળના દુરાચારો પ્રકાશમાં આવ્યા અને લ્યૂથરને પ્રસિદ્ધિ મળી. રોમના કૅથલિક ચર્ચ સામે વિરોધનો વંટોળ પ્રસર્યો.
માર્ટિન લ્યૂથરે ચર્ચ તથા પોપનો ભ્રષ્ટાચાર જાહેર કર્યો તેથી તેને પોપનો વિરોધી જાહેર કરવામાં આવ્યો. પોતાની ભૂલ સ્વીકારી પ્રાયશ્ચિત્ત કરવા પોપે કરેલા હુકમનો તેણે વિરોધ કરી પોપ સામે આક્ષેપો કર્યા. તેથી પોપ લિયો દસમાએ ઈ. સ. 1521માં તેને ધર્મભ્રષ્ટ જાહેર કરી તેની સામે કામ ચલાવવા આદેશ આપ્યો. વર્મ્સની સભામાં લ્યૂથરને બોલાવી, તેને ભૂલ કબૂલ કરી માફી માગવા જણાવવામાં આવ્યું. તેને કોઈએ આશ્રય ન આપવાની પોપની ધર્માજ્ઞા જાહેર કરવા છતાં, પ્રજાનો અને કેટલાક જર્મન રાજાઓનો સહકાર મળવાથી ધર્માજ્ઞા અર્થહીન બની. સૅક્સનીના રાજા ફ્રેડરિકે તેને રક્ષણ આપ્યું. ઈ. સ. 1521 થી 1546 દરમિયાન લ્યૂથરે સ્વતંત્ર જર્મન ચર્ચની રચના કરી તથા બાઇબલનો જર્મન ભાષામાં અનુવાદ કર્યો. લ્યૂથરની સાત માગણીઓ નીચે મુજબ હતી : (1) ખ્રિસ્તી ચર્ચની સત્તા નાબૂદ કરવી, (2) પોપની સર્વોપરીતાનો ઇનકાર કરવો, (3) ખ્રિસ્તી ચર્ચ તથા ધર્મ પર દરેક ખ્રિસ્તીનો અધિકાર માન્ય રાખવો, (4) મઠોની સંખ્યામાં ઘટાડો કરવો, (5) બૅપ્ટિઝમ અને હોલી કૉમ્યૂનની વિધિઓ ચાલુ રાખી અન્ય વિધિઓ બંધ કરવી, (6) પાદરીઓને લગ્ન કરવાની છૂટ આપવી અને (7) જર્મન ઉમરાવો તથા લોકોએ પોપની સત્તાનો વિરોધ કરી ધર્મસુધારણામાં સહકાર આપવો. આમ પોપના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સામ્રાજ્ય પર તેણે મરણતોલ ઘા કર્યો. લ્યૂથરને સમર્થકો તથા અનુયાયીઓનો વિશાળ સમુદાય મળ્યો. તેનું આંદોલન યુરોપના અનેક દેશોમાં ફેલાયું. તેમાંથી પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાય સ્થપાયો. આમ, ખ્રિસ્તી ધર્મના બે વિભાગ પડ્યા : પોપના સમર્થકો રોમન કૅથલિક કહેવાયા અને પોપના વિરોધીઓ પ્રૉટેસ્ટન્ટ કહેવાયા.
લ્યૂથરે સ્થાપેલ પ્રૉટેસ્ટન્ટ પંથ જર્મની સહિત યુરોપના અન્ય દેશોમાં પણ ફેલાયો. ઇંગ્લૅન્ડના રાજા હેન્રી આઠમાએ અંગત લાભ માટે રોમ સાથેના સંબંધો તોડી નાખ્યા, પ્રૉટેસ્ટન્ટ પંથને ટેકો આપ્યો, દેવળોની મિલકત જપ્ત કરી અને ઇંગ્લૅન્ડના ચર્ચના વડા તરીકે રાજાને સ્વીકારતો કાયદો પાર્લમેન્ટમાં પસાર કરાવ્યો. આયર્લૅન્ડ, હોલૅન્ડ, સ્વીડન, નૉર્વે અને ડેન્માર્કમાં પણ પ્રૉટેસ્ટન્ટ બળવાને આવકાર મળ્યો. પ્રૉટેસ્ટન્ટ પંથીઓ ઇંગ્લૅન્ડમાં પ્યુરિટન, સ્કૉટલૅન્ડમાં પ્રેસ્બિટેરિયન, ફ્રાન્સમાં હ્યુગોનોટ, સ્વિટ્ઝર્લૅન્ડમાં કૅલ્વિનવાદી તથા જર્મનીમાં લ્યૂથરવાદી તરીકે ઓળખાતા હતા. આમ પ્રૉટેસ્ટન્ટ બંડને લીધે યુરોપના લોકોને પ્રથમ વાર અંત:કરણના અવાજને મુક્ત રીતે અનુસરવાની સ્વતંત્રતા મળી. લ્યૂથરે એક મહાન ધાર્મિક આગેવાન તરીકે પોપની આંતરરાષ્ટ્રીય સત્તા તથા ધાર્મિક અદાલત દ્વારા થતા ત્રાસમાંથી યુરોપના લોકોને મુક્ત કર્યા.
ખ્રિસ્તી પાદરી ઝિંવગલીએ (1484–1531) લ્યૂથરે શરૂ કરેલ ધાર્મિક ક્રાંતિથી પ્રભાવિત થઈને સ્વિટ્ઝર્લૅન્ડમાં પાપવિમોચન-પત્રિકાના વેચાણ તથા બાઇબલનું અર્થઘટન કરવાના પોપના અબાધિત હક વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. ઈ. સ. 1523માં તેણે રોમના ચર્ચ સાથેના સંબંધો તોડી નાખ્યા. પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલા આંતરવિગ્રહમાં તેનું અવસાન થયું.
ફ્રાન્સનો કૅથલિક પાદરી જૉન કૅલ્વિન (1509–1664) પ્રૉટેસ્ટન્ટ બનવાથી તેને ફ્રાન્સ છોડવું પડ્યું. સ્વિટ્ઝર્લૅન્ડમાં પચીસ વર્ષ રહીને તેણે ધાર્મિક જાગૃતિનું કામ કર્યું. તેણે ‘ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંત’ નામનું પુસ્તક ઈ. સ. 1536માં પ્રગટ કર્યું. તેણે રાજ્ય તથા ચર્ચનાં કાર્યોને અલગ કર્યાં. ચર્ચમાં તે લોકતંત્રીય વ્યવસ્થાને મહત્વ આપતો. તેના વિચારો કૅલ્વિનવાદ તરીકે ઓળખાય છે. તેના અનુયાયીઓ સ્વિટ્ઝર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, હોલૅન્ડ વગેરે દેશોમાં મોટી સંખ્યામાં હતા. ધર્મસુધારણાની ચળવળના ફલસ્વરૂપે ખ્રિસ્તી ધર્મના લોકોના બે સંપ્રદાય પડી ગયા. પ્રૉટેસ્ટન્ટોની ચળવળને રાજાઓ તથા લોકોએ સાથ આપવાને લીધે રોમન કૅથલિક ધર્મગુરુઓને પણ આંતરિક સુધારણાની જરૂરિયાત લાગવાથી તે માટેની કાર્યવાહી આરંભાઈ. આ પ્રવૃત્તિને ‘પ્રતિધર્મસુધારણા’ કહેવામાં આવે છે.
સૈનિક તરીકેની કારકિર્દી શરૂ કરનાર, સ્પેનનો વતની ઇગ્નેશિયસ લૉયોલા યુદ્ધમાં ઘાયલ થવાથી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ઈસુનું જીવનચરિત્ર વાંચીને, રોમન કૅથલિક ધર્મનો ચુસ્ત અનુયાયી બન્યો. તેણે પોપના ઉપરીપણાનો સ્વીકાર કરવા તથા કૅથલિક ચર્ચની પ્રતિષ્ઠા પુન:સ્થાપિત કરવા ઈ. સ. 1540માં જિસસના સંઘની સ્થાપના કરી. આ સંઘના પ્રચારકોએ કૉલેજો તથા શાળાઓ સ્થાપીને વિવિધ દેશોમાં મિશનરી પ્રવૃત્તિ મારફતે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો. આ સંઘના અનુયાયીઓ જેસ્યુઇટ્સ તરીકે જાણીતા બન્યા. તેમણે સ્વેચ્છાએ સંયમ સ્વીકારીને ઉત્સાહથી ચીન, ભારત, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના દેશોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો અને શાળાઓ, કૉલેજો તથા દવાખાનાં સ્થાપ્યાં.
કૅથલિક ચર્ચમાં આંતરિક સુધારા માટે ટ્રેન્ટની ધર્મપરિષદે (ઈ. સ. 1545–63) મહત્વનું પ્રદાન કર્યું. આ પરિષદે કરેલી સુધારાઓની યાદી મુજબ પાપવિમોચનપત્રિકા તથા ધર્મગુરુઓનાં પદોનું વેચાણ બંધ કર્યું. ચારિત્ર્યવાન તથા પ્રામાણિક પોપ અને પાદરીઓને નીમવાનો તથા સાદાઈ અને પવિત્રતા જાળવવાનો આગ્રહ રાખ્યો. શાળા-કૉલેજો દ્વારા લોકોને કૅથલિક પંથ પ્રત્યે આકર્ષવાનું તથા ધર્મપ્રચાર અને કૅથલિક સાહિત્યના ફેલાવા વાસ્તે પ્રયાસો કરવાનું ઠરાવ્યું. આમ આંતરિક સુધારા કરીને પોપ તથા ચર્ચે પુન:પ્રતિષ્ઠા મેળવી.
ધર્મસુધારણાને પરિણામે યુરોપના સમાજ ઉપરથી પોપનું વર્ચસ કાયમ માટે નાબૂદ થયું. ખ્રિસ્તી ધર્મસંઘમાં રોમન કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ – એમ વિભાજન થયું. અને તેમની વચ્ચે તીવ્ર મતભેદો પડ્યા. ઈ. સ. 1560 બાદ કૅથલિક તથા પ્રૉટેસ્ટન્ટ રાજાઓ વચ્ચે અનેક યુદ્ધો થયાં. કૅથલિક રાજાની પ્રૉટેસ્ટન્ટ પ્રજા તથા પ્રૉટેસ્ટન્ટ રાજાની કૅથલિક પ્રજા પર અત્યાચાર ગુજારવામાં આવ્યા. ઈ. સ. 1618 થી 1648 દરમિયાન થયેલાં ત્રીસ વર્ષીય યુદ્ધમાં પ્રૉટેસ્ટન્ટ અને કૅથલિક રાજાઓ સામસામે તથા પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના લ્યૂથરન્સ અને કૅલ્વિનિસ્ટો વચ્ચે લડાઈઓ થઈ. ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સ જેવા દેશોમાં ધાર્મિક મતભેદોએ નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પાડી. ધાર્મિક અત્યાચારોમાંથી બચવા ઇંગ્લૅન્ડમાંથી કેટલાંક અંગ્રેજ કુટુંબોએ ‘મે ફ્લાવર’ નામના વહાણમાં ઈ. સ. 1620માં અમેરિકામાં જઈને વસવાટ કર્યો.
બાઇબલનો અનેક ભાષાઓમાં અનુવાદ કરી, તેની છાપેલી નકલો ધર્મસુધારકોએ લોકોને આપી. લોકોએ બાઇબલનો અભ્યાસ કરી અંધશ્રદ્ધા અને જડતાનો અંત આણ્યો. આ સુધારણાની ચળવળે અનાચાર, વહેમ તથા અનીતિને ખુલ્લાં પાડી લોકોને ઉચ્ચ નૈતિક જીવન જીવવાની પ્રેરણા આપી. મધ્યમ વર્ગે ધર્મસહિત સરળ નાગરિક જીવનને મહત્વ આપવાથી ધર્મની પકડ ઘટી. ખ્રિસ્તી ધર્મમાં વ્યાપેલાં ભ્રષ્ટાચાર, દંભ, શોષણ વગેરે નાબૂદ કરવામાં મધ્યમ વર્ગે મહત્વનું પ્રદાન કર્યું.
ધાર્મિક સુધારણાની ચળવળના ફળસ્વરૂપે યુરોપમાં રાજાશાહીની સર્વોપરીતાનો સ્વીકાર થયો, પોપના આધિપત્યમાંથી રાજાઓને મુક્તિ મળી તથા રાષ્ટ્રીયતાની ભાવનાને પોષણ મળ્યું. ધર્મસુધારણાને પરિણામે ખ્રિસ્તી ચર્ચના આંતરરાષ્ટ્રીય વર્ચસનો અંત આવ્યો અને ધર્મપ્રધાન સંસ્કૃતિ હવે રાષ્ટ્રપ્રધાન બની ગઈ. ધર્મસુધારણા થવાથી અર્વાચીન વિચારો તથા જ્ઞાનવિજ્ઞાનમાં પ્રગતિ સાધવામાં ધર્મની અવરોધક બળ તરીકેની દરમિયાનગીરી નાબૂદ થઈ. એ રીતે ધર્મસુધારણાનું આંદોલન નવજાગૃતિનું પૂરક તથા પોષક આંદોલન બની ગયું.
ર. લ. રાવળ